IPL 2020: ડગેલા આત્મવિશ્વાસવાળી કલકત્તા સામે જીતવા માગશે દમદાર દિલ્હી

Updated: 29th October, 2020 11:47 IST | Mumbai correspondent | Mumbai

પૉઇન્ટ-ટેબલ પર ટૉપ ફોરમાંની આ બન્ને ટીમે પોતાની પાછલી મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને આજે બન્ને પોતાનું ફૉર્મ પાછું મેળવવાના પ્રયાસ કરશે

ડગેલા આત્મવિશ્વાસવાળી કલકત્તા સામે જીતવા માગશે દમદાર દિલ્હી
ડગેલા આત્મવિશ્વાસવાળી કલકત્તા સામે જીતવા માગશે દમદાર દિલ્હી

આઇપીએલના પૉઇન્ટ ટેબલ પર નંબર-વન પોઝિશન પર રહેનારી દિલ્હી કૅપિટલ્સનો સામનો આજે કલકત્તા સાથે થવાનો છે. પાછલી મૅચમાં ૮૪ રન બનાવીને નબળું પ્રદર્શન કરનાર કલકત્તાનો આત્મવિશ્વાસ સ્વાભાવિકપણે ડગેલો હોય, જ્યારે દમદાર દેખાતી દિલ્હીને પંજાબ સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પૉઇન્ટ ટેબલ પર ટૉપ-ફોરમાં રહેનારી આ બન્ને ટીમમે હારનો સામનો કરવો પડ્યો હતો જેને કારણે આ મૅચમાં તેઓ જીતવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે.
ધવન ફૉર્મમાં
શ્રેયસ ઐયરના નેતૃત્વમાં રમી રહેલા દિલ્હી માટે સારી વાત એ છે કે તેમનો ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન સારા ફૉર્મમાં છે અને છેલ્લી બે મૅચમાં તે બે સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચી ચૂક્યો છે. આજની મૅચમાં તે સેન્ચુરીની હૅટ-ટ્રિક કરી શકે છે કે નહીં એના પર સૌકોઈની નજર રહેશે. જોકે પાછલી મૅચમાં તેની સેન્ચુરી એળે ગઈ હતી અને ટીમે પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના કેપ્ટન શ્રેયસે પણ એ વાત સ્વીકારી હતી કે તેણે પોતાના નબળા પાસા પર કામ કરવું પડશે. યુવા પ્લેયર પૃથ્વી શૉએ વધારે જવાબદારી સાથે રમવું પડશે, કારણ કે છેલ્લી ચાર મૅચમાં તે બે વાર ઝીરો રને આઉટ થયો છે. સાઇડ સ્ટ્રેઇનના દુખાવાને લીધે ખાસ ફટકાબાજી કરી શક્યો નહોતો જ્યારે ઈજામાંથી બહાર આવેલો રિષભ પંત પણ પંજાબ સામે ટકી શક્યો નહોતો.
મિડલ ઑર્ડર સંભાળવા માટે ઐયર અને પંતની સાથે માર્ક્સ સ્ટૉઇનિસે તેમને પીઠબળ પૂરું પાડવું પડશે. પંજાબ સામેની મૅચમાં દિલ્હી એનરિચ નોર્ટેજને બદલે ડૅનિયલ સેમ્સને લઈને મેદાનમાં ઊતરી હતી. એવામાં આ બોલરમાંથી ટીમ આજે કયા કૉમ્બિનેશન સાથે મેદાનમાં ઊતરશે એ જોવાનું રસપ્રદ રહેશે.
લાજ બચાવવા માટે રમશે કલકત્તા
બૅન્ગલોર સામેની મૅચમાં ભૂંડી રીતે હાર્યા બાદ કલકત્તા આજની મૅચમાં એક સન્માનજનક સ્કોર ખડો કરવાનો અને મૅચ જીતવાનો ચોક્કસ પ્રયાસ કરશે. બૅન્ગલોરના મોહમ્મદ સિરાજે કરેલી બોલિંગ સામે કલકત્તા ઘૂંટણિયે બેસી ગયું હતું અને ટીમના પાંચ ખેલાડી એકાંકી સ્કોરમાં જ આઉટ થઈ ગયા હતા. પૉઇન્ટ-ટેબલ પર ચોથા ક્રમે રહેનાર કલકત્તાની કપ્તાની બદલવામાં આવી હોવા છતાં ટીમના પર્ફોર્મન્સમાં
કોઈ મોટો સુધારો આવ્યો નહોતો. પેસર લોકી ફર્ગ્યુસનનો પર્ફોર્મન્સ ટીમ માટે આશાનું કિરણ છે, જ્યારે બૅટિંગમાં
આન્દ્રે રસેલનો પર્ફોર્મન્સ ચિંતાનો વિષય બની બેઠો છે. ઈજાગ્રસ્ત હોવાને કારણે રસેલ પાછલી મૅચ નહોતો રમ્યો પણ આજની મૅચમાં તે રમી શકશે કે નહીં એ જોવાનું રહેશે.

First Published: 24th October, 2020 14:03 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK