માત્ર ૦.૨ પૉઇન્ટને લીધે ઑસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને નંબર-વનના સ્થાનેથી પછાડ્યું

Published: Nov 24, 2014, 06:12 IST

ભારતને ફરીથી ટોચની ટીમ બનવાની તક ટ્રાયેન્ગ્યુલર સિરીઝ દરમ્યાન મળશે


australiaસિડનીમાં ગઈ કાલે વન-ડે મૅચ જીતી જતાં ઑસ્ટ્રેલિયાએ ભારતને વન-ડે રૅન્કિંગ્સમાં પછાડીને નંબર-વનનું સ્થાન મેળીવી લીધું છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝ શરૂ થઈ ત્યારે ચાર વખત વર્લ્ડ ચૅમ્પિયન રહેલું ઑસ્ટ્રેલિયા ૧૧૪ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે હતું. ગઈ કાલે સિરીઝ સમાપ્ત થતાં એ ૧૧૭ પૉઇન્ટ સાથે ભારત સાથે બરાબરી પર છે, પરંતુ પૉઇન્ટ કરતાં આગળની ગણતરી કરવામાં આવતાં ઑસ્ટ્રેલિયન ટીમ ઇન્ડિયા કરતાં ૦.૨ પૉઇન્ટ આગળ છે એટલું જ નહીં, સાઉથ આફ્રિકા કરતાં ૦.૫ પૉઇન્ટ આગળ છે. ગયા મહિને ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ ૨-૦થી જીતતાં સાઉથ આફ્રિકા ઑસ્ટ્રેલિયા કરતાં આગળ વધ્યું હતું.

જોકે ટીમ ઇન્ડિયા માટે હવે ફરી પાછી નંબર-વન વન-ડે ટીમ બનવાની તક ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૧૬ જાન્યુઆરીથી શરૂ થતી ત્રિકોણીય સ્પર્ધા દરમ્યાન મળશે. માત્ર ૧ પૉઇન્ટ પાછળ હોવાથી અત્યારે શ્રીલંકા ચોથા સ્થાને છે.

ઑસ્ટ્રેલિયન ટીમ બની નંબર વન

જેમ્સ ફૉકનરે વિજયી બાઉન્ડરી ફટકારી પાંચ બૉલ બાકી રાખીને સાઉથ આફ્રિકા સામેની પાંચમી અને છેલ્લી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાને બે વિકેટે વિજય અપાવ્યો હતા. આ વિજયને કારણે ICC વન-ડે રૅન્કિંગ્સમાં ભારતને બદલે હવે ઑસ્ટ્રેલિયા ટોચની ટીમ બની ગઈ છે. સિડનીમાં રમાયેલી આ વન-ડેમાં વરસાદને કારણે કાંગારૂઓને ૨૭૫ રનનો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને મૅચની ૪૪-૪૫મી ઓવર દરમ્યાન ત્રણ રનમાં ચાર વિકેટ ગુમાવી દેતાં સાઉથ આફ્રિકા જીતે એવી શક્યતા સર્જાઈ હતી, પરંતુ ફૉકનરે તેમને ફાવવા નહોતા દીધા. ઑસ્ટ્રેલિયા આ સિરીઝ ૪-૧થી જીતી જતાં એ વન-ડે રૅન્કિંગ્સમાં વર્લ્ડ કપ શરૂ થવાના ત્રણ મહિના પહેલાં નંબર-વન ટીમ બની ગઈ છે.

સાઉથ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના ૧૨૩ બૉલમાં ૧૦૭ રનને લીધે સાઉથ આફ્રિકાએ ૬ વિકેટે ૨૮૦ રન કર્યા હતા. શાનદાર સદી કરવા બદલ કોકને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. વરસાદને કારણે ૨૭૫નો નવો લક્ષ્યાંક ઑસ્ટ્રેલિયાના બૅટ્સમેનો ઍરોન ફિન્ચના ૭૬ (૬૭ બૉલ), શેન વૉટ્સનના ૮૨ (૯૩ બૉલ) અને મૅન ઑફ ધ સિરીઝ જાહેર થયેલા સ્ટીવ સ્મિથે કરેલા ૬૭ (૭૪ બૉલ) રનને કારણે સાવ સરળ જણાતો હતો. જોકે છેલ્લે કેટલીક આડેધડ ફટકાબાજી કરતાં ગ્લેન મૅક્સવેલ, સ્મિથ, કૅપ્ટન જ્યૉર્જ બેઇલી, મૅટ વેડ અને પેટ ક્યુમિન્સે ધડાધડ વિકેટો ગુમાવી હતી. જોકે જેમ્સ ફૉકનરે ઑસ્ટ્રેલિયાને વિજય આસાન કરી આપ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK