મારે હવે શું મારા દીકરા સાથે રમવું? : નેહરા

Published: 1st October, 2011 21:38 IST

આશિષ નેહરાને ૧૪ અને ૧૭ ઑક્ટોબરે ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની પ્રથમ બે વન-ડે માટેની ટીમમાં ન લેવામાં આવ્યો તેમ જ એ પહેલાં ૧૦ ઑક્ટોબરે નાગપુરમાં શરૂ થનારી ચૅલેન્જર ટ્રોફી માટેની ત્રણમાંથી એકેય ટીમમાં સ્થાન ન મળ્યું એટલે તે સિલેક્ટરો પર વીફર્યો છે.

સતત અવગણનાથી નેહરાને ખોટું લાગી ગયું અને સિલેક્ટરોની ટીકા કરી

તેણે ગઈ કાલે પીટીઆઈ સાથેની વાતચીતમાં ખૂબ ઊભરો ઠાલવ્યો હતો. હું હવે રણજી ટ્રોફીમાં રમીને ફિટનેસ પુરવાર કરી બતાવીશ એવું કહીને નેહરા હસતાં-હસતાં બોલ્યો હતો કે ‘ક્રિકેટ બોર્ડે મને ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ જેવી વ્૨૦ ટુર્નામેન્ટમાં અને સાઉથ આફ્રિકાની ભ્શ્વં-૪૦ જેવી ચૅમ્પિયનશિપમાં રમવાની છૂટ આપવી જોઈએ. જો બોર્ડ એ છૂટ પણ નહીં આપે તો મારે મારા દીકરા સાથે રમવું પડશે. બોર્ડ શું એવું ઇચ્છે છે કે મારે એવા દિવસો જોવા પડે?’

કાંડાનું હાડકું આંગળીઓમાં

આશિષ નેહરાએ વલ્ર્ડ કપની પાકિસ્તાન સામેની સેમી ફાઇનલમાં ૧૦ ઓવરમાં ૩૩ રન આપીને બે વિકેટ લીધી હતી. જોકે ફીલ્ડિંગમાં ઈજા થતાં તે ફાઇનલમાં નહોતો રમી શક્યો. તેના જમણા હાથની આંગળીઓમાં પાંચ જગ્યાએ ફ્રૅક્ચર થયાં હતાં. તેણે ઑસ્ટ્રેલિયામાં સર્જરી કરાવવી પડી હતી, જેમાં તેના કાંડામાંથી હાડકાંનો થોડો ભાગ કાઢીને બે આંગળીઓમાં બેસાડવામાં આવ્યો હતો. ત્યારથી નેહરાની જમણા હાથની આંગળીઓ પર મોટા ભાગે પાટો હોય છે જ. તેની એક આંગળી વળેલી જ રહે છે. જોકે તે લેફ્ટી હોવાથી બોલિંગમાં તેને કોઈ તકલીફ નથી થતી.

શું હું ચૅલેન્જર ટ્રોફી માટે પણ ફિટ ન લાગ્યો? : નેહરા

મેં ઇંગ્લૅન્ડ સામેની તાજેતરની વન-ડે સિરીઝ પહેલાં જ બોર્ડને મારું ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધું હતું. જોકે સિલેક્ટરોએ એમાં લીધો જ નહીં. ઝહીર ખાન ઈજા પામ્યો ત્યારે તેમણે ત્રણ મહિના જરાય ન રમેલા આર. પી. સિંહને ભારતથી મોકલ્યો, પરંતુ હું ફિટ હોવા છતાં મને નહોતો મોકલ્યો.

આ મહિને ભારત આવી રહેલી ઇંગ્લૅન્ડની ટીમ સામે મને રમવા મળશે જ એવી આશા રાખીને હું બેઠો હતો, પરંતુ સિલેક્ટરોએ મને પહેલી બે વન-ડે માટે જાહેર કરેલી ટીમમાંય ન લીધો. એ તો ઠીક, પણ ૧૦ ઑક્ટોબરથી રમાનારી ચૅલેન્જર ટ્રોફીની ત્રણ ટીમ (ઇન્ડિયા બ્લુ, ઇન્ડિયા ગ્રીન, ઇન્ડિયા રેડ)માંથી એક પણ ટીમમાં સ્થાન ન આપ્યું. શું હું સિલેક્ટરોને ચૅલેન્જર ટ્રોફીની એકેય ટીમ માટે ફિટ ન લાગ્યો? મને રમવાનો મોકો જ ન આપો તો હું ફિટનેસ કેવી રીતે પુરવાર કરું.
છેલ્લાં બે વર્ષમાં હું ભારતના બધા બોલરો કરતાં ઓછું રમ્યો છું છતાં મેં તેમના કરતાં વધુ વિકેટો લીધી છે. મારી કુલ ૫૯ વિકેટ સામે બીજા નંબરે આવતા હરભજન સિંહની ૪૯ અને ઝહીર ખાનની ૪૮ વિકેટ છે. આમ છતાં સિલેક્ટરો મને હજી લેતા જ નથી.

છેલ્લાં બે વર્ષમાં પાવરપ્લેની ઓવરોમાં અને ડેથ ઓવરોમાં સૌથી વધુ મેં બોલિંગ કરી છે અને એમાં સારું પફોર્ર્મ પણ કર્યું છતાં સતત મારી અવગણના થઈ રહી છે.
વલ્ર્ડ કપ સુધી હું સારો બોલર હતો અને હવે અચાનક આટલો બધો ખરાબ કેવી રીતે થઈ ગયો એ જ મને નથી સમજાતું.

કોઈ માનતું હશે કે હું ૩૨ વર્ષનો થઈ ગયો છું એટલે સિલેક્ટરોને કદાચ લેવા જેવો નહીં લાગતો હોઉં. એવા લોકોને મારે કહેવું છે કે હું ૩૨ વર્ષનો છું, ૪૨ વર્ષનો નથી થઈ ગયો. સેહવાગ મારા કરતાં મોટો છે. જો ટીમમાં ઉંમરને ધ્યાનમાં લઈને જ સ્થાન આપવામાં આવતું હોત તો રાહુલ દ્રવિડને
૩૯ વર્ષે વન-ડેમાં કમબૅક કરવાનો મોકો ન મળ્યો હોત.

બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં મેં ફિટનેસ પાછી મેળવવા તનતોડ મહેનત કરી છે એ સિલેક્ટરો સારી રીતે જાણે છે છતાં મને નથી લેતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK