પુજારાની બૅટિંગઍવરેજ દ્રવિડ પછીની સેકન્ડ બેસ્ટ

Published: 25th November, 2012 05:05 IST

ધ વૉલની ૪૩૨.૦૦ની સરેરાશ સામે રાજકોટવાસી ક્રિકેટકુંવરની ૩૮૨.૦૦ : કુક-કેવિન ભારતને નડ્યાવાનખેડે સ્ટેડિયમમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ અને સ્ટાર સ્પોર્ટ્સ પર સવારે ૯.૩૦)માં ગઈ કાલે ચેતેશ્વર પુજારા (૧૩૫ રન, ૩૫૦ બૉલ, ૧૨ ફોર)ની ભારતની આબરૂ બચાવતી ઇનિંગ્સની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેણે સિરીઝમાં ૩૮૨.૦૦ની બૅટિંગઍવરેજ સાથે ભારતના બે લેજન્ડ્સ વચ્ચે સ્થાન મેળવી લીધું હતું. રાહુલ દ્રવિડની ૨૦૦૧ના વર્ષમાં ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ૪૩૨.૦૦ની સરેરાશ હતી જે ભારતીય બૅટ્સમેનોમાં સવોર્ચ્ચ છે. ૨૦૦૪માં બંગલા દેશ સામેની સફળ સિરીઝમાં સચિન તેન્ડુલકર ૨૮૪.૦૦ની સરેરાશ સાથે આ લિસ્ટમાં દ્રવિડ પછી બીજા નંબરે હતો, પરંતુ પુજારાએ માસ્ટર બ્લાસ્ટરને પાછળ રાખીને બીજું સ્થાન મેળવી લીધું છે.

યોગાનુયોગ પુજારાની સરખામણી દ્રવિડ સાથે થઈ રહી છે અને એવા સમયે પુજારા તેના પછીના સ્થાને આવી ગયો છે.

ગઈ કાલની બીજા દિવસની રમતને અંતે ઇંગ્લિશમેનોનો સ્કોર બે વિકેટે ૧૭૮ રન હતો અને તેઓ ભારતથી ૧૪૯ રન પાછળ હતા. કૅપ્ટન ઍલસ્ટર કુક (૮૭ નૉટઆઉટ, ૨૦૯ બૉલ, ૧ સિક્સર, ૧૦ ફોર) ઑર એક ધૈર્યભરી ઇનિંગ્સ સાથે અણનમ હતો. તેની સાથે કેવિન પીટરસન (૬૨ નૉટઆઉટ, ૮૫ બૉલ, ૯ ફોર) રમી રહ્યો હતો. ઝહીર ખાનના રૂપમાં ભારત પાસે એકમાત્ર પેસબોલર છે. તેને ગઈ કાલે વિકેટ નહોતી મળી, ત્રણ સ્પિનરોમાંથી માત્ર પ્રજ્ઞાન ઓઝા (૨૧-૩-૬૫-૨) સફળ રહ્યો હતો. રવિચન્દ્રન અશ્વિન (૨૨-૫-૫૪-૦) અને હરભજન સિંહ (૧૪-૦-૪૭-૦) વિકેટ વિનાના રહ્યા હતા.

સ્વૉનની ૨૦૦ વિકેટ

ગ્રેમ સ્વૉન ગઈ કાલે ૨૦૦ ટેસ્ટવિકેટ લેનાર ઇંગ્લૅન્ડનો ૧૪મો અને બીજા નંબરનો સ્પિનર બન્યો હતો. વિશ્વમાં કુલ મળીને ૧૬ સ્પિનરોએ ૨૦૦ કે ૨૦૦થી વધુ વિકેટ લીધી છે.

પનેસરની છઠ્ઠી વાર પાંચ વિકેટ

સ્પિનર મૉન્ટી પનેસરે ગઈ કાલે ટેસ્ટક્રિકેટમાં છઠ્ઠી વખત પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK