આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે મારા ગણતરીના દિવસો જ બાકી છે : ડેવિડ વૉર્નર

Published: 24th November, 2020 15:41 IST | PTI | Sydney

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વૉર્નરનું કહેવું છે કે પોતે ૩૪ વર્ષનો થયો હોવાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે તેના ગણતરીના દિવસો જ બચ્યા છે.

ડેવિડ વૉર્નર
ડેવિડ વૉર્નર

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વૉર્નરનું કહેવું છે કે પોતે ૩૪ વર્ષનો થયો હોવાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે તેના ગણતરીના દિવસો જ બચ્યા છે. આ ઉપરાંત તેણે જણાવ્યું કે તે પોતાની આક્રમક રમત જાળવી રાખશે. જોકે ભારતીય પ્લેયર સાથે સ્લેજિંગમાં ઊતરવાનું ટાળશે.
એક વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં ડેવિડ વૉર્નરે કહ્યું કે ‘હાલમાં જ હું ૩૪ વર્ષનો થયો છું અને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મારા ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હા, સાથે-સાથે જોખમ પણ વધી જાય છે, પણ એની સાથે ક્રિકેટનાં સ્માર્ટ તત્વો પણ વધી જાય છે. જ્યાં સુધી સ્લેજિંગની વાત છે તો જેમ-જેમ સમય આગળ વધતો જાય છે એમ એમ અમે પણ નવું-નવું શીખતા જઈએ છીએ. મેદાનમાં કોઈની પણ સાથે માથાકૂટમાં ઊતરવું યોગ્ય નથી. પ્રયત્ન કરવો જોઈએ કે સમસ્યાનું સમાધાન થાય અને એને અવગણવી જોઈએ. હું પ્રયાસ કરીશ કે મારા બૅટ વડે તેમને જવાબ આપી શકું. છેલ્લા કેટલાક સમયમાં હું આ વાત શીખ્યો છું. તમારા સાથીપ્લેયર પર આની શું અસર થાય છે એ તમને પણ ખબર નથી હોતી. સમય રહેતાં તમે વધારે નમ્ર બની જાઓ છો. ૫૦ ઓવરની ગેમમાં હું પોતે હવે કૅલ્ક્યુલેટેડ રિસ્ક લઉં છું. મારા માટે સારી વાત એ છે કે હું શક્ય એટલી બૅટિંગ કરી શકું છું અને મારો સ્ટ્રાઇક રેટ જાળવી શક્યો છું. મારા ખ્યાલથી છેલ્લા ૧૨-૨૪ મહિનામાં હું ઘણી શિસ્ત સાથે ક્રિકેટ રમ્યો છું. જેમ-જેમ તમારી ઉંમર વધતી જાય છે એમ તમે અનુભવથી શીખતા જાઓ છો.’

બાયો બબલની પારિવારિક જીવન પર પડી વિપરીત અસર : વૉર્નર

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વૉર્નરનું કહેવું છે કે કોરોનાના સમયમાં બાયો બબલમાં રહીને ક્રિકેટ રમવાથી મારા પારિવારિક જીવન પર અસર પડી છે અને આવનારા બે ટી૨૦ વર્લ્ડ કપ પર મેરું લક્ષ્ય છે. પાછલા કેટલાક મહિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે કપરા રહ્યા હતા, પણ આવતા ૧૨ મહિના મારા દેશ માટે ક્રિકેટ રમવાનું મારું લક્ષ્ય છે.
આ સંદર્ભે વાત કરતાં વૉર્નરે કહ્યું કે ‘બાયો બબલમાં રહીને ક્રિકેટ રમવું ઘણું અઘરું છે. પાછલા ૬ મહિના ઘણા કપરા રહ્યા હતા. બબલમાં રહેવું અને આસપાસ પરિવાર ન હોવાની આદત પડી રહી હતી. દરેક પ્લેયર અલગ-અલગ સંજોગમાં રહેતો હતો. કૅલેન્ડરને જોઈને તમે કહી શકો કે આવતા ૧૨ મહિના ઘણા મુશ્કેલ હોવાના છે. એક સમય આવશે જ્યારે પરિવાર સાથે સમય વિતાવવા મળશે, પણ હાલમાં એ સમય નથી મળી રહ્યો અને હોટેલમાં ૧૪ દિવસ વિતાવવા પડે છે. પત્ની અને ત્રણ બાળકોને અહીં લાવવાં ઘણું મુશ્કેલ છે. એક પ્લેયર અને કોચિંગ સ્ટાફ તરીકે મેં મારી ક્રિકેટ કરીઅરનું આંકલન કર્યું છે. મારું લક્ષ્ય આગામી બે ટી૨૦ વર્લ્ડ કપ રમવાનું છે. આવતો ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં છે અને ત્યાર બાદ એ ઑસ્ટ્રેલિયામાં રમાવાનો છે. સ્વાભાવિક છે કે ૨૦૨૩નો વર્લ્ડ કપ રમવાની પણ મારી ઇચ્છા છે.’આ ઉપરાંત વૉર્નરે જણાવ્યું હતું કે હું બિગ બૅશ લીગમાં નહીં રમું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK