તોફાન ને મહારૅલીનો ભોગ બની ગયા યુવા ક્રિકેટરો

Published: 23rd August, 2012 05:51 IST

પહેલા દંગલ અને મંગળવારે એમએનએસની મહારૅલીને લીધે આઝાદ મેદાનની પિચોને ભારે નુકસાન અને કચરાના ઢગલા થવાથી ખેલાડીઓ ગ્રાઉન્ડ સાફ કરીને રોલર પણ ફેરવવું પડ્યું

azaad-griynd-playerવેદિકા ચૌબે

મુંબઈ, તા. ૨૩

એમએનએસના નેતાઓએ તેમના સમર્થકોને આઝાદ મેદાનનો ઉપયોગ રમત રમવા માટે થતો હોવાથી રૅલી દરમ્યાન ગ્રાઉન્ડ કે ક્રિકેટ-પિચને નુકસાન ન થાય એની કાળજી રાખવાની ખાસ સૂચના આપી હતી, પણ રૅલી પૂરી થયા પછીની સ્થિતિ કંઈક અલગ જ હતી. આ રૅલી પૂરી થઈ એ પછી આખું ગ્રાઉન્ડ પ્લાસ્ટિકની બૉટલો અને ગ્લાસથી ભરાઈ ગયું હતું. પાર્ટીના કાર્યકરોએ ગ્લાસ કચરાપેટીમાં નાખવાની દરકાર પણ નહોતી લીધી એને કારણે રૅલી પછી અન્ડર-૧૬ના ખેલાડીઓ ગ્રાઉન્ડ અને પિચ સાફ કરતા નજરે ચડ્યા હતા. આ રૅલીને કારણે ખેલાડીઓ રમવા માટે જે પિચનો ઉપયોગ કરે છે એને પણ નુકસાન પહોંચ્યું છે. રૅલી પછી ‘મિડ-ડે’એ જ્યારે આ ગ્રાઉન્ડની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક ક્લબમાં અન્ડર-૧૬ કૅટેગરીમાં રમતા ખેલાડીઓ નુકસાન પામેલી પિચ પર રોલર ફેરવતા નજરે ચડ્યા હતા.

દસેક દિવસ પહેલાં એક રૅલી દરમ્યાન ફાટી નીકળેલા તોફાન વખતે પણ પિચ અને મેદાનની આવી જ હાલત થઈ હતી. બધું સમુંસૂતરું થયું ત્યાં તો ફરીથી એમએનએસની મહારૅલીને લીધે ફરી બધું ખેદાનમેદાન થઈ ગયું હતું.

માચો સ્ર્પોટ્સ ક્લબમાં અન્ડર-૧૬ કૅટેગરીમાં રમતા ખેલાડીઓએ કહ્યું હતું કે ‘અમે રોજ ગ્રાઉન્ડમાં પ્રૅક્ટિસ કરીએ છીએ. જ્યારે ગ્રાઉન્ડમાં રૅલી કે કોઈ બીજો પ્રોગ્રામ યોજાય ત્યારે કાર્યક્રમ પૂરો થયા બાદ અમારે જ ગ્રાઉન્ડની સફાઈ કરવી પડે છે. સફાઈ કરીએ તો જ અમે બીજા દિવસે સવારે પ્રૅક્ટિસ કરી શકીએ.’

પિચ સાફ કરી રહેલા ૧૫ વર્ષના ક્રિકેટર દીપક ગુપ્તાએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે અમારે જ દર વખતે શું કામ સહન કરવાનું? જ્યારે પણ કોઈ રૅલી કે મોરચો હોય ત્યારે ગ્રાઉન્ડની હાલત ખરાબ થઈ જાય છે અને અમારે જ ગ્રાઉન્ડ સાફ કરવું પડે છે.

પિચ સાફ કરી રહેલા અન્ય એક ખેલાડી અદીમ ઉસ્માની પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહે છે કે સરકારે અહીં આવા કાર્યક્રમો યોજવાની મંજૂરી જ ન આપવી જોઈએ. આ રમતનું મેદાન છે અને અમે અહીં રોજ પ્રૅક્ટિસ કરીએ છીએ. આ ગ્રાઉન્ડનો ઉપયોગ ન કરવાની કડક સૂચના હોવી જોઈએ અને જો કોઈ એનો ઉપયોગ કરે તો સાફસફાઈની જવાબદારી પણ તેમની જ હોવી જોઈએ.’

આ ગ્રાઉન્ડની સારસંભાળ રાખનારાઓએ સ્પષ્ટ મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘સરકારે કોઈ પણ રાજકીય પક્ષને આ ગ્રાઉન્ડ પર કાર્યક્રમ યોજવાની મંજૂરી ન આપવી જોઈએ. કારણ કે જ્યારે આવા કોઈ કાર્યક્રમ યોજાય છે ત્યારે મેદાનને તો નુકસાન પહોંચે જ છે. સાથે-સાથે એમાં ભાગ લેવા આવતા લોકો પુષ્કળ કચરો ફેંકીને ગંદકી કરી જાય છે. આવી પરિસ્થિતિમાં અંતે તો ખેલાડીઓ અને સારસંભાળ લેનારી વ્યક્તિઓએ જ સહન કરવું પડે છે.’

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK