Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ સામે નિર્ણાયક વન-ડેમાં ઑસ્ટ્રેલિયાનો ૩ વિકેટે વિજય

ઇંગ્લૅન્ડ સામે નિર્ણાયક વન-ડેમાં ઑસ્ટ્રેલિયાનો ૩ વિકેટે વિજય

18 September, 2020 03:25 PM IST | Manchester
IANS

ઇંગ્લૅન્ડ સામે નિર્ણાયક વન-ડેમાં ઑસ્ટ્રેલિયાનો ૩ વિકેટે વિજય

મૅક્સવેલ

મૅક્સવેલ


ઇંગ્લૅન્ડ સામે બુધવારે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન-ડે ઑસ્ટ્રેલિયાએ ૩ વિકેટે જીતીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. ૩૦૩ રનના ચૅલેન્જિંગ ટાર્ગેટ સામે એક સમયે ૭૩ રનમાં પાંચ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાયા બાદ ગ્લેન મૅક્સવેલ (૧૦૮ રન) અને વિકેટકીપર બૅટ્સમૅન ઍલન કૅરી (૧૦૬ રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે રેકૉર્ડ ૨૧૨ રનની પાર્ટનરશિપ થઈ હતી. છેલ્લી ઓવરના ચોથા બૉલે ઑસ્ટ્રેલિયાએ આખરે ૩ વિકેટે મૅચ જીતી લીધી હતી અને આ સાથે ટી૨૦ સિરીઝમાં મળેલી ૧-૨થી હારનો બદલો લઈ લીધો હતો.
પહેલો અને છેલ્લો ફટકો સ્ટાર્કનો
મૅચના પ્રથમ બે બૉલમાં જેશન રૉય અને જો રૂટને આઉટ કરીને મિચલ સ્ટાર્કે તરખાટ મચાવ્યો હતો. ખરાબ શરૂઆત બાદ જૉની બેરસ્ટો (૧૧૨ રન)ની સેન્ચુરી અને સૅમ બિલિંગ્સ (૫૭ રન) તથા ક્રિસ વૉક્સ (અણનમ ૫૩ રન)ની હાફ સેન્ચુરીની મદદથી ઇંગ્લૅન્ડે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૦૨ રનનો ચૅલન્જિંગ સ્કોર બનાવી શક્યું હતું. ૩૦૩ રનનો ટાર્ગેટ મેળવવા ઊતરેલા કાંગારૂઓએ ૭૩ રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારે આ મેદાનમાં હંમેશાં પ્રથમ બૅટિંગ કરનાર ટીમનો જીતનો સિલસિલો જળવાઈ રહેશે એવું લાગી રહ્યું હતું. જોકે મૅક્સવેલ અને કૅરી ૨૧૨ રનની પાર્ટનરશિપ સાથે ટીમને જીતના દ્વાર સુધી લઈ ગયા હતા. છેલ્લે બન્ને આઉટ થતાં મૅચમાં ફરી ટર્ન આવ્યો હતો અને બીજી વન-ડેની જેમ ઇંગ્લૅન્ડ ફરી ચમત્કા‍ર કરશે એવું લાગી રહ્યું હતું ત્યારે છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૦ રન સામે મિચલ સ્ટાર્કે સિક્સર અને ફોર ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી. આમ દિવસની શરૂઆતની અને છેલ્લી ઓવર સ્ટાર્કના નામે રહી હતી.
ઇંગ્લૅન્ડને જીવતદાન ભારે પડ્યું
કૅરી ૯ રન પર હતો ત્યારે તે બાઉન્ડરી પર કૅચઆઉટ થયો હતો, પણ જોફ્રા આર્ચરનો એ નો-બૉલ જાહેર થયો હતો અને મૅક્સવેલ ૪૪ રન પર હતો ત્યારે વિકેટકીપર બટલરે તેનો કૅચ ડ્રૉપ કર્યો હતો. આ બન્ને જીવતદાન ઇંગ્લૅન્ડને ભારે પડ્યાં હતાં.
સુપરસ્ટાર બન્યો મૅક્સવેલ
માનસિક તાણને લીધે ક્રિકેટમાંથી થોડો સમય બ્રેક લીધા બાદ ફરી તેનો મૅજિક બતાવવા થનગનતા મૅક્સવેલને ૯૦ બૉલમાં ૭ સિક્સર અને ચાર ફોર સાથે ૧૦૮ રનની અફલાતૂન ઇનિંગ્સ રમવા બદલ મૅન ઑફ ધ મૅચ તથા સિરીઝમાં એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી સાથે ૧૮૬ રન, એક વિકેટ તથા ચાર કૅચના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વન-ડેમાં પ્રથમ વાર એવું જોવા મળ્યું કે છઠ્ઠા કે એથી નીચા ક્રમના ચાર-ચાર બૅટ્સમેનોએ ૫૦ પ્લસનો સ્કોર નોંધાવ્યો હોય. આ મૅચમાં ઇંગ્લૅન્ડ વતી સૅમ બિલિંગ્સ અને ક્રિસ વૉક્સે હાફ સેન્ચુરી અને ઑસ્ટ્રેલિયા વતી મૅક્સવેલ-કૅરીએ સદી ફટકારી હતી.

મૅક્સવેલના નામે ફાસ્ટેસ્ટ ૩૦૦૦ રન
મૅક્સવેલે બુધવારે મૅચ વિનિંગ ઇનિંગ્સ સાથે વન-ડેમાં ૩૦૦૦ રન પૂરા કરી લીધા છે. મૅક્સવેલ માત્ર ૨૪૪૦ બૉલમાં ૩૦૦૦ રન ફટકારીને ફાસ્ટેસ્ટ બની ગયો હતો. આ રેકૉર્ડ પહેલાં ઇગ્લૅન્ડના જોસ બટરલરના નામે હતો. બટલરે ૨૫૩૨ બૉલમાં ૩૦૦૦ વન-ડે રન પૂરા કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2020 03:25 PM IST | Manchester | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK