ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સિરીઝ સફળ બનાવવા આપી ભારતને વધામણી

Published: 21st January, 2021 16:35 IST | Agencies | Mumbai

અનેક પડકારો છતાં મેળવી સફળતા

તસવીર સૌજન્ય જાગરણ
તસવીર સૌજન્ય જાગરણ

ગઈ કાલે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ભારતને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં અને તેમની સ્થિતિસ્થાપકતા, હિંમત તેમ જ પ્રતિભાનાં વખાણ કર્યાં હતાં. આ સાથે તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ કરેલા સેક્રિફાઇઝ માટે પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારતીય ટીમને અભિનંદન આપતાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કહ્યું કે ‘સૌકોઈના વતી અમે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ટીમ ઇન્ડિયાને બોર્ડર-ગાવસકર ટ્રોફી જાળવી રાખવા માટે તેમની સ્થિતિસ્થાપકતા, હિંમત અને પ્રતિભા માટે અભિનંદન પાઠવીએ છીએ, જેની ચર્ચા આગામી પેઢીઓ સુધી થતી રહેશે.’
આ ઉપરાંત ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર નીક હૉકલી અને ચૅરમૅન અર્લ એડિંગ્સે સૌરવ ગાંગુલીના વડપણ હેઠળ કામ કરતી બીસીસીઆઇનો સિરીઝને સફળ બનાવવા માટે આભાર માન્યો હતો. નીક હૉકલી અને અર્લ એડિંગ્સે કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયન ક્રિકેટ તેમની મૈત્રી, વિશ્વાસ અને પ્રતિબદ્ધતા માટે બીસીસીઆઇની હંમેશાં આભારી રહેશે, જેણે દુનિયાભરના લાખો લોકોને, જ્યારે સૌથી વધુ જરૂર હતી એવા સમયે આ શ્રેણી પાર પાડવામાં મદદ કરી. વૈશ્વિક મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસના વિશિષ્ટ પડકારોને ધ્યાનમાં લેવા જરૂરી છે અને એ માટે અમે ભારતના ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફનો આભાર માનીએ છીએ. છેલ્લાં નવ અઠવાડિયાંથી ભારત અને ઑસ્ટ્રેલિયાની પુરુષ ટીમ જબરદસ્ત રીતે સતત વન-ડે, ટી20 અને
બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં આમને સામને થઈ હતી.’
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સિરીઝ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા માટે ઘણી મહત્ત્વની હતી. નાણાકીય રીતે ઝઝૂમી રહેલી ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને આ સિરીઝ વડે અંદાજે ૩૦૦ મિલ્યન ઑસ્ટ્રેલિયન ડૉલરની કમાણી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
પોતાની વાત આગળ વધરતાં નીક હૉકલી અને અર્લ એડિંગ્સે કહ્યું કે ‘પબ્લિક હેલ્થ અને લૉજિસ્ટિક જેવા અનેક પડકારો હોવા છતાં બીસીસીઆઇ પ્રત્યેક પ્રકારની અનુકૂળ સહકારની ભાવના સાથે સંકળાયેલું હતું. અમારા બીસીસીઆઇના મિત્રો દ્વારા આપવામાં આવેલા બલિદાનને અમે ક્યારેય નહીં ભૂલીએ, જેમના લીધે આ બધું
શક્ય બન્યું છે. જસપ્રીત બુમરાહ અને પેટ કમિન્સ જેવા ફાસ્ટ બોલર, બૅટિંગ ડિપાર્ટમેન્ટમાં અજિંક્ય રહાણે અને સ્ટીવ સ્મિથ તો વળી ડેબ્યુ પ્લેયર શુભમન ગિલ અને કૅમરન ગ્રીન જેવી અનેક બાબતો સાથે ક્રિકેટના આ બે મહિના ઘણા યાદગાર રહ્યા. આ સિરીઝ સફળ બનાવવા અમે સરકાર, સ્વાસ્થ્ય અધિકારી, સ્ટેડિયમ, પ્રસારણકર્તા, કમર્શિયલ પાર્ટનર્સ, ક્રિકેટ અસોસિયેશન, મૅચના અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારજનોનો આભાર માનીએ છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK