ઑસ્ટ્રેલિયાના પ્રધાને આકરા શબ્દોમાં કરી ભારતીય ટીમની ટીકા

Published: 4th January, 2021 16:13 IST | Gujarati Mid-day Correspondent | Brisbane

નિયમ પ્રમાણે રમો, નહીં તો ન આવો

આકરા ક્વૉરન્ટીનને નિયમોને લીધે ટીમ ઇન્ડિયા છેલ્લી ટેસ્ટ મૅચ રમવા બ્રિસ્બેન જવા નથી માગતી એને બદલે ચોથી ટેસ્ટ મૅચ સિડનીમાં રમવા તૈયાર છે, મૅથ્યુ વેડનું માનવું છે કે આપણે શેડ્યુલ પ્રમાણે જ આગળ વધવું જોઈએ

ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ સિડનીમાં અને ચોથી બ્રિસ્બેનમાં રમાશે. પ્રાપ્ત સમાચાર મુજબ ઇન્ડિયન ટીમ આકરા બાયો-સિક્યૉર પ્રોટોકોલને લીધે બ્રિસ્બેન જવા તૈયાર નથી એને બદલે ચોથી ટેસ્ટ પણ સિડનીમાં રમવા તૈયાર છે. આ વાતના સંદર્ભમાં ક્વીન્સલૅન્ડ સરકારના હેલ્થ શેડો મિનિસ્ટર રોસ બેટ્સે આકરા શબ્દોમાં ટીમ ઇન્ડિયાની ટીકા કરતા કહ્યું છે કે જો ભારતીય ટીમે નિયમોનું પાલન ન કરવું હોય તો તેઓ બ્રિસ્બેન ન આવે.

શું કહ્યું ક્વીન્સલૅન્ડ સરકારે?

બ્રિસ્બેનમાં આકરા ક્વૉરન્ટીનને લીધે ટીમ ઇન્ડિયા ત્યાં જવા નથી માગતી. આ સંદર્ભે ક્વીન્સલૅન્ડ સરકારના હેલ્થ શેડો મિનિસ્ટર રોસ બેટ્સે આકરા શબ્દોમાં ટીમ ઇન્ડિયાની ટીકા કરી હતી. રોસ બેટ્સે કહ્યું કે ‘જો ભારતીય ટીમે નિયમોનું પાલન ન કરવું હોય તો એ બ્રિસ્બેન ન આવે.’

આ ઉપરાંત ક્વીન્સલૅન્ડના શેડો સ્પોર્ટ્સ મિનિસ્ટર ટિમ મૅન્ડરે કહ્યું કે ‘જો ભારતીય ટીમ ચોથી ટેસ્ટ મૅચ માટે બ્રિસ્બેનના નિયમોને માન્ય ન કરતી હોય તો ટીમે અહીં રમવા આવવું ન જોઈએ. સીધી વાત છે, નિયમ બધા માટે સરખા છે.’

મૅથ્યુ વેડનું શું માનવું છે?

સામા પક્ષે ઑસ્ટ્રેલિયન ટીમના પ્લેયર મૅથ્યુ વેડનું માનવું છે કે ચોથી ટેસ્ટ મૅચ શેડ્યુલ પ્રમાણે બ્રિસ્બેનમાં જ રમાવી જોઈએ. વેડે કહ્યું કે ‘જે પ્રમાણે અત્યારે લોકો બહાર જઈ રહ્યા છે એ પ્રમાણે અમને પણ જવાનું ગમે છે, પણ આપણે સમજવું પડશે કે આ ટૂરને સફળ બનાવવા આપણે થોડાં બલિદાન આપવાં પડશે. મારા મતે આપણે ચોથી ટેસ્ટ સિડનીમાં રમવા કરતાં શેડ્યુલ પ્રમાણે જ આગળ વધવું. મેલબર્નમાં જ રહેવું પડશે એવી અફવાઓ પણ ઘણી સાંભળવા મળી રહી છે.

ગાબામાં ઇન્ડિયા નાપાસ, ઑસ્ટ્રેલિયા અજેય

રેકૉર્ડ પ્રમાણે જોવા જઈએ તો બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ટીમ ઑસ્ટ્રેલિયા છેલ્લાં ૩૦ વર્ષમાં અજેય રહી છે. વળી ટીમ ઇન્ડિયા આ ગ્રાઉન્ડ પર અત્યંત નબળો રેકૉર્ડ ધરાવે છે. ભારત હજી સુધી આ ગ્રાઉન્ડમાં ૬ ટેસ્ટ મૅચ રમ્યું છે જેમાંથી પાંચમાં તેમને પરાજય મળ્યો છે, જ્યારે એક ટેસ્ટ મૅચ જે ૨૦૦૩માં રમાઈ હતી એ વરસાદને લીધે રદ કરવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK