બ્રિટિશરોને પોતાના વડા પ્રધાન અપશુકનિયાળ લાગી રહ્યા છે

Published: 2nd August, 2012 05:46 IST

યજમાન દેશના વડા પ્રધાનની હાજરીમાં ગોલ્ડ મેડલ માટે ફેવરિટ ગણાતા ખેલાડીઓ બ્રૉન્ઝ પણ જીતી ન શકતાં લોકો તેમને હવે મહત્વની મૅચોમાં હાજર ન રહેવા વિનંતી કરે છે

camroon-olympicsવડા પ્રધાન કે રાષ્ટ્રપતિ કોઈ મોટી ઇવેન્ટ કે મહત્વની મૅચમાં ખેલાડીઓનો જુસ્સો વધારવા હાજર રહેતા હોય છે અથવા તો તેમની હાજરીથી પણ ખેલાડીઓના ઉત્સાહમાં અનેકગણો વધારો થઈ જતો હોય છે. જોકે નવાઈની વાત એ છે કે લંડનમાં ચાલી રહેલા ઑલિમ્પિક્સમાં આનાથી ઊલટું જ માનવામાં આવી રહ્યું છે. ઘરઆંગણે આ મહારમતોત્સવમાં બ્રિટન હજી સુધી એક પણ ગોલ્ડ જીતવામાં સફળ નથી થયું. નારાજ દેશવાસીઓ આને માટે દેશના વડા પ્રધાન ડેવિડ કૅમેરનને જવાબદાર ગણી રહ્યા છે.

કૅમેરન આવ્યા, મેડલ ગયો

બ્રિટિશરો માને છે કે અત્યાર સુધી ડેવિડ કૅમેરન જે મૅચ જોવા હાજર રહ્યા હતા એ બધી જ મૅચોમાં દેશની ટીમનો પરાજય થયો છે. બે દિવસ પહેલાં સિન્ક્રોનાઇઝ ડાઇવિંગ ઇવેન્ટમાં બ્રિટિશ જોડી ટૉમ ડૅલી અને પીટર વૉટરફીલ્ડ ગોલ્ડ માટે પ્રબળ દાવેદાર હતા અને સ્પર્ધામાં આગળ ચાલી રહ્યા હતા, પણ જેવા વડા પ્રધાન સ્ટેડિયમમાં હાજર થયા અને ટીવીમાં લોકો વચ્ચે ચિયર કરતા ઝડપાયા એટલે ચિત્ર બદલાઈ ગયું. ફેવરિટ જોડી ખરાબ ડાઇવ સાથે આખરે ચોથા નંબરે રહી અને ગોલ્ડ તો શું તેમને બ્રૉન્ઝ પણ ન મળ્યું. કૅમેરનની હાજરી અપશુકનિયાળ પુરવાર કરતો આ બીજો બનાવ હતો. આ પહેલાં કૅમેરન શનિવારે ગોલ્ડ મેડલ માટે ફેવરિટ બ્રિટિશ સાઇક્લિંગ હીરો માર્ક કૅવેન્ડિશને સપોર્ટ આપવા હાજર રહ્યા હતા, પણ કમનસીબે સ્પર્ધામાં માર્ક ૨૯મા નંબરે રહ્યો હતો.

વિમ્બલ્ડનમાં પણ જોયો પરાજય

થોડા સમય પહેલાં વિમ્બલ્ડનની ફાઇનલમાં દેશના લાડલા ઍન્ડી મરેને પ્રોત્સાહિત કરવા કૅમેરન આવ્યા ત્યારે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. લીડ મેળવ્યા છતાં મરેએ આખરે હાર જોવી પડી હતી.

૨૦૧૦ના ફૂટબૉલ વર્લ્ડ કપમાં પણ જર્મની સામેની મૅચમાં કૅમેરનની હાજરીમાં ઇંગ્લૅન્ડની ટીમે પરાજય જોવો પડ્યો હતો.

ટ્વિટર પર લોકોએ ગુસ્સો ઠાલવ્યો

આમ ડેવિડ કૅમેરનની હાજરીમાં એક પછી એક પરાજય થવાથી સોશ્યલ નેટવર્ક સાઇટ ટ્વિટર પર લોકોએ ગુસ્સો ઠાલવ્યો હતો. હવે પછી મહત્વની અને મેડલ જીતવાના ચાન્સવાળી કોઈ ઇવેન્ટ વખતે હાજર ન રહેવાની વિનંતી ઘણા લોકોએ કરી છે. જોકે લોકોની વિનંતી છતાં વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘લોકોને ગમે કે ન ગમે, વડા પ્રધાન દરેક મુખ્ય ઇવેન્ટ વખતે હાજર રહીને દેશના રમતવીરોને પ્રોત્સાહન આપતા રહેશે. લોકોની માફક તેમને પણ દરેક રમતની ટીમને પ્રોત્સાહિત કરવાનું ગમે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK