સચિનની ભવ્ય કરીઅરના 23મા વર્ષનો શુભારંભ પુત્ર અજુર્ને ૮ વિકેટ લઈને ઊજવ્યો

Published: 17th November, 2011 09:22 IST

જુનિયર તેન્ડુલકરે મંગળવારે હૅરિસ શીલ્ડ સ્પર્ધામાં પોતાના પહેલા જ દિવસે વિરલ સિદ્ધિ સાથે પોતાની સ્કૂલને જિતાડીસચિન તેન્ડુલકરે મંગળવારે ઇન્ટરનૅશનલ કરીઅરમાં બાવીસ વર્ષ પૂરાં કરીને ત્રેવીસમા વર્ષમાં પ્રવેશ કર્યો એની ખુદ તે તો ખાસ કોઈ ઉજવણી નહોતો કરી શક્યો, પરંતુ તેના પુત્ર અજુર્ને એ દિવસ ભવ્ય રીતે સેલિબ્રેટ કર્યો હતો. ૧૨ વર્ષના અજુર્ને આઝાદ મેદાન પર હૅરિસ શીલ્ડ સ્પર્ધાના પ્લૅટ ડિવિઝનની મૅચમાં ૮ વિકેટ લીધી હતી અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની ધીરુભાઈ અંબાણી સ્કૂલને શાનદાર જીત અપાવી હતી.

સચિને ૧૯૮૯ની ૧૫ નવેમ્બરે કરાચીની ટેસ્ટથી ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરી હતી. એના આગલા વર્ષે તેણે મુંબઈની હૅરિસ શીલ્ડમાં વિનોદ કાંબળી સાથે શારદાશ્રમ વિદ્યામંદિર સ્કૂલ વતી રમેલી મૅચમાં ૬૬૪ રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી. એમાં સચિનના ૩૨૬ રન અને કાંબળીના ૩૪૯ રન હતા.

મંગળવારે અજુર્ને અન્ડર-૧૬ હૅરિસ શીલ્ડ ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો હતો અને એ જ દિવસે તેણે પેસબોલિંગથી જુહુની જમનાબાઈ નરસી સ્કૂલની બાવીસ રનમાં ૮ વિકેટ લીધી હતી. અજુર્ને પોતાની સ્કૂલની ટીમ વતી બોલિંગની શરૂઆત કરી હતી અને મુંબઈના અસહ્ય તડકા અને ગરમીમાં સતત ૧૨ ઓવરની બોલિંગમાં ગજબના સ્વિંગથી દરેક બૅટ્સમૅનને પરેશાન કર્યો હતો. જમનાબાઈ નરસી સ્કૂલની ૧૦માંથી ૮ વિકેટ અજુર્ને લીધી હતી અને આખી ટીમ ૨૫ ઓવરમાં માત્ર ૧૦૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એક તબક્કે તો સ્કોર ૬ વિકેટે માત્ર ૬૦ રન હતો.

કેટલી વિકેટ કેવી રીતે લીધી?

અજુર્ને આઠમાંથી ત્રણ વિકેટ ક્લીન બોલ્ડમાં લીધી હતી. બે બૅટ્સમેનોને તેણે વિકેટકીપરના હાથમાં તેમ જ બાકીના પ્લેયરોને મિડ-ઑફ અને કવર્સમાં કૅચઆઉટ કરાવ્યા હતા.

ત્રીજા જ બૉલમાં આઉટ થયો

અજુર્ને બોલિંગ પછી બૅટિંગમાં પણ પોતાનાથી શરૂઆત કરી હતી, પરંતુ ત્રીજા જ બૉલમાં વિકેટકીપરને કૅચ આપી બેઠો હતો. તે ખાતું પણ નહોતો ખોલાવી શક્યો. જોકે તેને બહુ અફસોસ નહોતો થયો, કારણ કે તેની સ્કૂલની ટીમ છેવટે પાંચ વિકેટના ભોગે મૅચ જીતી ગઈ હતી. હવે અજુર્નની સ્કૂલની બીજી મૅચ આવતી કાલે રમાશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK