રસાકસી બાદ બૅન્ગલોર ટેસ્ટ જીતીને કિવીઓનો કર્યો વાઇટવૉશ

Published: 4th September, 2012 05:32 IST

મહેન્દ્ર સિંહ ધોનીએ કટોકટીમાં વાઇસ કૅપ્ટનની ઇનિંગ્સ પર ફિદા થઈને ભરપૂર વખાણ કર્યાં

kohli-sachinબૅન્ગલોર: એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઈ કાલે હાજર રહેલા દરેક પ્રેક્ષકોના પૈસા વસૂલ થઈ ગયા હશે. ભારતમાં ભાગ્યે જ જોવા મળતી હોય એવી બૅન્ગલોરની સ્પોર્ટિંગ વિકેટ પર છેલ્લે સુધી બન્ને ટીમોને જીતવાના ચાન્સ હતા.  રિયલ ટેસ્ટ-ક્રિકેટનો પરિચય કરાવતી આ મૅચમાં આખરે ટીમ ઇન્ડિયાના બે સારથિઓ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વાઇસ કૅપ્ટન વિરાટ કોહલીની લાજવાબ ઇનિંગ્સે ન્યુ ઝીલૅન્ડનો પાંચ વિકેટે હરાવીને સિરીઝમાં ૨-૦થી વાઇટવૉશ કર્યો હતો. મૅચ બાદ ધોનીએ પ્રેશરમાં કોહલીએ બતાવેલા અદ્ભુત ટેમ્પરામેન્ટનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં અને સ્પિનર જોડી રવિચંદ્રન અશ્વિન તથા પ્રજ્ઞાન ઓઝાને પણ જીત માટે ક્રેડિટ આપી હતી.

જીતવા માટે ટાર્ગેટ ૨૬૧

સવારે કિવીઓની છેલ્લી જોડી ટ્રેન્ટ બૉલ્ટ અને જીતેન પટેલ વધુ ૧૬ રન ઉમેરીને આઉટ થઈ જતાં ભારતને ૨૬૧ રનનો થોડો ચૅલેન્જિંગ ટાર્ગેટ મળ્યો હતો. જોકે વીરેન્દર સેહવાગ (૩૩ બૉલમાં ૩૮) અને ગૌતમ ગંભીરે (૫૮ બૉલમાં ૩૪) વન-ડેની જેમ શરૂઆત કરીને કિવીઓને હાવી નહોતા થવા દીધા. જોકે ત્યાર બાદ બન્ને પાંચ રનના ગાળામાં આઉટ થયા હતા. ચેતેશ્વર પુજારાએ (૧૦૪ બૉલમાં ૪૮) ફરી તેની સૉલિડ ટેક્નિક અને ટૅલન્ટનો પરચો આપતાં સચિન તેન્ડુલકર સાથે મળીને ૬૯ રનની પાર્ટનરશિપ સાથે ઇનિંગ્સને થોડી સ્થિરતા બક્ષી હતી. જોકે વરસાદના બ્રેક બાદ મૅચ જ્યારે પાછી શરૂ થઈ ત્યારે સચિન ૨૭ રન બનાવીને ફરી એક વાર અને સતત ત્રીજી વાર બોલ્ડ થયો હતો. સચિન પછી પુજારા અને સુરેશ રૈના (શૂન્ય) પણ આઉટ થઈ જતાં ટીમ ઇન્ડિયા પાંચ વિકેટે ૧૬૬ રન જેવી થોડી નાજુક પરિસ્થિતિએ પહોંચી ગઈ હતી. જીત માટે ત્યારે ૯૫ રનની જરૂર હતી. જોકે ધોની અને કોહલીએ થોડી સાવચેતીભરી રમત દાખવીને અને પછી ફટકાબાજી કરીને ચોથા દિવસે ભારતને જીત અપાવી હતી.

ધોની હવે ઇન્ડિયાનો બેસ્ટ કૅપ્ટન

ભારતમાં સૌથી વધુ ૧૧ ટેસ્ટ જીતવાના સૌરવ ગાંગુલીના રેકૉર્ડને ધોનીએ ગઈ કાલે ૧૨મી જીત મેળવીને તોડી નાખ્યો હતો.

બન્ને ટીમો વચ્ચે હવે શનિવારે વિશાખાપટ્ટનમમાં પ્રથમ અને ત્યાર બાદ આવતા મંગળવારે ચેન્નઈમાં બીજી T20 રમાશે.

સ્કોર-બોર્ડ

ન્યુ ઝીલૅન્ડ : પહેલી ઇનિંગ્સ : ૩૬૫

ભારત : પહેલી ઇનિંગ્સ : ૩૫૩

ન્યુ ઝીલૅન્ડ

બીજી ઇનિંગ્સ : ન્યુ ઝીલૅન્ડ ૨૪૮ (ફ્રેન્કલિન ૪૧, ટેલર ૩૫, ફિન ૩૧, મૅક્લમ ૨૩, અશ્વિન ૬૯ રનમાં ૫, ઓઝા ૪૮ રનમાં બે અને ઉમેશ યાદવ ૬૨ રનમાં બે)

ભારત

બીજી ઇનિંગ્સ : પાંચ વિકેટે ૨૬૨

(કોહલી અણનમ ૫૧, ધોની અણનમ ૪૮, પુજારા ૪૮, સેહવાગ ૩૮, ગંભીર ૩૪, તેન્ડુલકર ૨૭, જીતેન પટેલ ૬૮ રનમાં ૩)

મૅન ઑધ ધ મૅચ : વિરાટ કોહલી

પ્લેયર ઑધ ધ સિરીઝ : રવિચન્દ્રન અશ્વિન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK