Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યૂઝીલેન્ડને કચડી ઓસ્ટ્રેલિયા ઐતિહાસિક 5મી વાર વર્લ્ડચેમ્પિયન

ન્યૂઝીલેન્ડને કચડી ઓસ્ટ્રેલિયા ઐતિહાસિક 5મી વાર વર્લ્ડચેમ્પિયન

29 March, 2015 10:29 AM IST |

ન્યૂઝીલેન્ડને કચડી ઓસ્ટ્રેલિયા ઐતિહાસિક 5મી વાર વર્લ્ડચેમ્પિયન

ન્યૂઝીલેન્ડને કચડી ઓસ્ટ્રેલિયા ઐતિહાસિક 5મી વાર વર્લ્ડચેમ્પિયન



Australia win the 2015 ICC Cricket World Cup





મેલબોર્ન : તા, 29 માર્ચ


ઓસ્ટ્રેલિયાએ એકતરફી મુકાબલામાં ન્યૂઝીલેન્ડને આસાન પરાજય આપી વર્ષ 2015ની આઈસીસી વર્લ્ડકપ ટ્રોફી પર પોતાનો કબજો જમાવી ક્રિકેટ જગતામાં પોતાનો દબદબો સ્થાપિત કર્યો હતો અને ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. વર્લ્ડકપમાં તમામ મેચ જીતી વટ કે સાથ સૌપ્રથમવાર ફાઈનલમાં પ્રવેશેલા ન્યૂઝીલેન્ડનું ખરા ટાણે સુરસુરિયું થઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડના 184 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લઈ આઈસીસી વર્લ્ડકપ ટ્રોફી જીતી લીધી હતી.

આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ 5 વખત વર્લ્ડકપ જીતવાનો રેકોર્ડ પણ નોંધાવી દીધો હતો. ઓસ્ટ્રેલિયા આ અગાઉ વર્ષ 1987, 1999, 2003, 2007 માં વર્લ્ડકપ જીતી ચુક્યું છે. ઘરઆંગણે વર્લ્ડકપ જીતવાની સુદ્ધિ ધરાવનારો ઓસ્ટ્રેલિયા બીજો દેશ બન્યો છે. આ અગાઉ ભારતે વર્ષ 2011નો ઘરઆંગણે રમાયેલો વર્લ્ડકપ જીતી ઈતિહાસ સર્જ્યો હતો. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાની ટીમે વર્ષ 2015ની વર્લ્ડકપ ટ્રોફીની ભેટ ધરી કપ્તાન માઈકલ ક્લાર્કની નિવૃત્તિને યાદગાર બનાવી દીધી હતી.

3 વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર ધકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવા બદલ જેમ્સ ફોલ્કનરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ટૂર્નામેન્ટમાં કુલ 22 વિકેટ ઝડપનાર ઝડપી બોલર મિશેલ સ્ટાર્કને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ પહેલા મિશેલ સ્ટાર્ક, મિશેલ જોન્સન અને ફોલ્કનરની ધારદાર બોલિંગ અને ત્યાર બાદ સ્ટીવન સ્મિથની અણનમ અને પોતાની અંતિમ વન-ડે મેચ રમી રહેલા માઈકલ ક્લાર્કની મદદથી શાનદાર ઈનિંગના સહારે ન્યૂઝીલેન્ડને વર્લ્ડકપની ફાઈનલમાં પરાજય આપ્યો હતો. ન્યૂઝેલીન્ડે પહેલા બેટિંગ 45 ઓવરમાં કરતા માત્ર 183 રને ઓલઆઉટ થઈ ગયું હતું. લક્ષ્યાંકનો પીછો કરતા 33.1 ઓવરોમાં માત્ર 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.

લગભગ 90 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડની ખ્યાતિ ધરાવતા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડ સૌપ્રથમવાર વર્લ્ડચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાન પર ઉતર્યું હતું. કરોડો ક્રિકેટ ચાહકોની આશાઓના દબાણ હેઠળ ન્યૂઝીલેન્ડના કપ્તાન બ્રાન્ડમ મેક્કુલમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. વર્લ્ડકપ દરમિયાન તોફાની ઈનિંગ રમનાર ઓપનર બેટ્સમેન મેક્કુલમ આજે અણીના સમયે જ ફ્લોપ રહ્યો હતો. વર્લ્ડકપમાં ભલભલા બોલરોના છોતરા કાઢનાર મેક્કુલમ આજે ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો અને શૂન્ય રહે મિશેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. આમ પહેલી જ મહત્વપૂર્ણ વિકેટ 1 રને પડતા ન્યૂઝીલેન્ડ દબાણ હેઠળ આવી ગયું હતું. ગુપ્ટિલ 15 રન બનાવી મેક્સવેલનો શિકાર બન્યો હતો. કેન વિલિયમ્સનનો પણ ફ્લોપ શો જારી રહ્યો હતો અને તે માત્ર 12 રન બનાવી જોનસનનો શિકાર બન્યો હતો.

33 રનના કુલ સ્કોર પર મહત્વની 3 વિકેટ પડી જતા ન્યૂઝીલેન્ડ પર પ્રચંદ દબાણ ઉભું થયું હતું. જોકે રોસ ટેલર અને સેમીફાઈનલનો હીરો ગ્રાંટ ઈલિયોટે સાતત્યપૂર્ણ રમત દાખવી ઓસ્ટ્રેલિયન આક્રમણનો સામનો કર્યો હતો. પીચ પર ટકી રહેવાની નીતિ અપવતા બંને બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડને 150 રને પહોંચાડ્યું હતું. બંને વચ્ચે મેચ દરમિયાનની સૌથી વધુ 111 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. બંને બેટ્સમેનો મળીને ન્યૂઝેલેન્ડને સમ્માનજનક સ્કોર સુધી પહોંચાડશે તેમ મનતુ હતું ત્યાં ફોલ્કનર ત્રાટક્યો હતો અને તેણે અડધી સદી તરફ આગળ ધપી રહેલા રોસ ટેલરને 40 રને વિકેટ કિપર હેડ્ડિનના હાથમાં ઝીલાવી દીધો હતો. આ સાથે જ ન્યૂઝીલેન્ડનો ધબડકો શરૂ થયો હતો. કોરી એન્ડરસનને 0 રને આઉટ કરી ફોલ્કનરે ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી. ત્યાર બાદ લૂક રોંચી પણ સ્ટાર્કના બોલ પર 0 રને આઉટ થયો હતો. પોતાની અંતિમ મેચ રમી રહેલો ડેનિયલ વિટ્ટોરી 9 રને જોનસનના યોર્કર બોલને સમજવામાં થાપ ખાઈ જતા ક્લિન બોલ્ડ થયો હતો. આમ ન્યૂઝીલેન્ડનો સ્કોર 150/4 થી સીધો 167/7 થઈ ગયો હતો.

જોકે એક છેડે ગ્રાંટ ઈલિયોટ ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણ સામે અડિખમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની ભારે રોમાંચક સેમીફાઈનલમાં છેલ્લી ઓવરમાં વિજયી સિક્સર ફટકારી અણમન 84 રન બનાવનારો ગ્રાંટ ઈલિયોટે ફાઈનલ મેચમાં પણ 82 બોલમાં 7 ચોગ્ગા અને 83 રન બનાવ્યા હતાં. અંતે આક્રમક ફટકો મારવાના પ્રયત્નમાં ઈલિયોટ ફોલ્કનરની ઓવરમાં હેડ્ડીનના હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે જ ન્યૂઝીલેન્ડની 200 રનને પાર કરવાની આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. ટીમ સાઉથી 11 રન બનાવી મેક્સવેલના સુંદર થ્રો વડે રન આઉટ થયો હતો. અંતે મેટ્ટ હેનરી 0 રને જોનસનો શિકાર થતા ન્યૂઝીલેન્ડ 183 રનમાં તંબુભેગુ થઈ ગયું હતું. ટ્રેન્ટ બોલ્ટ 0 રને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ જોનસન અને જેમ્સ ફોલ્કનરે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે મિશેલ સ્ટાર્કે 2 અને મેક્સવેલે 1 વિકેટ પોતાના ખાતે કરી હતી.

183 રનના લક્ષ્યાંકને પાર કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ કંઈ ખાસ રહી નહોતી. ટ્રેન્ટ બોલ્ટે એરોન ફિંચને શૂન્ય રને પેવેલિયન ભેગો કરતા ન્યૂઝીલેન્ડ લો સ્કોરિંગ મુકાબલામા પણે એટલી જલદી હાર નહીં સ્વિકારે તે પ્રકારના સંકેત આપ્યા હતાં. પણ ઓપનર ડેવિડ વાર્નરે ન્યૂઝી બોલરોને એક છેડે ચાલુ રાખ્યું હતું. આક્રમક બેટિંગ વડે ગણતરીની ઓવરોમાં જ વાર્નર મેચ ઓસ્ટ્રેલિયાની ઝોળીમાં નાખી દેશે તેવું લાગતું હતું ત્યારે જ ઝડપી બોલર માર્ક હેનરીએ વાર્નરને ઈલિયોટના હાથ કેચ આઉટ કરાવી પોતાની ટીમને બીજી સફળતા અપાવી હતી. 63 રનમાં ઓસ્ટ્રેલિનાની 2 વિકેટ પડી જતા ન્યૂઝીલેન્ડના ક્રિકેટ ચાહકોમાં થોડી આશા જન્મી હતી. પરંતુ સ્ટિવન સ્મિથ અને માઈકલ ક્લાર્કે ન્યૂઝીલેન્ડના બોલરોનો સામનો કર્યો હતો. પોતાની અંતિમ મેચ રમી રહેલો માઈકલ ક્લાર્ક જો કે થોડો દબાણમાં જણાતો હતો. સેટ થવા ક્લાર્કે ઘણા બોલનો સામનો કર્યો હતો. અંતે તેણે અડધી સદી ફટકારી હતી. ક્લાર્કે અડધી સદી પુરી કર્યા બાદ રમત ઝડપી બનાવી હતી. સામા છેડે સ્ટીવન સ્મિથે પણ ન્યૂઝીલેન્ડના બોલરોને જરાય મચક ન આપતા પોતાની અડધી સદી પુરી કરી હતી. બંનેએ સ્કોરને 175 રને પહોંચાડી દીધો હતો. ઓસ્ટ્રેલિયા વર્લ્ડચેમ્પિયન બનવાથી હવે હાથ-વેંત જ છેટું હતુ ત્યારે હેનરીએ કપ્તાન ક્લાર્કને આઉટ કરી ન્યૂઝીલેન્ડને ત્રીજી સફળતા અપાવી હતી. પણ ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું. સ્મિથે શેન વોટ્સન સાથે મળીને 71 બોલમાં 3 ચોગ્ગાની મદદથી અણનમ 56 રન નોંધાવી ઓસ્ટ્રેલિયાને શાનદાર વિજય અપાવ્યો હતો. શેન વોટ્સન 2 રન બનાવી અણનમ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ્ટ હેનરીને 2 અને ટ્રેન્ટ બોલ્ટને 1 સફળતા સાંપડી હતી.

આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ શાનદાર 5મી વાર વર્લ્ડકપ જીતી લીધો હતો. વિશ્વવિજેતા થતાની સાથે જ ઓસ્ટ્રેલિયા જીતના જશ્નમાં ડુબ્યું હતું.ટીમ ઓસ્ટ્રેલિયાના વિજય સાથે જ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ રોશનીથી ઝલહળી ઉઠ્યું હતું. સ્ટેડિયમમાં હાજર ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ સમર્થકોએ ચિચિયારો અને વિજયીનારાઓ સાથે ઓસ્ટ્રેલિયાની જીતનો આનંદ મનાવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર ઓસ્ટ્રેલિયામાં વિજયની ઉજવણીઓ શરૂ થઈ ગઈ હતી.




Whatsapp-channel Whatsapp-channel

29 March, 2015 10:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK