ઇંગ્લૅન્ડ-શ્રીલંકા ટેસ્ટના ત્રીજા દિવસે બે ટીમ વચ્ચે નહીં, પણ...

Published: 25th January, 2021 12:21 IST | Gujarati Mid-day Correspondent | Galle

લસિથ એમ્બુલડેનિયા ને જો રૂટ વચ્ચે જામ્યો રંગ, રૂટે ૧૮૬ રન કરીને સાચવી ટીમની પારી, લસિથે સાત વિકેટ લઈને શ્રીલંકાને આપી મજબૂતી

લસિથ એમ્બુલડેનિયા, જો રૂટ
લસિથ એમ્બુલડેનિયા, જો રૂટ

શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચમાં શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં કરેલા ૩૮૧ રન સામે ઇંગ્લૅન્ડે મૅચના ત્રીજા દિવસની સમાપ્તિ સુધીમાં ૯ વિકેટે ૩૩૯ રન બનાવી લીધા હતા. તેઓ હજી પણ શ્રીલંકાના સ્કોરથી ૪૨ રન પાછળ છે. નોંધનીય છે કે ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટ અને જોસ બટલરને બાદ કરતાં અન્ય કોઈ પણ પ્લેયર લાંબું ટકી શક્યો નહોતો. જોસ બટલર ૫૫ રન કરીને આઉટ થયો હતો, જ્યારે જો રૂટે ૩૦૯ બૉલમાં ૧૮ ચોગ્ગા ફટકારી શાનદાર ૧૮૬ રનની પારી રમી રેકૉર્ડ સરજ્યો હતો. તે રનઆઉટ થયા યજમાન ટીમને થોડી શાતા વળી હતી. સામા પક્ષે શ્રીલંકાના લસિથ એમ્બુલડેનિયાએ ૭ વિકેટ લઈને ઇંગ્લૅન્ડને ખાસ્સી હેરાન કરી હતી અને પોતાની ટીમને મજબૂતી અપાવી હતી. લસિથે પહેલી ઇનિંગમાં કુલ ૪૧ ઓવર નાખી હતી જેમાં ૧૩૨ રન ખર્ચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મૅચમાં જો રૂટે ડબલ સેન્ચુરી ફટકારી હતી. શ્રીલંકા સામેની આ બીજી ટેસ્ટ મૅચ જો રૂટની ૯૯મી ટેસ્ટ મૅચ છે. પોતાની ૯૯ ટેસ્ટ મૅચમાં સેન્ચુરી ફટકારીને રૂટ સુનીલ ગાવસકર અને સૌરવ ગાંગલીની ક્લબમાં સામેલ થઈ ગયો છે.

આ રેકૉર્ડમાં પહેલા ક્રમે સૌરવ ગાંગુલી છે, જેણે પોતાની ૯૯મી ટેસ્ટ મૅચમાં ૨૩૯ રન બનાવ્યા હતા. બીજા ક્રમે સુનીલ ગાવસકર છે જેમણે નાબાદ ૨૩૬ રન બનાવ્યા હતા. આ સિવાય આ યાદીમાં બ્રાયન લારા (૨૦૨), વીવીએસ લક્ષ્મણ (નાબાદ ૨૦૦), સચિન તેન્ડુલકર (૧૯૩), માહેલા જયવર્દને (૧૬૬) અને માઇકલ ક્લાર્ક (૧૪૮)નો પણ સમાવેશ છે. આ પહેલાં ઇંગ્લૅન્ડ વતી પોતાની ૯૯મી ટેસ્ટ મૅચમાં સૌથી વધારે રન કરનાર પ્લેયર કેવિન પીટરસન હતો જેણે ૬૨ રન બનાવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK