ભારત પાસે ટૉપ ક્વૉલિટીના અમ્પાયર કેમ નથી?

Updated: 5th May, 2019 20:40 IST | ચિરાગ દોશી | મુંબઈ

આઇસીસીની એલીટ પૅનલમાં ફક્ત એક ભારતીય અમ્પાયર રવિ સુંદરમ્ છે, જેનું ખરાબ રેટિંગ ભારત માટે ચિંતાનો વિષય : ૨૦૧૦માં નાગપુરમાં શરૂ થયેલી અમ્પાયર ઍકૅડેમી ૨૦૧૩માં બંધ થઈ ગઈ હતી

અમ્પાયર
અમ્પાયર

ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમના દબદબાની જેમ ભારત ક્યારેય અમ્પાયરિંગમાં લોકપ્રિય નથી રહ્યું. એવા સમાચાર છે કે આઇસીસીની એલીટ પૅનલના એકમાત્ર ભારતીય અમ્પાયર રવિ સુંદરમ્નું રેટિંગ ખરાબ છે અને એલીટ પૅનલમાંથી તેમની બરતરફ થવાની શક્યતા ભારતીય ક્રિકેટ માટે ચિંતાનો વિષય છે. શા માટે ભારત સારી ક્વૉલિટીના અમ્પાયર ક્રિકેટ-જગતને આપી નથી શક્યું?

અમ્પાયર એસ. વેંકટરાઘવન ૨૦૦૪માં રિટાયર થયા પછી ભારતે આઇસીસીમાં એલીટ પૅનલ અમ્પાયર માટે ૨૦૧૫ સુધી રાહ જોવી પડી હતી. અત્યારે આઇસીસી એલીટ પૅનલમાં કુલ ૧૨ અમ્પાયર છે જેમાંથી ઇંગ્લૅન્ડના ૪ અને ઑસ્ટ્રેલિયાના ૩ છે. લેટેસ્ટ રણજી સીઝનમાં ટીમોની સંખ્યા વધતાં મૅચોની સંખ્યા ૧૦૦૦થી વધીને ૨૦૨૪ થઈ હતી એથી ભારતીય ક્રિકેટ બોર્ડને અમ્પાયરોની શૉર્ટેજનો અહેસાસ થયો હતો.

યોગ્યતા ઓળખવામાં કમી

આઇપીએલને કારણે અમ્પાયરોની ફી વધી છે. આઇપીએલની એક મૅચમાં અમ્પાયરને અઢી લાખ રૂપિયા ફી તરીકે મળે છે છતાં અમ્પાયરની યોગ્યતા ચકાસવાની રીત ભૂલભરેલી રહી છે. આ વર્ષથી અમ્પાયર રિવ્યુ કમિટીને ભંગ કરવામાં આવી છે અને મૅચ-રેફરી અમ્પાયરના પર્ફોર્મન્સને ચકાસશે. થોડાં વર્ષ પહેલાં અમ્પાયરોના કોચ હતા એ સિસ્ટમને પણ હવે બંધ કરી દેવામાં આવી છે. ભૂતપૂર્વ ઇન્ટરનૅશનલ અમ્પાયર કે. હરિહરને કહ્યું, ‘સીઝનના અંતે રિવ્યુ કમિટી માર્ગદર્શન આપતી હતી કે ક્યાં ભૂલ રહી ગઈ છે જેથી ભૂલ સુધારીને અમ્પાયરિંગના સ્તરને ઊંચું લાવી શકાય.’ ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતમાં અમ્પાયરિંગ સ્ટાન્ડર્ડને ઊંચું લાવવા સાયમન ટોફેલને બોલાવ્યા હતા. તેમણે ભારતના અમ્પાયરિંગ સ્ટાન્ડર્ડ વિશે મિડિયાને કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

અમ્પાયર ઍકૅડેમીને તાળું

ભારતીય ક્રિકેટ બોર્ડે ૨૦૧૦માં બહુ ગાઇવગાડીને નાગપુરમાં જે અમ્પાયરિંગ ઍકૅડેમી શરૂ કરી હતી એને ૨૦૧૩માં બંધ કરી દેવામાં આવી હતી. આ ઍકૅડેમી દ્વારા દરેક રાજ્યમાંથી ૩૦ અમ્પાયરને સિલેક્ટ કરવામાં આવતા હતા. દર વર્ષે અમ્પાયરિંગનો કૉર્સ યોજાતો હતો જેમાં થિયરી અને પ્રૅક્ટિકલ ક્લાસિસનું આયોજન થતું હતું. કૉર્સના અંતે એક્ઝામ લેવામાં આવતી હતી. અત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ એક્ઝામ લે છે જે નવા અમ્પાયર બનવા માટે ફરજિયાત છે. જોકે કૉર્સનો ફાયદો નવા અમ્પાયરોને આગળ વધવા માટે નથી મળતો.

આ પણ વાંચો : ક્યારેક ગુસ્સો કરવાથી ખેલાડીઓનું બેસ્ટ બહાર આવી શકે છે : કાર્તિક

કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેશનના ચૅરમૅન વિનોદ રાયે કહ્યું, ‘અમ્પાયરોની શૉર્ટેજને પૂરી કરવામાં આવશે અને ઍકૅડેમીને ફરીથી સ્ટાર્ટ કરવામાં આવશે. પહેલી વખત રણજી ટ્રોફીની મૅચો આટલા મોટા પાયે યોજાઈ હતી. હવે સમજાયું છે કે અમ્પાયરોની શૉર્ટેજ થઈ છે જેને પૂરી કરીશું. બે અઠવાડિયાંમાં અમે અમ્પાયરિંગની સમસ્યાને હાથમાં લઈશું. ફક્ત અમ્પાયરોની સંખ્યા વધારવાની વાત નહીં, પણ ક્વૉલિટી અમ્પાયરો બનાવવા ઉપર અમે ફોકસ કરીશું.’

First Published: 5th May, 2019 11:22 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK