સતત ત્રીજી વાર પાકિસ્તાનને હરાવીને જુનિયર એશિયા કપમાં ચૅમ્પિયન બની હતી ભારતીય ટીમ
ચૅમ્પિયન ભારતીય જુનિયર હૉકી ટીમ સાથે હેડ કોચ પી. આર. શ્રીજેશનો સેલ્ફી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ભારતીય જુનિયર હૉકી ટીમ માટે સ્પેશ્યલ ટ્વીટ કર્યું હતું. બુધવારે રાતે ઓમાનમાં મેન્સ જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે ૫-૩થી શાનદાર જીત મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ સળંગ ત્રીજી વાર પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી. ભારતીય ટીમ ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૫ અને ૨૦૨૩ પછી ૨૦૨૪માં પણ ચૅમ્પિયન બનીને આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ રહી છે; જ્યારે ત્રણ વારની ચૅમ્પિયન પાકિસ્તાનની ટીમ સતત ચોથી વાર ફાઇનલ મૅચ હારી છે.
સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ‘અમને અમારા હૉકી ચેમ્પિયન્સ પર ગર્વ છે. અમારી મેન્સ જુનિયર ટીમ જુનિયર એશિયા કપ ૨૦૨૪નું ટાઇટલ જીતી છે. ભારતીય હૉકી માટે આ ઐતિહાસિક ક્ષણ છે. તેમના અજોડ કૌશલ્ય, અતૂટ ધૈર્ય અને અવિશ્વસનીય ટીમવર્કે આ જીતને રમતના ભવ્ય ઇતિહાસમાં અંકિત કરી છે.’
ADVERTISEMENT
મેન્સ સિનિયર હૉકી ટીમનો ભૂતપૂર્વ સ્ટાર ગોલકીપર પી. આર. શ્રીજેશ ભારતીય જુનિયર હૉકી ટીમનો હેડ કોચ છે. ભારતીય ટીમ આ સીઝનમાં અજેય રહી હતી.