ગઈ કાલે ભારત સામેની બીજી વન-ડેમાં ૮૩ રનની ઇનિંગ્સ રમનાર ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નર ઈજાગ્રસ્ત થયો હતો. ભારતની ઇનિંગ દરમ્યાન ચોથી ઓવરમાં રન રોકવાના પ્રયાસમાં વૉર્નરે ડાઇવ મારી હતી જેને લીધે તેની માંસપેશીઓમાં ખેંચાણ આવ્યું હતું. આ ખેંચાણના અસહ્ય દુખાવાને લીધે તેને પૅટ કમિન્સ અને ગ્લેન મૅક્સવેલ સાથે ટીમના ફિઝિયોની મદદથી મેદાનની બહાર લઈ જવાની ફરજ પડી હતી. વૉર્નરને સ્કૅનિંગ માટે સીધો હૉસ્પિટલ લઈ જવાયો હતો. વૉર્નરની આ ઈજાને કારણે દેખીતી રીતે તે ત્રીજી વન-ડે અને સંભવત: ટી૨૦ સિરીઝ નહીં રમી શકે એવું લાગી રહ્યું છે.
આ સાથે ઑસ્ટ્રેલિયન ટીમને સતત બીજી મૅચમાં ફટકો પડ્યો છે. પહેલી વન-ડે દરમ્યાન ઑલરાઉન્ડર માર્ક્સ સ્ટૉઇનિસ ઇન્જર્ડ થતાં ઓવર અધૂરી છોડીને મેદાન છોડીને ચાલ્યો ગયો હતો અને કદાચ વન-ડે સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે.