સરકારે બૉક્સિંગ અને તીરંદાજીના અસોસિએશનોની માન્યતા રદ કરી

Published: 8th December, 2012 09:02 IST

ચૂંટણીઓમાં ગેરરીતિ થવાને કારણે સરકારે આકરું પગલું લીધુંનવી દિલ્હી: સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ ગઈ કાલે આઇએબીએફ (ઇન્ડિયન ઍમેટર બૉક્સિંગ ફેડરેશન) અને એએઆઇ (આર્ચરી અસોસિએશન ઑફ ઇન્ડિયા)ની માન્યતા પાછી ખેંચી લીધી હતી. મુક્કાબાજી અને તીરંદાજીના આ સંગઠનોની થોડા દિવસ પહેલાંની ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ હોવાથી સરકારે આ પગલું લીધું હતું.

સ્પોર્ટ્સ મિનિસ્ટર જિતેન્દ્ર સિંહે પત્રકારોને કહ્યું હતું કે ‘એએઆઇએ હોદ્ેદારો માટેની ઉંમર તથા મુદતને લગતી રમતગમતને લગતી સરકારી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું, જ્યારે આઇએબીએફની ચૂંટણીપ્રક્રિયા ખામીયુક્ત હતી. ગઈ કાલે સવારે સરકારના આ નિર્ણય પહેલાં ઇન્ટરનૅશનલ બૉક્સિંગ અસોસિએશને આઇએબીએફને પોતાના મેમ્બર દેશોના લિસ્ટમાંથી સસ્પેન્ડ કર્યું હતું અને એ સાથે સરકારે પણ આઇએબીએફની માન્યતા રદ કરવાની ફરજ પડી હતી. બન્ને સંગઠનોને નવેસરથી ચૂંટણી રાખવા કહેવામાં આવ્યું છે.

એએઆઇની ચૂંટણી નવેમ્બરમાં યોજાઈ હતી જેમાં વિજયકુમાર મલ્હોત્રા સતત દસમી મુદત માટે ચૂંટાયા હતા. તેઓ ૪૦ વર્ષથી તીરંદાજીના આ અસોસિએશનના પ્રમુખપદે હતા. આઇએબીએફની ચૂંટણીમાં પ્રમુખ તરીકે અભયસિંહ ચૌટાલાની જગ્યાએ અભિષેક માતોરિયા ચૂંટાયા હતા.

સરકારે બન્ને સંગઠનો સામે પગલું લેવામાં કેમ આટલો સમય લગાવ્યો? એવું પૂછવામાં આવતાં સ્પોર્ટ્સ સેક્રેટરી પી. કે. દેબે કહ્યું હતું કે અમે ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનની ચૂંટણી પૂરી થાય એની રાહ જોઈ રહ્યા હતા અને એ પૂરી થતાં પગલું લઈ લીધું હતું.’

વિજેન્દર સિંહ સહિત દેશભરનાં મુક્કાબાજો અને તીરંદાજો સરકારના આ પગલાંને કારણે પોતાની કરીઅરના ભાવિ વિશે ભયભીત થઈ ગયાં છે.

થોડા દિવસ પહેલાં ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીએ ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનને સસ્પેન્ડ કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK