
હૉબાર્ટ : ઑસ્ટ્રેલિયામાં પહેલી વાર ટેસ્ટ-મૅચ જીતવાનું શ્રીલંકાનું સપનું ગઈ કાલે છેલ્લા દિવસે પૂરું તો નહોતું થયું, એના બૅટ્સમેનો મૅચ ડ્રૉ કરાવવામાં પણ નિષ્ફળ ગયા હતા. પરિણામ એ આવ્યું કે કાંગારૂઓ ઘરઆંગણે શ્રીલંકા સામે ૧૧માંથી ૯મી ટેસ્ટ-મૅચ જીતવામાં સફળ થયા હતા.
ઑસ્ટ્રેલિયાને આ સફળતા પેસબોલર પીટર સીડલ અને મિચલ સ્ટાર્કે અપાવી હતી. ખાસ કરીને મૅચના આખરી સેશનમાં બન્નેએ કુલ છ વિકેટો લીધી હતી અને ઘણા મહિનાઆ પછી માઇકલ ક્લાર્કના સુકાનમાં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયાએ ટેસ્ટની જીત માણી હતી. જોકે આ મૅચ પછી ઑસ્ટ્રેલિયનોએ મૅચ દરમ્યાન બૉલ સાથે ચેડાં કર્યા હોવાના આક્ષેપે ચકચાર મચાવી હતી, પરંતુ આઇસીસીએ કહ્યું હતું કે બૉલ-ટૅમ્પરિંગનો કોઈ પુરાવો નથી મળ્યો.
શ્રીલંકનોનો આક્ષેપ સીડલ સામે
શ્રીલંકાના ટીમ-મૅનેજમેન્ટે કેટલાક વિડિયો ફૂટેજ જોયા પછી આક્ષેપ કયોર્ હતો કે ફસ્ર્ટ ઇનિંગ્સ દરમ્યાન ૮૮મી ઓવરમાં પેસબોલર પીટર સીડલે પ્રસન્ના જયવર્દનેને બોલિંગ કરતી વખતે બૉલ પરનો દોરો બહાર ખેંચી કાઢવા આંગળીના નખનો ઉપયોગ કયોર્ હતો. શ્રીલંકન ઓપનર દીમુથ કરુણારત્નેએ કહ્યું હતું કે પ્રથમ દાવની શરૂઆતમાં પણ તેણે એક વાર કાંગારૂઓને બૉલ પરનો દોરો બહાર ખેંચી કાઢતા જોયા હતા.
જોકે આ આક્ષેપો વિશે શ્રીલંકનો વતી કોઈ સત્તાવાર ફરિયાદ નહોતી કરવામાં આવી. આઇસીસી વતી મૅચ રેફરી ક્રિસ બ્રૉડે કહ્યું હતું કે અમ્પાયરો મૅચ દરમ્યાન વારંવાર બૉલ ચકાસી લેતા હોય છે અને જે દિવસની રમતના વિડિયો ફૂટેજની શ્રીલંકનોએ વાત કરી છે એ દિવસ દરમ્યાન પણ તેમણે ઘણી વાર બૉલ ચકાસ્યો હતો, પરંતુ એની સાથે ચેડાં થયા હોવાનું કંઈ જ તેમના ધ્યાનમાં નહોતું આવ્યું.
ઑસ્ટ્રેલિયાની ૧૩૭ રનથી જીતશ્રીલંકાને જીતવા ૩૯૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો જેની સામે એ દસેક ઓવર બાકી હતી ત્યારે ૨૫૫ રનના ટોટલ પર ઑલઆઉટ થઈ ગયું હતું અને ઑસ્ટ્રેલિયાનો ૧૩૭ રનથી વિજય થયો હતો અને સિરીઝમાં એણે ૧-૦થી સરસાઈ મેળવી હતી.
કુમાર સંગકારા (૬૩ રન, ૨૨૬ બૉલ, છ ફોર) અને થિલાન સમરવીરા (૪૯ રન, ૧૪૦ બૉલ, પાંચ ફોર) સિવાય કોઈ બૅટ્સમૅન ૩૦ રન પાર નહોતો કરી શક્યો.
સીડલે પ્રાઇસ વિકેટો અપાવી પીટર સીડલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. તેણે મૅચમાં કુલ ૯ વિકેટ લીધી હતી. ખાસ કરીને તેણે ચાર બ્રેક-થ્રુ અપાવ્યા હતા. તેની આ ચાર પ્રાઇસ વિકેટોમાં માહેલા જયવર્દને, કુમાર સંગકારા, ઍન્જેલો મૅથ્યુઝ અને થિલાન સમરવીરાનો સમાવેશ હતો.
આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ