આઇપીએલની આગામી સીઝન માટે આજે મિની ઑક્શન ચેન્નઈમાં યોજાવાનું છે. ચેન્નઈની આઇટીસી ગ્રૅન્ડ હોટેલમાં બપોરે ૩ વાગ્યાથી શરૂ થનારા આ ઑક્શનમાં સ્ટીવ સ્મિથ, ગ્લેન મૅક્સેવલ, મોઇન અલી, શાકિબ-અલ-હસન, ક્રિસ માર્ટિન જેવા દિગ્ગજો સાથે મોહમ્મદ અઝહરુદ્દીન, વિષ્ણુ સોલંકી અને અર્જુન તેન્ડુલકર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા શૉર્ટ લિસ્ટ બાદ કુલ ૨૯૨ ખેલાડીઓ માટે આઠ ફ્રૅન્ચાઇઝી કુલ ૬૧ સ્થાન ભરવા માટે બોલી લગાવશે. ૨૯૨ ખેલાડીઓમાં ૧૬૪ ભારતીયો, ૧૨૫ વિદેશીઓ અને ૩ અસોસિએટ દેશના ખેલાડીઓ સામેલ છે.
ગયા વર્ષે કોરોનાને લીધે આઇપીએલ ભારતને બદલે યુએઈમાં રમાઈ હતી, પણ આ વખતે ફરી ભારતમાં જ રમાવાની હોવાથી બધી ટીમો એ પ્રમાણે સ્ટ્રૅટેજી બનાવીને આજે ટેબલ પર બેસશે અને બિગ હિટર તેમ જ સ્લૉ બોલર ભારે ડિમાન્ડમાં રહેશે. આ કૅટેગરીમાં ગ્લેન મૅક્સવેલ અને મોઇન અલી ફિટ બેસતા હોવાથી તેઓ આજે પ્રથમ પસંદગી બની રહેશે.
ચેન્નઈ-બૅન્ગલોર-પંજાબ પર નજર
આજે ત્રણ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને પંજાબ કિંગ્સ પણ ખાસ નજર રહેવાની છે. આ ત્રણેય ટીમ આજે સૌથી વધુ મહેનત કરતી જોવા મળી શકે છે. ગઈ સીઝનમાં અપેક્ષા કરતાં ખૂબ જ નબળા પર્ફોર્મન્સ અને પહેલી વાર પ્લે-ઑફમાં પણ ન પહોંચેલી મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપર કિંગ્સની સ્ટ્રૅટેજી પર સૌની નજર રહેશે. કોચ સ્ટીફન ફ્લૅમિંગ અને કૅપ્ટન ધોની જુવાનિયા કરતાં હંમેશાં અનુભવને પ્રાથમિકતા આપતા જોવા મળે છે. એથી જ તેમણે રાજસ્થાન ટીમમાં સામાન્ય પર્ફોર્મન્સ છતાં ટ્રેડિંગ વિન્ડો દરમ્યાન રૉબિન ઉથપ્પાને ખરીદી લીધો હતો. ૧૯.૯૦ કરોડમાં ૬ જગ્યા ભરવાની હોવાથી ધોની એકાદ બિગ હિટરને ટીમમાં સામેલ કરવા વિચારી શકે છે કે જે સુરેશ રૈના અને ફૅફ ડુ પ્લેસીને મિડલ ઑર્ડરમાં મદદરૂપ થઈ શકે. જો યોગ્ય કિંમતમાં મળે તો મૅક્સવેલને સમાવવા ચેન્નઈ તૈયારી કરીને આવી શકે છે.
મોટી અપેક્ષાઓ છતાં બૅન્ગલોર અને પંજાબ ટીમ દર વખતે માલિકોને અને ચાહકોને નિરાશ કરે છે. બૅન્ગલોર ટીમે ગઈ સીઝનમાં પ્રમાણમાં સારો પર્ફોર્મન્સ બતાવ્યો હતો અને ટીમ ધીરે-ધીરે સેટલ થઈ રહી હોવાથી ટીમને વધુ મજબૂતી આપી શકે એવા ખેલાડીની શોધમાં હશે. પંજાબે પણ નવા નામ, લોગો અને જોશ સાથે આગામી સીઝનમાં મેદાનમાં ઊતરવાનું મન બનાવી લીધું હોવાથી તેમના પર ખાસ નજર રહેશે.
મૅક્સવેલ બની શકે છે ચેન્નઈ-બૅન્ગલોરવાસી
મૅક્સવેલ અને મોઇન અલી હજી સુધી આઇપીએલમાં તેમની નામના પ્રમાણે કોઈ કમાલ નથી કરી શક્યા, એ વાત પણ દરેક ફ્રૅન્ચાઇજીને ધ્યાનમાં હશે. મૅક્સવેલે ૮૮ મૅચમાં માત્ર ૨૨ની ઍવરેજથી ૧૫૦૫ રન જ બનાવ્યા છે. છેલ્લે તે પંજાબ ટીમ વતી રમ્યો હતો અને સાવ જ ફ્લૉપ સાબિત થયો હતો. જ્યારે મોઇન અલીને ગઈ સીઝનમાં બૅન્ગલોરે ત્રણ જ મૅચમાં રમાડ્યો હતો જેમાં તે માત્ર ૧૨ રન બનાવી શક્યો હતો. જોકે ચેન્નઈ અને બૅન્ગલોર ટીમને મૅક્સવેલ જેવા એકાદ ખેલાડીની ખાસ જરૂરત હોવાથી તેઓ આજે બન્ને આ કાંગારૂ ઑલરાઉન્ડર પાછળ દોડી શકે છે.
નંબર-વન માલનને મળશે માલિક
૧.૫૦ કરોડની કૅટેગરીમાં એક નામ સૌથી વધુ ધ્યાન ખેચનારું છે એ છે વર્લ્ડ નંબર-વન ટી૨૦ બૅટ્સમૅન ઇંગ્લૅન્ડનો ડેવિડ માલન. ૧૯ ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ૧૫૦ આસપાસની સ્ટ્રાઇક રેટ સાથે છવાઈ ગયેલા ૩૩ વર્ષના માલનને સમાવવા અમુક ટીમ ખાસ પ્રયત્ન કરી શકે છે. પંજાબ ટીમ ટૉપ ઑર્ડરના અસાતત્યભર્યા પર્ફોર્મન્સને લીધે માલનને સમાવવા ગંભીરતાપૂર્વક વિચારી શકે છે. જોકે માલનને ભારતીય પિચો પર રમવાનો અનુભવ ન હોવાથી આ બાબત કદાચ તેની વિરુદ્ધમાં જઈ શકે છે.
ભારતીય અનુભવીઓ
આજના ઑક્શનમાં અનુભવી ભારતીય ખેલાડીઓ કેદાર જાદવ, હરભજન સિંહ અને ઉમેશ યાદવને સમાવેશ થાય છે. કઈ ટીમ તેમના અનુભવને પ્રાધાન્ય આપે છે એ જોવું રસપ્રદ બની રહેશે. કેદાર જાદવ અને હરભજન સિંહની ઊંચી પ્રાઇસને લીધે કદાચ પહેલા રાઉન્ડમાં તેને કોઈ ખરીદશે નહીં, પણ છેલ્લે કોઈ તેમનો હાથ ઝાલી શકે છે.
આ જુવાનિયાઓ ગાજી શકે છે
હંમેશાંની જેમ આજે પણ અમુક એક પણ ઇન્ટરનૅશનલ મૅચ ન રમેલા અનકૅપ્ડ ખેલાડીઓ આ મિની ઑક્શનમાં મોટા સ્ટાર બની શકે છે. કેરલાનો મોહમ્મદ અઝહુરદ્દીન (જુનિયર), તામિલનાડુનો શાહરુખ ખાન, ઑલરાઉન્ડર આર. સોનુ યાદવ, બરોડાનો વિષ્ણુ સોલંકી અને બૅન્ગાલનો આકાશ દીપ ૨૦ લાખની બેઝ પ્રાઇસથી ચારથી પાંચ ગણી કિંમત મેળવી શકે છે. આ ઑક્શનમાં સ્પેશ્યલ ઍટ્રેક્શન બની ગયેલા સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન માટે મુંબઈ ઇન્ડિયન્સ સહિત અમુક ટીમ રસ બતાવી શકે છે.
મુંબઈ-દિલ્હી છે સેટલ
મુંબઈ ઇન્ડિયન્સ પાસે ૧૫.૩૫ કરોડ અને દિલ્હી કૅપિટલ્સ પાસે ૧૩.૪૦ કરોડ બૅલૅન્સ છે. ટીમમાં અનુક્રમે સાત અને આઠ જગ્યા ખાલી હોવા છતાં બન્ને ટીમ એકદમ સેટલ લાગી રહી હોવાથી શાંતિથી ટીમની સ્ટેન્થમાં વધારો કરી શકે એવા જ ખેલાડીઓ પર નજર રાખશે. તેઓ કદાચ તેમણે છૂટા કરેલા ખેલાડીઓ યોગ્ય પ્રાઇસમાં મળી જાય તો ફરી સમાવવા પર પણ વિચારી શકે છે.
53.20 - આજના ઑક્શન માટે સૌથી વધુ આટલા કરોડ રૂપિયા પંજાબ પાસે છે અને ટીમમાં ૯ જગ્યા ખાલી છે.
11 - આજના ઑક્શનમાં સૌથી વધુ આટલી જગ્યા વિરાટની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ભરવાની છે.
3 - આજના ઑક્શનમાં સૌથી ઓછી આટલી જગ્યા સનરાઇઝર્સ હૈદરાબાદે ભરવાની છે. તેમની પાસે ૧૦.૭૫ કરોડ રૂપિયા બૅલૅન્સ છે.
પાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTમુસ્તફિઝુર રહેમાન નૅશનલ ટીમ માટે તેડું આવશે તો આઇપીએલ છોડી દેશે
25th February, 2021 12:11 ISTઆઇપીએલ માટે ઇંગ્લૅન્ડની ટેસ્ટ સિરીઝ ગુમાવવાનું નહીં પાલવે: કેન વિલિયમસન
22nd February, 2021 15:29 ISTઆઇપીએલની હરાજીમાં ન વેચાતાં આશ્ચર્ય નથી થયું: ફિન્ચ
22nd February, 2021 15:26 IST