અશ્વિન બૅટિંગ-બોલિંગમાં બળિયો પણ રનિંગમાં બહુ નબળો

Published: 1st December, 2011 08:23 IST

અશ્વિને ટેસ્ટ અને વન-ડે મળીને છેલ્લી દસમાંથી ચાર ઇનિંગ્સમાં રનઆઉટમાં વિકેટ ગુમાવી છેભારતીય ટીમના નવા ઊભરતા સિતારા અને ઑલરાઉન્ડર તરીકેની ઇમેજ બનાવી રહેલા રવિચન્દ્રન અશ્વિનને ત્રણ મહિનાથી મોટી સમસ્યા સતાવે છે. તે વારંવાર ખરાબ રનિંગ-બિટ્વિન-ધ-વિકેટ્સને કારણે વિકેટ ગુમાવે છે.

શનિવારે વાનખેડેમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી ટેસ્ટમૅચના છેલ્લા બૉલમાં કૅરિબિયનોનો વાઇટવૉશ કરવા માટે ભારતને માત્ર બે રનની જરૂર હતી અને વરુણ ઍરોન સાથે મળીને એક રન પૂરો કર્યા બાદ અશ્વિન બીજો રન દોડવામાં એટલો બધો ધીમો હતો કે તે પોતાની નવમી વિકેટ તો ગુમાવી બેઠો હતો, પણ મૅચ નાટ્યાત્મક ડ્રૉમાં જતાં ટીમ ઇન્ડિયાએ સતત ત્રીજા વિજયથી વંચિત પણ રહી જવું પડ્યું હતું.

મંગળવારે જીતવા ૨૧૨ રનનો ટાર્ગેટ મળ્યો ત્યાર બાદ એક તબક્કે જ્યારે ભારતે ૧૮.૧ ઓવરમાં (૧૦૯ બૉલમાં) માત્ર ૫૩ રન બનાવવાના બાકી હતા ત્યારે રોહિત શર્માએ બીજો રન લેવા આપેલા કૉલને અવગણવાની ભૂલ અશ્વિનને ભારે પડી હતી. ડૅરેન સૅમીના બૉલને ડીપમાં મોકલી દીધા બાદ રોહિતે સામા છેડે પહોંચીને એક રન તો પૂરો કર્યો હતો, પરંતુ તેણે બીજા રન માટે જે કૉલ આપ્યો એને અશ્વિને અવગણ્યો હતો. બીજો રન શક્ય હતો જ એટલે રોહિત બીજા રનનો આગ્રહ રાખીને દોડતો રહ્યો હતો, પરંતુ અશ્વિને સ્ટ્રાઇકર્સ એન્ડ પરથી બીજા રન માટે મોડી શરૂઆત કરી હતી. રોહિત સ્ટ્રાઇકર્સ-એન્ડની ક્રીઝમાં પહોંચી ગયો હતો, પરંતુ ત્યાંથી મોડેથી નીકળેલો અશ્વિન નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડમાં નહોતો પહોંચી શક્યો હતો અને રનઆઉટ થઈ ગયો હતો. અશ્વિનને ચાર દિવસ પહેલાં વાનખેડેમાં કરેલી ભૂલનું પુનરાવર્તન નડ્યું હતું.

અશ્વિને મંગળવારના તથા શનિવારના રનઆઉટ પહેલાં ૧૪ ઑક્ટોબરે હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડેમાં અને એ અગાઉ ૬ સપ્ટેમ્બરે ઇંગ્લૅન્ડના પ્રવાસની વન-ડેમાં રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી.

અશ્વિને ટેસ્ટ અને વન-ડે મળીને છેલ્લી ૧૦ ઇનિંગ્સમાં એક ટેસ્ટસદી સહિત કુલ ૧૭૯ રન બનાવ્યા છે, ત્રણ વખત નૉટઆઉટ રહ્યો છે અને ૩૯ વિકેટ પણ લીધી છે, પરંતુ આ બધી મૅચોમાં તેની રનિંગ-બિટ્વિન-ધ-વિકેટ્સ ખૂબ ખરાબ રહી છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK