Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચોથી વાર ચૅમ્પિયન બન્યું ઘાટકોપર જૉલી જિમખાના

ચોથી વાર ચૅમ્પિયન બન્યું ઘાટકોપર જૉલી જિમખાના

13 January, 2020 12:10 PM IST | Mumbai Desk

ચોથી વાર ચૅમ્પિયન બન્યું ઘાટકોપર જૉલી જિમખાના

રનર-અપ ટીમ બૉમ્બે રૉકર્સને ક્રેડાઈ એમસીએચઆઇ - થાણે યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ ‌જિતેન્દ્ર મહેતા અને ‘મિડ-ડે’ના તંત્રી મયૂર જાનીના હસ્તે ટ્રોફી, મેડલ, બૉલનું બૉક્સ અને ગિફ્ટ-વાઉચર આપવામાં આવ્યાં હતાં.

રનર-અપ ટીમ બૉમ્બે રૉકર્સને ક્રેડાઈ એમસીએચઆઇ - થાણે યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ ‌જિતેન્દ્ર મહેતા અને ‘મિડ-ડે’ના તંત્રી મયૂર જાનીના હસ્તે ટ્રોફી, મેડલ, બૉલનું બૉક્સ અને ગિફ્ટ-વાઉચર આપવામાં આવ્યાં હતાં.


જુલાઈમાં વન-ડે વર્લ્ડ કપમાં પ્રથમ વાર જોવા મળેલા ટાઇ જેવો જ રોમાંચ ગઈ કાલે મિડ-ડે લેડીઝ ક્રિકેટમાં જોવા મળ્યો હતો ઃ સુપરઓવરમાં ઘાટકોપર જૉલી જિમખાનાએ એક બૉલ બાકી રાખીને જીત મેળવીને સૌથી વધુ ચાર વાર ટ્રોફી જીતવાના બૉમ્બે રૉકર્સના રેકૉર્ડની બરોબરી કરી. ફાઇનલની સ્ટાર બની નંદિતા ત્રિવેદી, તો નિધિ દાવડા બની ૧૧મી સીઝનની સુપરસ્ટાર

‘મિડ-ડે’ અને ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત લેડીઝ ક્રિકેટની ૧૧મી સીઝનમાં ફરી બે બળૂકી ટીમો બૉમ્બે રૉકર્સ અને ઘાટકોપર જૉલી જિમખાના વચ્ચે જામેલી ફાઇનલ રોમાંચક રીતે ટાઇ થઈ હતી. સુપરઓવરમાં ઘાટકોપર જૉલી જિમખાનાએ વિજય મેળવીને બૉમ્બે રૉકર્સના સૌથી વધુ ચાર વખત ચૅમ્પિયન બનવાના રેકૉર્ડની બરોબરી કરી હતી.
આ વખતે ફાઇનલના જંગે જુલાઈમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલની યાદ અપાવી હતી. ન્યુ ઝીલૅન્ડ સામે યજમાન ઇંગ્લૅન્ડે ટાઇ બાદ સુપરઓવરમાં જીત મેળવી હતી અને ગઈ કાલે પણ બૉમ્બે રૉકર્સ સામે યજમાન ઘાટકોપર જૉલી જિમખાનાએ સુપરઓવરમાં યાદગાર જીત મેળવી હતી.
૨૦૧૫થી શરૂ થયેલા સિલસિલામાં સતત છઠ્ઠા વર્ષે ઘાટકોપર જૉલી જિમખાના અને બૉમ્બે રૉકર્સ ટીમો વચ્ચે ટ્રોફી માટે નિર્ણાયક જંગ જોવા મળ્યો હતો.
ગઈ કાલે ફાઇનલમાં બૉમ્બે રૉકર્સની કૅપ્ટન કિંજલ અંબાસણાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ઘાટકોપર જૉલી જિમખાનાનું વૈભવી રાજાને ઓપનિંગમાં મોકલવાનું જૂગટું સફળ નહોતું થયું અને એ ત્રીજા બૉલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગઈ હતી. નંદિતા ત્રિવેદીના ૯ બૉલમાં બે સિક્સર અને ૩ ફોર સાથે ૨૭ રન, નિલોફર નાયકના ૯ બૉલમાં એક ફોર સાથે ૧૧ તથા દેવાંશી ભાટિયાના પાંચ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૦ રનની ઇનિંગ્સના જોરે ઘાટકોપર જૉલી જિમખાનાનો સ્કોર ૬ ઓવરમાં પાંચ વિકેટે ૫૭ રન સુધી પહોંચી શક્યો હતો. બૉમ્બે રૉકર્સ વતી રાધિકા ઠક્કરે બે અને કિંજલ અંબાસણા તથા ભૂમિકા આહિરે ૧-૧ વિકેટ ઝડપી હતી.
૫૮ રનના ટાર્ગેટ સામે બૉમ્બે રૉકર્સે પહેલી ઓવરમાં દૃષ્ટિ કાપડિયાની વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ઓવરમાં બૉમ્બે રૉકર્સે બે સિક્સર અને એક ફોર સાથે કુલ ૨૦ રન બનાવીને સ્કોરને ૩૦ રન પર પહોંચાડી દેતાં ફરી બૉમ્બે રૉકર્સ ચૅમ્પિયન બનશે એવી ચર્ચા થવા લાગી હતી, પણ ત્યાર બાદ ત્રીજી ઓવરમાં એક વિકેટ સાથે ૬ રન, ચોથી ઓવરમાં પણ એક વિકેટ સાથે ૬ રન બનતાં સ્કોર ૩ વિકેટે ૪૨ રન થયો હતો અને હવે બાકીના ૧૨ બૉલમાં જીતવા માટે ૧૬ રન બનાવવાના હતા. જોકે પાંચમી ઓવર લઈને આવેલી નંદિતા ત્રિવેદીએ કમાલ કરતાં ફક્ત બે જ રન આપ્યા હતા અને મૅચમાં ટર્ન આવી ગયો હતો અને ઘાટકોપર જૉલી જિમખાનાના કૅમ્પમાં જોશ આવી ગયો હતો. છેલ્લી ઓવરમાં ૧૪ રનની જરૂર હતી અને એ મહત્ત્વની ઓવરની જવાબદારી વૈભવી રાજાને સોંપવામાં આવી હતી. પહેલા બૉલમાં બૉમ્બે રૉકર્સની આશા ફોજદારે સિક્સર ફટકારતાં બાકીના પાંચ બૉલમાં માત્ર ૮ રન કરવાના હતા. બીજો બૉલ ડૉટ અને ત્રીજા બૉલે એક રન બનતાં બાકીના ૩ બૉલમાં સાત ૭ રનની જરૂર હતી. કૅપ્ટન કિંજલ અંબાસણાએ ચોથા બૉલમાં સિક્સર ફટકારીને સ્કોર લેવલ કરી દીધો હતો અને જીત ઑલમોસ્ટ પાકી કરી લીધી હતી. જોકે વૈભવી રાજાએ પાંચમાં બૉલમાં કિંજલને બોલ્ડ કરી દેતાં ફરી બાજી બદલાઈ ગઈ હતી. છેલ્લા બૉલમાં જીત માટે એક રન કરવાનો હતો, પણ એ એક રન નહોતો બની શક્યો અને મૅચ રોમાંચક રીતે ટાઈ થઈ હતી.



ક્વૉર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલની મૅચમાં શુ થયું?
ક્વૉર્ટર ફાઇનલ
પ્રથમ ક્વૉર્ટર ફાઇનલમાં જૉલી ફ્રેન્ડ્સ સામે બૉમ્બે રૉકર્સે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી જ ઓવરમાં આક્રમણ અને ડેન્જરસ કેતકી ધૂરેને આઉટ કરીને બૉમ્બે રૉકર્સે અડધી બાજી જીતી લીધી હતી. કેતકીની વિકેટ બાદ જૉલી ફ્રેન્ડ્સ ફસડાઈ પડી હતી અને પાંચ ઓવરમાં ૪ વિકેટે માત્ર ૩૫ રન જ બનાવી શકી હતી. બૉમ્બે રૉકર્સે ૩ ઓવરમાં આસાનીથી ૩૬ રનનો ટાર્ગેટ મેળવીને ૭ વિકેટની જીત સાથે સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બૉમ્બે રૉકર્સની કૅપ્ટન કિંજલ અંબાસણાને તેના બે ઓવરમાં માત્ર પાંચ રન આપીને ૩ વિકેટ લેવાના શાનદાર પર્ફોર્મન્સ બદલ વુમન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.
બીજી ક્વૉર્ટર ફાઇનલમાં ટ્રાન્સફૉર્મ KVO સામે વાગડ કલા કેન્દ્રની કૅપ્ટન પ્રીતિ ગાલાએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો. ટ્રાન્સફૉર્મ KVOના અનુભવી બોલરો સામે વાગડ કલા કેન્દ્રની સ્ટાર બૅટ્સવુમન હર્લી ગાલા આગળની મૅચો જેવી કમાલ ન કરી શકતાં તેઓ પાંચ ઓવરમાં ૩ વિકેટે ૩૭ રન જ બનાવી શક્યાં હતાં. ટ્રાન્સફૉર્મ KVOએ ટાર્ગેટ ૩ ઓવરમાં એક વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો અને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ટ્રાન્સફૉર્મ KVOની અનુભવી બોલર ‍અલ્પા ગાલાને બે ઓવરમાં માત્ર ૭ રન આપીને એક વિકેટ તેમ જ ૭ બૉલમાં ૩ ફોર સાથે અણનમ ૧૭ રનના પર્ફોર્મન્સ બદલ વુમન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.
ત્રીજી ક્વૉર્ટર ફાઇનલમાં કચ્છી કડવા પાટીદાર ટીમ સામે ઘાટકોપર જૉલી જિમખાનાની કૅપ્ટન મનાલી રાવલે ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. ઓપનરો દેવાંશી ભાટિયા (૧૬ બૉલમાં અણનમ ૩૯) અને નિલોફર નાયક (૭ બૉલમાં ૨૦ રન)ના શાનદાર પર્ફોર્મન્સના જોરે પાંચ ઓવરમાં બે વિકેટે ૮૨ રન બનાવીને કચ્છી કડવા પાટીદાર સામે ચૅલેન્જિંગ ટાર્ગેટ આપી શકી હતી. ઘાટકોપર જૉલી જિમખાનાના અનુભવી બોલરો સામે કચ્છી કડવા પાટીદાર કોઈ કમાલ નહોતી કરી શકી અને પાંચ ઓવરમાં ૪ વિકેટે ૩૫ રન જ બનાવી શકી હતી. ૪૭ રનની જીત સાથે ઘાટકોપર જૉલી જિમખાનાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ૧૬ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથેની અણનમ ૩૯ રનની અફલાતૂન ઇનિંગ્સ બદલ ઘાટકોપર જૉલી જિમખાનાની દેવાંશી ભાટિયાને વુમન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.
સેમી ફાઇનલ
ત્રણ ટીમો વચ્ચે લીગ સ્ટાઇલની સેમી ફાઇનલ માટે થયેલા ડ્રૉ પ્રમાણે પ્રથમ મુકાબલો બૉમ્બે રૉકર્સ અને ટ્રાન્સફૉર્મ KVO, બીજો મુકાબલો ઘાટકોપર જૉલી જિમખાના અને ટ્રાન્સફૉર્મ KVO તથા ત્રીજો જંગ ઘાટકોપર જૉલી જિમખાના અને બૉમ્બે રૉકર્સ વચ્ચે લાઇન-અપ થયો હતો.
પ્રથમ સેમી ફાઇનલમાં બૉમ્બે રૉકર્સે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધીમી શરૂઆત બાદ ટ્રાન્સફૉર્મ KVOની અલ્પા ગાલાની ૧૯ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથેની ૩૦ રનની ઇનિંગ્સના જોરે ૬ ઓવરમાં ૩ વિકેટે ૫૭ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. બૉમ્બે રૉકર્સે પહેલી જ ઓવરમાં ૧૯ રન ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી, પણ ત્રીજી ઓવરમાં રાધિકા ઠક્કર (૬ બૉલમાં ૧૪) અને ભૂમિકા આહિર (૩ બૉલમાં એક રન)ની વિકેટ પડી જતાં ટ્રાન્સફૉર્મ KVO ટીમ જોશમાં આવી ગઈ હતી. જોકે ત્યાર બાદ મેદાનમાં આવેલી કૅપ્ટન કિંજલ અંબાસણા તથા ઓપનર દૃષ્ટિ કાપડિયાએ સાવચેતીપૂર્વક રમતાં છેલ્લી ઓવરના બીજી બૉલમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. દૃષ્ટિ કાપડિયાને વુમન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.
બીજી સેમી ફાઇનલમાં ઘાટકોપર જૉલી જિમખાનાએ ટૉસ જીતીને હંમેશ મુજબ પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો. નિલોફર નાયક (૧૦), નંદિતા ત્રિવેદી (૮) ખાસ કોઈ કમાલ નહોતી કરી શકી, પણ ઓપનર નિધિ દાવડા ૧૬ બૉલમાં ૩ ફોર સાથે અણનમ ૨૯ રન ફટકારીને ટીમના સ્કોરને ૬ ઓવરમાં ૩ વિકેટે ૬૪ રન સુધી લઈ ગઈ હતી. ટ્રાન્સફૉર્મ KVOએ બે ઓવરમાં વિના વિકેટે ૧૭ રન બનાવીને સારી શરૂઆત કરી હતી, પણ ત્રીજી અને ચોથી ઓવરમાં વિકેટના પતનને લીધે સ્કોરને બ્રેક લાગી ગઈ હતી. જોકે પાંચમી ઓવરમાં બે સિક્સર અને બે ફોર સાથે કુલ ૨૨ રન બનતાં મૅચમાં ટર્ન આવી ગયો હતો. ટ્રાન્સફૉર્મ KVOને હવે છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૨ રન કરવાના હતા. નિધિ દાવડાની છેલ્લી ઓવરના પહેલા બન્ને બૉલમાં રનઆઉટના રૂપમાં વિકેટ પડતાં ટ્રાન્સફૉર્મ KVOના કૅમ્પમાં સન્નાટો છવાઈ ગયો હતો. બાકીના ચાર બૉલમાં ફક્ત ૩ રન બનતાં ટ્રાન્સફૉર્મ KVO સતત બીજા વર્ષે સેમી ફાઇનલમાં ફસડાઈ ગઈ હતી.
ટ્રાન્સફૉર્મ KVOનો બન્ને સેમી ફાઇનલમાં પરાજય થતાં ઘાટકોપર જૉલી જિમખાના અને બૉમ્બે રૉકર્સ ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ જતાં ત્રીજી સેમી ફાઇનલ બિનજરૂરી બની જતાં નહોતી રમાઈ.


સુપરઓવરમાં શું થયું?
સુપરઓવરમાં ઘાટકોપર જૉલી જિમખાનાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બૉમ્બે રૉકર્સ પહેલા બૉલમાં ફોર, બીજા બૉલમાં એક, ત્રીજા બૉલમાં બે, ચોથા બૉલમાં એક રન અને પાંચમા બૉલમાં રનઆઉટ રૂપે વિકેટ પડી જતાં કુલ ૧૨ રન બન્યા હતા. ૧૩ રનના ટાર્ગેટ સામે ઘાટકોપર જૉલી જિમખાનાએ પહેલા જ બૉલમાં સિક્સર ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી. બીજા, ત્રીજા અને ચોથા બૉલમાં એક-એક રન બનતાં બાકીના બે બૉલમાં ચાર રન કરવાના હતા. પાંચમા બૉલમાં ઘાટકોપર જૉલી જિમખાનાની નંદિતા ત્રિવેદીએ સિક્સર ફટકારી ટીમને યાદગાર જીત અપાવી હતી.
ફાઇનલમાં ૯ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૭ રન ઉપરાંત નિર્ણાયક સમયે એક ઓવરમાં માત્ર બે રન આપીને એક વિકેટ ઝડપવા ઉપરાંત સુપરઓવરમાં વિનિંગ સિક્સર ફટકારનાર નંદિતા ત્રિવેદી વુમન ઑફ ધ ફાઇનલ જાહેર થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2020 12:10 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK