ટી20 ફૉર્મેટને અલવિદા કહી શકે છે વૉર્નર
ડેવિડ વૉર્નર
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ખતરનાક પ્લેયર ડેવિડ વૉર્નર ટી૨૦ ફૉર્મેટમાંથી અલવિદા કહી શકે એમ છે. સતત બે ટી૨૦ વર્લ્ડ કપ આવી રહ્યા હોવાથી અને પરિવારને ઓછો સમય ફાળવી રહ્યો હોવાને લીધે તે આ દિશામાં વિચારી રહ્યો છે. પોતાની વાત જણાવતાં વૉર્નરે કહ્યું કે ‘તમે ટી૨૦ ઇન્ટરનૅશનલ જોશો તો સતત બે ટી૨૦ વર્લ્ડ કપ આવી રહ્યા છે અને જો મારે આવનારા સમયમાં પહેલાં કોઈ ફૉર્મેટ છોડવું પડે તો એ ટી૨૦ હશે. ખરું કહું તો મારે સૌથી પહેલાં શેડ્યુલ જોવું પડશે. ત્રણેય ફૉર્મેટમાં રમવું મારા માટે અઘરું છે, પણ જે પ્લેયરો આ ત્રણેય ફૉર્મેટ રમવા માગે છે તેમને ઑલ ધ બેસ્ટ. તમે એ. બી. ડિવિલિયર્સ અને વીરેન્દર સેહવાગ જેવા પ્લેયરને આ વિશે પૂછી શકો. તેઓ લાંબા સમયથી આ પ્રમાણે ગેમ રમ્યા છે એટલે તેમને ખબર હશે કે આ કેટલું ચૅલેન્જિંગ છે.’
પરિવારની વાત કરતાં વૉર્નરે કહ્યું હતું કે ‘ત્રણ બાળકો સાથે મારી પત્ની ઘરે એકલી રહેતી હોય છે. શેડ્યુલ ઘણું ટાઇટ હોવાને લીધે મારે સતત ટ્રાવેલ કરવું પડે છે. તેમને સમય આપવા માટે પણ જો હું કોઈ ફૉર્મેટ છોડવાનો વિચાર કરું તો એ ટી૨૦ હશે.’