પ્લેયર જેમાં માહેર હોય એ ધોની કરવા દે છે, જ્યારે રોહિત શર્મા સતત વિકેટ વિશે વિચારે છે: હરભજન

Published: May 30, 2020, 17:36 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

અઘરી પરિસ્થિતિમાં પણ પ્રેશર લેવાની રોહિત શર્માની સ્કિલ પર ફિદા છે: લક્ષ્મણ

આઇપીએલના ઇતિહાસમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની બે સફળ કૅપ્ટનો છે. આ બન્નેના નેતૃત્વમાં હરભજન સિંહ રમી ચૂક્યો છે અને તાજેતરમાં હરભજને આ બન્ને કૅપ્ટન વચ્ચેનો ભેદ જાહેર કર્યો હતો. આ વિશે વિસ્તૃત વાત કરતાં હરભજને કહ્યું કે ‘ધોની એવો કૅપ્ટન નથી જે તમને કહેશે કે તું આમ કર કે તેમ કર. બોલરને જે આવડે છે એ કરવાની ધોની તેને છૂટ આપશે. ધોનીએ એવી રીતે મને પણ ઘણી વાર છૂટ આપી છે. એક મૅચમાં શાર્દુલ ઠાકુરને દરેક ઓવરમાં ધિબેડી નાખવામાં આવ્યો હતો. એટલે હું ધોની પાસે ગયો અને મેં તેને કહ્યું કે આ શાર્દુલ પોતાની બોલિંગમાં કોઈ ચેન્જ કેમ નથી લાવતો. ધોનીએ ત્યારે મને કહ્યું કે પા, તે જે કરે છે એ તેને કરવા દે. અત્યારે હું તેને કંઈ પણ કહીશ તો તે કન્ફ્યુઝ થશે. તે માર ખાય છે, તેને ખાવા દો. રોહિતના સંદર્ભમાં વાત કરું તો રોહિત પણ પ્લેયરોને ઘણી છૂટ આપે છે, પણ તે હંમેશાં વિકેટનું વિચારતો હોય છે. તમને જે પ્રમાણે ફીલ્ડિંગ જોઈતી હોય એ પ્રમાણેની ફીલ્ડિંગ એ તમને લગાડી આપશે. તમારી બોલિંગ સાથે કંઈ પણ ચર્ચાવિચારણા નહીં કરે.’

અઘરી પરિસ્થિતિમાં પણ પ્રેશર લેવાની રોહિત શર્માની સ્કિલ પર ફિદા છે: લક્ષ્મણ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર વીવીએસ લક્ષ્મણે તાજેતરમાં રોહિત શર્માની પ્રશંસા કરી છે. વાસ્તવમાં અઘરી પરિસ્થિતિમાં પણ જે પ્રમાણે રોહિત શર્મા પ્રેશર સંભાળે છે એ જોતાં લક્ષ્મણે તેની વાહવાહી કરી હતી. રોહિતના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સને વિજેતા બનતાં સૌથી વધારે વખત જોવાયું છે. રોહિત વિશે વાત કરતાં લક્ષ્મણે કહ્યું કે ‘તે આઇપીએલમાં ડેક્કન ચાર્જર્સ ટીમનો લીડર બની શકત. એ પહેલાં તે ભારત માટે ટી૨૦ વર્લ્ડ કપ રમી ચૂક્યો હતો. આખી ટીમે જ્યારે આઇપીએલની પહેલી સીઝનમાં સારું પર્ફોર્મ નહોતું કર્યું ત્યારે તેણે એકલાએ સારું પર્ફોર્મ કર્યું હતું. દરેક મૅચ જીતવાની સાથે તેનું કૉન્ફિડન્સ-લેવલ વધતું જાય છે જેને કારણે યુવા પ્લેયરોની ટીમમાં જગ્યા પણ મજબૂત બનતી જાય છે. પણ મારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે તે પ્રેશર હૅન્ડલ કરી શકે છે. પોતાની બૅટિંગના જાદુ વડે તે રનનો વરસાદ વરસાવે છે અને એ માટે જ તે આઇપીએલના ઇતિહાસમાં મારા માટે સૌથી સફળ કપ્તાન છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK