ગેઇલ જેવી ક્ષમતાવાળા પ્લેયરને રિપ્લેસ કરવાનું અઘરું છે : ડૅરેન સૅમી
ડૅરેન સૅમી
સેન્ટ લુસિયા ઝાઉક્સ ટીમના કૅપ્ટન ડૅરેન સૅમીનું કહેવું છે કે કૅરેબિયન પ્રીમિયર લીગમાંથી ક્રિસ ગેઇલ જેવા પ્લેયરને રિપ્લેસ કરવો ઘણો અઘરો છે. ક્રિસ ગેઇલે વ્યક્તિગત કારણોના લીધે આ પ્રીમિયર લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે જેની જાણ તેણે તાજેતરમાં જ ફ્રૅન્ચાઇઝીને કરી હતી. આ મુદ્દા પર સૅમીનું કહેવું છે કે ‘ક્રિસ ગેઇલના નિર્ણયને હું મારો ટેકો આપું છું. એક પ્લેયર તરીકે હું જાણું છું કે તે પોતાના પરિવારથી કેટલો દૂર રહેતો હોય છે. હાલની કપરી પરિસ્થિતિમાં ગેઇલને પોતાના પરિવાર સાથે રહેવાની તક મળી છે. હું આશા કરું છું કે તે પોતાના પરિવાર સાથે સારો એવો સમય વિતાવી શકે જે પ્રમાણે હું અહીં વિતાવી રહ્યો છું. ખરું કહું તો એક ફ્રૅન્ચાઇઝી માટે ગેઇલ જેવી ક્ષમતાવાળા પ્લેયરને રિપ્લેસ કરવો ઘણો અઘરો છે. તે એક એવો પ્લેયર છે જે મૅચ જિતાડી શકે છે અને પોતાના અનુભવથી નવા પ્લેયરોને તૈયાર પણ કરી શકે છે. આશા રાખું છું કે ભવિષ્યમાં અમે તેની ક્ષમતાવાળો કોઈ પ્લેયર ગોતી શકીશું.’