સ્પોર્ટ્સ ચૅનલો પર ઍડનો ભાવ ૨૦ ટકા ઘટી જશે?

Published: 28th December, 2011 05:20 IST

ઍડ્વર્ટાઇઝરોના મતે મૅચોના અતિરેકને કારણે ક્રિકેટની ક્વૉલિટી બહુ જ નબળી પડી છે અને દર્શકોનો રસ પણ ઓછો થઈ રહ્યો છેરિકેટ મૅચોના અતિરેકની વિપરીત અસર માત્ર પ્લેયરો પર જ નહીં, પણ ટીવી ચૅનલો પર દર્શાવાતી જાહેરખબરોના પ્રમાણ પર પણ જોવા મળી છે જેના કારણે આવનારા દિવસોમાં ઍડના દરમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળે તો નવાઈ નહીં.

ભારતીય ચૅનલો પર ઍડવર્ટાઇઝરો માટે ક્રિકેટની રમત સૌથી મોટા માધ્યમોમાં ગણાય છે, પરંતુ એક પછી એક સિરીઝ અને ટુર્નામેન્ટને લીધે હવે દર્શકો પણ કંટાળી ગયા હોવાનું ઍડવર્ટાઇઝરો માટેના મિડિયા પ્લાનરોનું માનવું છે. તેમના મતે જો આવતા વર્ષે પણ ધમધમતું કૅલેન્ડર જળવાઈ રહેશે તો ઍડના દરમાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો જોવા મળશે.

ખુદ પ્લેયરો અને ક્રિકેટ-નિષ્ણાતો પણ મૅચોના અતિરેકનો ઉલ્લેખ કરતા અચકાતા નથી. રાહુલ દ્રવિડે થોડા દિવસ પહેલાં ઑસ્ટ્રેલિયામાં ડૉન બ્રૅડમૅનની સ્મૃતિમાં આયોજિત લેક્ચરમાં મૅચોના અતિરેક વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

મિડિયા પ્લાનરોના મતે વલ્ર્ડ કપ પછી તરત જ આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) રમાઈ અને ત્યાર પછી ઇંગ્લૅન્ડની નામોશીભરી સિરીઝ બાદ વેસ્ટ ઇન્ડીઝની થોડી ઊતરતી કક્ષાની ટીમ સામે પુષ્કળ મૅચો રમાઈ હતી જેના કારણે લોકોમાંથી રસ થોડો ઓછો થઈ ગયો છે અને એ બાબતમાં ઍડવર્ટાઇઝરો ખૂબ સભાન છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝ કદાચ ટીવીદર્શકોની સંખ્યા ઘણી વધારી શકે, પરંતુ ઍડવર્ટાઇઝરોનું એવું પણ માનવું છે કે વધુપડતી મૅચો રમાતી હોવાથી ક્રિકેટની ક્વૉલિટી નબળી પડી જ છે.

તેમની આવી માન્યતાને પગલે જ જાહેરખબર આપવામાં તેમનો રસ ઘટી ગયો છે અને એટલે જ ઍડના દરમાં ઘસારો જોવા મળી રહ્યો છે.

ટાઇમ-સ્લૉટ માટે હવે રસાકસી નથી


મિડિયા પ્લાનરો તો ત્યાં સુધી માને છે કે મોટી-મોટી બહુ ઓછી બ્રૅન્ડ્સના માલિકો હવે ક્રિકેટને આવરી લેતી સ્ટ્રૅટેજી બનાવી રહ્યા છે. ખાસ ચૅનલ પર ખાસ પ્રકારના ટાઇમ-સ્લૉટ માટે કંપનીઓ વચ્ચે અગાઉ ખૂબ રસાકસી થતી હતી, પરંતુ અત્યારે એવું કંઈ જ નથી જોવા મળતું અને વિવિધ બ્રૅન્ડ્સ માટે બુક કરવામાં આવતા સમયનું પ્રમાણ પણ ઘટટ્યું છે.

જોકે ઍડના દરોમાં ઘટાડો થવાની ભીતિ સાથે ઈએસપીએન-સ્ટાર સ્પોર્ટ્સ તથા આઇપીએલનું પ્રસારણ કરતી સેટ મૅક્સ ચૅનલના માલિકો સંમત નથી.

૧૦ સેકન્ડની ઍડના પાંચ લાખ રૂપિયા


સેટ મૅક્સ ચૅનલની માલિકી ધરાવતી મલ્ટિ-સ્ક્રીન મિડિયા કંપનીના પ્રેસિડન્ટ રોહિત ગુપ્તાના મતે આગામી આઇપીએલ માટે અત્યારથી ઍડ મળી રહી છે અને એ માટે ૧૦ સેકન્ડદીઠ પાંચ લાખ રૂપિયાનો ભાવ અત્યારે ચાલે છે. જોકે મિડિયા પ્લાનરો આ વાત સાથે સંમત નથી. તેમનું માનવું છે કે આઇપીએલ શરૂઆતના બે વર્ષમાં જે પ્રચંડ લોકપ્રિયતા ધરાવતી હતી એવું હવે નથી રહ્યું એટલે ચૅનલોને આ ભાવે મોટી સંખ્યામાં ઍડ મળવાની સંભાવના બહુ ઓછી છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK