IPL 2020: ધોની કોબ્રા જેવો છે, શાંતચિત્તે હરીફ ભૂલ કરે એની રાહ જુએ અને તક મળતાં ચીત કરી નાખે છે

Updated: Sep 17, 2020, 11:10 IST | IANS | Dubai

માહી પર ફિદા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડી ડીન જૉન્સ કહે છે કે ચાહકો હંમેશાં ધોનીને મેદાન પરનાં તેનાં કારનામાં બદલ યાદ રાખશે અને તે ભારતના ટૉપ-ફાઇવ ક્રિકેટરમાંનો એક છે

ધોની
ધોની

ભાગ્યે જ કોઈ હશે જે મહેન્દ્ર સિંહ ધોનીનો ચાહક નહીં હોય. ઑસ્ટ્રેલિયન ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જૉન્સ પણ ધોનીની કૅપ્ટન્સી પર ફિદા છે અને કહે છે કે તે ભારતના ટૉપ-ફાઇવ ક્રિકેટરમાંનો એક છે. ધોની આઇપીએલમાં પણ સૌથી સફળ કૅપ્ટનમાંનો એક છે અને તેના નેતૃત્વમાં જ ચેન્નઈ સુપર કિંગ્સે રમેલી દસેય સીઝનમાં પ્લે-ઑફમાં સ્થાન મેળવ્યું છે અને ત્રણ વાર ચૅમ્પિયન પણ બની છે. ગયા વર્ષે ફાઇનલમાં મુંબઈ સામે ફક્ત એક રને હારીને ચોથી વાર ચૅમ્પિયન બનવાથી જરાક માટે ચૂકી ગઈ હતી.
ડીન જૉન્સે ધોનીની સરખામણી કોબ્રા સાથે કરી હતી કે જે તેના શિકારનો ભૂલ કરે ત્યાં સુધી શાંતચિત્તે રાહ જુએ અને પછી તેને મારી નાખે છે. જૉન્સે કહ્યું હતું કે ‘ધોની કોબ્રાની જેમ રાહ જુએ છે કે હરીફ ભૂલ કરે અને પછી તે તેને તરત જ ઝપટમાં લઈ એટલે કે આઉટ કરી દે છે.’
ધોનીની રણનીતિ વિશે જૉન્સે વધુમાં કહ્યું હતું કે ‘એ બાબતે તે એકદમ રુઢિવાદી છે, પણ વિરોધીઓને આરામથી આઉટ કરી શકે છે. મેદાન પર તે શાંત સ્વભાવ માટે જાણીતો છે અને વિકેટની પાછળ પોતાના ખેલાડીઓ પર કોઈ પ્રકારના દબાણ લાવ્યા વગર તેમની સાથે ઊભો રહે છે. ડીન જૉન્સ કહે છે કે ચાહકો હંમેશાં ધોનીને મેદાન પરનાં તેનાં કારનામાં બદલ યાદ રાખશે અને ભારતના ટૉપ-ફાઇવ ક્રિકેટરમાંનો એક છે.

તો ચેન્નઈનો ધોની નહીં, સેહવાગ કૅપ્ટન હોત
ચેન્નઈ ટીમમાં રમી ચૂકેલા સુબ્રમણિયમ બદ્રિનાથને એક એવી વાત જણાવી હતી કે જેની બહુ જ ઓછા લોકોને ખબર હશે. બદ્રિનાથે કહ્યું હતું કે ચેન્નઈ ટીમના કૅપ્ટન માટે ધોની નહીં, પણ વીરેન્દર સેહવાગ પહેલી પસંદ હતો. ચેન્નઈ એક માત્ર એવી ટીમ છે કે જેમણે અત્યાર સુધી તેમની ટીમનો કૅપ્ટન બદલ્યો નથી. ધોની પણ ચેન્નઈને તેનું બીજું ઘર માને છે, પણ ૨૦૦૮માં પહેલી સીઝન પહેલાંના ઑક્શન સમયની વાત કરતાં બદ્રિનાથે કહ્યું હતું કે ‘ચેન્નઈ મૅનેજમેન્ટે ઑક્શન પહેલાંની તૈયારીમાં સેહવાગને ખરીદવાની રણનીતિ બનાવી હતી અને તેને જ ટીમના કૅપ્ટન બનાવવા માગતા હતા, પણ સેહવાગ દિલ્હીમાં જ મોટો થયો હોવાથી તેમની સાથે વધારે કનેક્ટ થઈ શકશે અને તેની સાથે જોડાવાનો મત વ્યક્ત કર્યો અને દિલ્હી સાથે જોડાઈ ગયો હતો. ચેન્નઈએ ત્યાર બાદ બીજા ખેલાડીઓ પર નજર કરતાં એક વર્ષ પહેલાં જ એટલે કે ૨૦૦૭માં ભારતને ટી૨૦ વર્લ્ડ કપ જિતાડી આપનાર ધોની પર મોહર મારવાનો નિર્ણય લીધો હતો.

ચેન્નઈને રૈનાની કમી વર્તાશે
સુરેશ રૈના અને હરભજન સિંહ જેવા અનુભવી ખેલાડીઓ આ આઇપીએલ સીઝનમાં પર્સનલ કારણસર નથી રમી રહ્યા. ડીન જૉન્સને લાગે છે કે રૈનાની ગેરહાજરી ચેન્નઈ માટે ચિંતાનો વિષય છે. જૉન્સે આ બાબતે કહ્યું હતું કે ‘રૈના આઇપીએલમાં સૌથી સફળ બૅટ્સમૅનમાંનો એક છે. બીજું તે લેફ્ટી છે અને સ્પિનરને ખૂબ જ સારી રીતે રમી જાણે છે. ચેન્નઈની કમજોરી એ છે કે તેમના મોટા ભાગના બૅટ્સમેનો રાઇટી છે. ચેન્નઈએ રૈનાનો યોગ્ય વિકલ્પ શોધી કાઢવાની તાતી જરૂર છે.’

ધોનીને ફરી રમતો જોવો એક લહાવો હશે: સેહવાગ

cricket

ભારતના ભૂતપૂર્વ ઓપનર બૅટ્સમૅન વીરેન્દર સેહવાગને લાગે છે કે આ વખતની આઇપીએલ એકસ્ટ્રા સ્પેશ્યલ હશે અને એનું કારણ છે મહેન્દ્ર સિંહ ધોની. ધોની એક વર્ષ પછી અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત બાદ પહેલી વાર મેદાનમાં ઊતરશે.
એક ઇન્ટરવ્યુમાં સેહવાગે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આઇપીએલની આ સીઝન હર કોઈ ખીલાડીની સાથે પ્રેક્ષકો માટે પણ ખાસ વિશેષ બની રહેશે. ધોનીને ફરી પિચ પર જોવો નિશ્ચિતરૂપે આનંદની ક્ષણ બની રહેશે. ઘણું બધું થશે, શું મારે આ વિશે વધુ કંઈ કહેવાની જરૂરત છે?’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK