શ્રેયસ ગોપાલે કોહલી અને ડિવિલિયર્સની ઝડપેલી વિકેટોને આપ્યું વધારે મહત્વ

Published: May 02, 2019, 12:09 IST | બિપિન દાણી | બૅન્ગલોર

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના આક્રમક બૅટ્સમૅન એબી ડિવિલિયર્સની વિકેટો સાથે હૅટ-ટ્રિક મેળવી હતી.

શ્રેયસ ગોપાલ
શ્રેયસ ગોપાલ

બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાજસ્થાનના ઑલરાઉન્ડર શ્રેયસ ગોપાલને મંગળવારે વરસાદને કારણે ટૂંકાવાયેલી મૅચમાં માત્ર એક જ ઓવર બોલિંગ કરવા મળી, જેમાં તેણે ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના આક્રમક બૅટ્સમૅન એબી ડિવિલિયર્સની વિકેટો સાથે હૅટ-ટ્રિક મેળવી હતી.

શ્રેયસ ગોપાલના કુટુંબીજનો માટે આ ભારે આનંદદાયક ઘટના હતી. જોકે અમારા માટે શ્રેયસ ગોપાલની હૅટ-ટ્રિક કરતાં તેણે ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના ડિવિલિયર્સની વિકેટ લીધી એનું મહત્વ વધારે હતું.

શ્રેયસના પિતા ગોપાલ રામસ્વામીએ ‘મિ-ડે’ને કહ્યું કે ‘વિરાટ અને ડિવિલિયર્સને આ વર્ષે આઇપીએલમાં બીજી વખત આઉટ કરવા માટેનો પ્રસંગ અમારે મન વધારે મહત્વનો છે. ગયા વર્ષે પણ આઇપીએલમાં તેણે આ બન્ને મહાન દિગ્ગજોની વિકેટ લીધી હતી. વરસાદને કારણે અમે આ મૅચ જીતી શક્યા નહીં એનો અમને અફસોસ છે. જો રાજસ્થાનની ટીમ આ મૅચ જીતી શકી હોત તો અમે શ્રેયસની હૅટ-ટ્રિકને વધારે મહત્વ આપ્યું હોત. બૅન્ગલોરની ટીમ સામે રાજસ્થાનનો દેખાવ ભૂતકાળમાં પણ સારો રહ્યો છે અને આ વખતે પણ રાજસ્થાનની ટીમ જીતના દ્વારે ઊભી હતી. મારો પુત્ર બોલિંગ ઑલરાઉન્ડર છે. શરૂઆતમાં તેણે બૅટ્સમૅન તરીકે કરીઅર શરૂ કરી હતી, પરંતુ રાહુલ દ્રવિડની સલાહ માનીને બોલિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું. રમતમાં બોલિંગને ગંભીરતાથી લેવાનું તેણે ત્યાર બાદ જ શરૂ કર્યું હતું.’

શ્રેયસ ગોપાલના કુટુંબીજનો અન્ય ક્રિકેટરોનાં માતા પિતાની જેમ જ પોતાનો પુત્ર પણ રાષ્ટ્ર વતી રમે એવી આશા રાખે છે. તેમણે કહ્યું કે ‘જોકે અમે ભવિષ્યનું હમણાંથી વિચારતા નથી. અમે વર્તમાનમાં જ માનીએ છીએ. હાલમાં તો તે પોતાની રમત પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને ભવિષ્યની ઉજ્જવળ તકોનો ઇન્તેજાર કરતો રહે એવી જ અમારી મહેચ્છા છે.’

આ પણ વાંચો : મારી અસ્વસ્થતાને વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે : ગૌતમ ગંભીર

શ્રેયસ ગોપાલનાં માતા-પિતા રમતવીરો હતાં. પિતા ૨૫ વર્ષ લીગ ક્રિકેટ રમી ચૂક્યા છે. મમ્મી અનીતા ગોપાલ રાષ્ટ્રીય ક્ષેત્રે વૉલીબૉલની ખેલાડી હતી. શ્રેયસને બૅડ્મિન્ટન અને સ્કેટિંગનો પણ જબરો શોખ હતો. જોકે તેણે તો ક્રિકેટમાં જ કરીઅર બનાવવાનું નક્કી કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK