મરે બન્યો દુબઈ ચૅમ્પિયન
વિશ્વના નંબર વન ખેલાડી બ્રિટનના ઍન્ડી મરેએ ગઈ કાલે શાનદાર પ્રદર્શન કરતાં દુબઈ ટેનિસ ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. મરે માટે આ વર્ષનું પહેલું અને કરીઅરનું ૪૫મું ટાઇટલ છે. ફાઇનલમાં મરેએ સ્પેનના ફર્નાન્ડો વર્દાસ્કોને ૬-૩, ૬-૨થી હરાવ્યો હતો. મરે બીજી વખત દુબઈ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમ્યો હતો. અગાઉ ૨૦૧૨માં તે સ્વિટ્ઝરલૅન્ડના રૉજર ફેડરર સામે હારી ગયો હતો.
વર્દાસ્કો સામે છેલ્લી ૧૩ પૈકી ૧૨માં જીત મેળવનાર મરેએ ફાઇનલમાં ધીમી શરૂઆત કરી હતી, પરંતુ ત્યાર બાદ મૅચમાં ઝડપ લાવતાં પહેલો સેટ ૬-૩થી પોતાના નામે કર્યો હતો. વર્દાસ્કોએ પણ આ મૅચમાં સારી શરૂઆત કરી હતી તેમ જ એક સમયે મરે કરતાં લીડ પણ મેળવી હતી, પરંતુ મરેએ અનુભવનો નિચોડ ઠાલવતાં સ્પેનના હરીફને પાછળ મૂકીને પહેલો સેટ પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં મરે વધુ પ્રભાવી જણાયો હતો તેમ જ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં ૬-૨થી સેટ જીત્યો હતો.