અફઘાનિસ્તાન પહેલી જીત સાથે ટુર્નામેન્ટનું હૅપી એન્ડિંગ કરવા ઇચ્છે છે

Published: Jul 04, 2019, 12:12 IST | લીડ્સ

આજે તેમનો વેસ્ટ ઇન્ડીઝ સામે લીડ્સમાં મુકાબલો છે. ભલે ગુલબદીન નૈબની ટીમે એકેય જીત ન મેળવી હોય, પરંતુ તેમણે હરીફ ટીમોને ટક્કર આપવામાં કોઈ કમી નથી રાખી

ક્રિસ ગેઇલ
ક્રિસ ગેઇલ

અફઘાનિસ્તાનની ટીમ આજે જીત મેળવીને ઊંચા કૉન્ફિડન્સ સાથે ટુર્નામેન્ટનો એન્ડ કરવાની ઇચ્છા રાખી રહી હશે. દરેક એશિયન ટીમોને આ વર્લ્ડ કપમાં હેરાન કરનારી અફઘાનિસ્તાનની ટીમ લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે આજે મૅચ રમશે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ બન્ને ટીમ ખૂબ નજીવા અંતરથી સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

અફઘાનિસ્તાનના બોલરોએ એકેય એશિયન ટીમને ૨૭૫થી વધુ રન કરવા નહોતા દીધા. ભારત સામે મોહમ્મદ નબી અને બીજા ખેલાડીઓએ છેલ્લી ઓવર સુધી ફાઇટ આપીને ભારતનો શ્વાસ અધ્ધર કરી રાખ્યો હતો. અફઘાનિસ્તાને ગયા વર્ષે હરારેમાં વર્લ્ડ કપ ક્વૉલિફાયર ટુર્નામેન્ટમાં ક્રિસ ગેઇલ, શાઈ હોપ અને કાર્લોસ બ્રેથવેટ જેવા પાવરહિટરોવાળી વેસ્ટ ઇન્ડીઝ ટીમને બે વખત હરાવ્યું હતું. આ ટીમમાં મોહમ્મદ નબી, દવલત ઝદરન અને રાશીદ ખાન જેવા વર્લ્ડ ક્લાસ બોલરો છે. રાશીદે આઇપીએલમાં ઘણા બૅટ્સમેનોને પરેશાન કર્યા હતા. નજીબુલ્લાહ ઝદરને પોતાની ટીમ વતી આ ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૧૯૯ રન, અસગર અફઘાને હાઇએસ્ટ ૪ ફિફ્ટી ફટકારી છે. રહેમત શાહ આ ટીમનો ટેક્નિકલી બેસ્ટ ખેલાડી કહેવાય છે.

૧૯૭૫ અને ૧૯૭૯માં રમાયેલા પ્રુડેન્શિયલ વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમ આ વર્લ્ડ કપમાં ૮માંથી ફક્ત એક મૅચ જીતી શકી છે. તેમણે પોતાની પહેલી જ મૅચમાં પાકિસ્તાનને ૧૦૫ રનમાં ડિમોલિશ કર્યું ત્યારે લાગતું હતું કે જેસન હોલ્ડરની ટીમ ટોચની ટીમ સામે જોરદાર મુકાબલો કરશે. જોકે ટુર્નામેન્ટ આગળ વધતાં તેમનું પર્ફોર્મન્સ કંગાળ થતાં તેઓ વન મૅચ વન્ડર બનીને રહી ગયા છે. સોમવારે તેઓ શ્રીલંકા સામે જીતની સાવ નજીક પહોંચ્યા હતા, જ્યારે ન્યુ ઝીલૅન્ડ સામે ૨૯૨ રનના ટાર્ગેટ સામે કાર્લોસ બ્રેથવેટના ૮૨ બૉલમાં ૧૦૧ રન છતાં ફક્ત પાંચ રને હાર્યા હતા. નિકોલસ પૂરન ૩૦૯ અને ક્રિસ ગેઇલ ૨૩૫ રન સાથે સારા ફૉર્મમાં છે, જ્યારે શેલ્ડન કોટરેલ, જેસન હોલ્ડર અને ઓશને થોમસની ત્રિપુટી અફઘાનિસ્તાનના બૅટ્સમેનોને કાબૂમાં રાખવામાં સક્ષમ છે. થોમસે પાકિસ્તાન સામે ૨૭ રનમાં ૪ અને કોટરેલે ન્યુ ઝીલૅન્ડ સામે ૫૬ રનમાં ૪ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : સ્પોર્ટ્સ બાળકોનું જીવન બદલી શકે છે : મિતાલી રાજ

વર્લ્ડ કપની ફેરવેલ મૅચમાં ગેઇલ કરશે ગર્જના?

યુનિવર્સલ બૉસ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેઇલ વન-ડે વર્લ્ડ કપની આજે છેલ્લી મૅચ રમશે. ૩૯ વર્ષનો ગેઇલ પોતાની અટૅકિંગ બૅટિંગ માટે ફેમસ છે અને વન-ડે ફૉર્મેટમાં આજે છેલ્લી વખત ગર્જના કરવાનો મોકો છે. ૧૧ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ ભારત સામે વન-ડે ડેબ્યુ કરનાર ગેઇલે ૨૯૬ વન-ડેમાં ૮૭.૨૪ની સ્ટ્રાઇક-રેટની મદદથી ૧૦,૩૮૬ રન બનાવ્યા છે જેમાં ૨૫ સેન્ચુરી અને ૫૩ ફિફ્ટી ફટકારી છે. આ ૨૧ સપ્ટેમ્બરે જીવનનાં ૪૦ વર્ષ પૂરાં કરનાર ગેઇલે ૧૧૧૮ ફોર અને ૩૨૬ સિક્સરો ફટકારી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK