યજમાન ઇંગ્લેન્ડને 64 રને હરાવી ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2019ની સેમી ફાઇનલમાં પહોંચી

Published: Jun 25, 2019, 23:19 IST | London

લોર્ડ્સના મેદાન પર ઓસ્ટ્રેલિયાએ યજમાન ઈંગ્લેન્ડને 64 રને માત આપીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2019 ની સેમીફાઇનલમાં પ્રવેશ કરનારી પહેલી ટીમ બની ગઈ છે.

ઓસ્ટ્રેલિયાએ 64 રને ઇંગ્લેન્ડને હરાવ્યું (PC : ICC)
ઓસ્ટ્રેલિયાએ 64 રને ઇંગ્લેન્ડને હરાવ્યું (PC : ICC)

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયા ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને માત આપી છે. આમ ઇંગ્લેન્ડની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા ધુંધળી થઇ ગઇ છે. મહત્વનું છે કે વર્લ્ડ કપ 2019નું ટાઇટલ જીતવા માટે ઇંગ્લેન્ડ પ્રબળ દાવેદાર  ગણવામાં આવતું હતું. પણ હવે તેની આશા ધુંધળી થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ આ જીત સાથે સેમી ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે.

સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની જગ્યા નક્કી કરી
ક્રિકેટના મક્કા ગણાતા એવા લોર્ડ્સના મેદાન પર ઓસ્ટ્રેલિયાએ યજમાન ઈંગ્લેન્ડને 64 રને માત આપીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2019 ની સેમીફાઇનલમાં પ્રવેશ કરનારી પહેલી ટીમ બની ગઈ છે. ટોસ હારીને પહેલી બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન એરોન ફિન્સની સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરેનડોર્ફે 44 રન આપીને પાંચ તથા સ્ટાર્કે 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના 7 મેચોમાં 6 જીત સાથે 12 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે ઈંગ્લેન્ડની સેમીફાઇનલની રાહ વધુ મુશ્કેલ બની ગઈ છે.

યજમાન ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત
ઓસ્ટ્રેલિયાએ આપેલા 286 રનના લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી ઇંગ્લેન્ડ ટીમની શરૂઆત સારી રહી ન હતી. જેસન બેહરેનડોર્ફે પહેલી ઓવરના બીજા બોલ પર જેમ્સ વિન્સને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો આપ્યો હતો. સ્ટાર્કે જો રૂટ (8 રન) ને LBW આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજી સફળતા અપાવી હતી. કેપ્ટન ઇયોન મોર્ગન (4) રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડે 26 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ સ્ટોક્સ અને જોની બેયરસ્ટોએ ટીમનો સ્કોર 50નેપાર પહોંચાડ્યો હતો. બેયરસ્ટો (27) રન બનાવી બેહરેનડોર્ફનો શિકાર બન્યો હતો. તેણે 39 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જોસ બટલરે બેન સ્ટોક્સ સાથે પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. જોસ બટલર (25) રન પર સ્ટોઇનિસે ઉસ્માન ખ્વાજાના શાનદાર કેચની મદદથી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

બેન સ્ટોક્સની વર્લ્ડ કપમાં ત્રીજી અડધી સદી
મેચમાં એક સમયે ઈંગ્લેન્ડ વિકેટ ગુમાવી રહ્યું હતું તો બીજી તરફ બેન સ્ટોક્સે શાનદાર બેટિંગ કરી હતી. તેણે આ વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી અડધી સદી પૂરી કરી હતી. સ્ટોક્સ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને તે ક્રીઝ પર હતો ત્યાં સુધી ઈંગ્લેન્ડની જીતની આશા પણ જીવંત હતી. તેને 89 રનના સ્કોર પર મિશેલ સ્ટાર્કે શાનદાર યોર્કર દ્વારા બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. સ્ટોક્સે 115 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

મિશેલ સ્ટાર્ક આ વર્લ્ડ કપમાં સૌથી સફળ બોલર
સ્ટાર્કે આ વિશ્વકપમાં અત્યાર સુધી કુલ 19 વિકેટ ઝડપી છે. તે સૌથી સફળ બોલર છે. ત્યારબાદ જોફ્રા આર્ચર 16 વિકેટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાનનો મોહમ્મદ આમિર 15 વિકેટ સાથે ત્રીજા અને ન્યૂઝીલેન્ડનો લોગી ફર્ગ્યુસન 14 વિકેટ સાથે ચોથા સ્થાને છે. સ્ટાર્કે 8.4 ઓવરમાં 1 મેડન સાથે 43 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

બેહરેનડોર્ફની વિશ્વકપમાં મેડન 5 વિકેટ
ઓસ્ટ્રેલિયાએ આજે પોતાની ટીમમાં નાથન કૂલ્ટર નાઇલના સ્થાને જેસન બેહરેનડોર્ફને તક આપી હતી. તેણે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા ઈંગ્લેન્ડના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. વિશ્વકપમાં બેહરેનડોર્ફની આ પહેલી પાંચ વિકેટ છે. તેણે 10 ઓવરમાં 45 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK