શું બાઉન્ડરી કાઉન્ટરબૅક યોગ્ય છે? મારી પાસે એનો જવાબ નથી : વિલિયમસન

Published: Jul 16, 2019, 11:35 IST | લંડન

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનનું કહેવું છે કે બાઉન્ડરીના નિયમ વિશે તે ક્યારેય વાત કરશે એવું તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું.

કેન વિલિયમસન
કેન વિલિયમસન

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનનું કહેવું છે કે બાઉન્ડરીના નિયમ વિશે તે ક્યારેય વાત કરશે એવું તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું. ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ રોમાંચકતાથી ભરેલી હતી અને ફાઇનલ તો તમામ હદ વટાવી ગઈ હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર ફાઇનલ સુપરઓવરમાં પહોંચી હતી. સુપરઓવરમાં પણ ટાઈ થતાં આઇસીસીના નિયમ પ્રમાણે સૌથી વધુ જે ટીમે ફોર અને સિક્સર મારી હોય એ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આથી આ વર્લ્ડ કપ ઇંગ્લૅન્ડ જીતીને પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું. આ નિયમના આધારે ઇંગ્લૅન્ડે વિશ્વ કપ તો જીતી લીધો, પણ વિશ્વભરમાં આ બાઉન્ડરી કાઉન્ટરબૅકનો નિયમ ચર્ચાનો વિષય બની ગયો છે. ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને આ નિયમ વિશે પોતાનો મત આપવા કહ્યું ત્યારે તે પણ કશું વધારે બોલી શકે એમ ન હતો છતાં તેણે હસતાં-હસતાં કહ્યું, ‘મારા ખ્યાલથી તમે વિચાર્યું નહીં હોય કે તમારે આવો સવાલ પૂછવો પડશે અને મેં પણ નહોતું વિચાર્યું કે હું એનો જવાબ આપીશ. મારી પાસે આ સવાલનો કોઈ જવાબ નથી. બન્ને ટીમ જ્યારે જીતવા માટે મરણતોલ પ્રયાસ કરી રહી હોય ત્યારે આવી રીતે ગેમનું પરિણામ આવે એ સ્વીકારવું અઘરું છે. જે છે એ છે. આ નિયમ તો ગેમની શરૂઆતથી હતો, પણ કોને ખબર હતી કે તમારે આ નિયમનો ઉપયોગ કરવાનો વારો આવશે. નિયમ બનેલા હોય છે, પણ જ્યારે તમે મૅચ રમવા મેદાનમાં ઊતરો છો ત્યારે એ નિયમોને ધ્યાનમાં નથી રાખતા. તમારું ધ્યાન ગેમમાં હોય છે. કદાચ, જો અમે કેટલીક વધારે બાઉન્ડરી મારી શક્યા હોત તો પરિણામ કંઈક જુદું જ હોત.’

આ પણ વાંચો : રોહિત શર્માને બદલે કેન વિલિયમસન કેમ બન્યો પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ?

વાત કરતી વેળા વિલિયમસનના ગળે જાણે ડુમો ભરાઈ આવ્યો હતો. પોતાની ટીમ માટે તેણે કહ્યું, ‘હસવું કે રડવું એ તમારી મરજી છે. આ ગુસ્સો નથી, પણ આ એક નિરાશા જરૂર છે અને ટીમ મેમ્બર ઘણા નિરાશ છીએ. આટલી મહેનત પછી જો પરિણામ એવી સ્થિતિમાં આવે જે તમારા હાથમાં ન હોય તો ખરેખર ઘણી નિરાશા થાય છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK