૬ મેડલ સાથે ભારતીય ટીમનું પૅરિસ આૅલિમ્પિક અભિયાન સમાપ્ત
ફાઇલ તસવીર
જુલાઈમાં જ્યારે પૅરિસ ઑલિમ્પિક્સની શરૂઆત થવાની હતી ત્યારે સૌને આશા હતી કે ભારતીય ખેલાડીઓ પર થયેલા કરોડોના ખર્ચ અને તેમને મળેલા પર્સનલ કોચને કારણે આ વખતે ડબલ ડિજિટમાં નંબર મળશે, પણ ટોક્યો ઑલિમ્પિક્સમાં ૭ મેડલ જીતનાર ભારત લંડન ૨૦૧૨ની જેમ માત્ર ૬ મેડલ જીતી શક્યું. વિનેશ ફોગાટના વિવાદ સહિત ૬ ભારતના ખેલાડીઓ તેમની રમતમાં ચોથા ક્રમે રહીને મેડલ ચૂક્યા હતા. જો આ ઘટનાઓ ન બની હોત તો ભારતના ખાતામાં આજે વધુ ૭ મેડલ હોત અને પૅરિસમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન રહ્યું હોત.
ભારત સરકારે અલગ-અલગ રમત પાછળ કુલ ૪૭૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો જેમાંથી આંકડા પ્રમાણે ભારત સરકારે સૌથી વધારે ઍથ્લેટિક્સની તૈયારી પાછળ ૯૬.૦૮ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા જેમાં ભારતને એક જ મેડલ મળ્યો છે. એ પણ ટોક્યો ઑલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો. ભારતે શૂટિંગની તૈયારી પાછળ ૬૦.૪૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા જેમાં ભારતને ૩ મેડલ મળ્યા હતા. ભારત માટે મનુ ભાકર, સરબજોત સિંહ અને સ્વપ્નિલ કુસાળેએ મળીને ૩ બ્રૉન્ઝ મેડલ અપાવ્યા હતા. આ સિવાય હૉકીમાં ૪૧.૨૯ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જેમાં પુરુષોની હૉકીમાં ભારતને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.
ADVERTISEMENT
ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતને બૅડ્મિન્ટન અને બૉક્સિંગમાં પણ મેડલ્સ મળ્યા હતા. આ વખતે ભારતે આ રમતો પાછળ સૌથી વધારે રૂપિયા ખર્ચ્યા હોવા છતાં બન્નેમાં ભારતને નિરાશા સાંપડી હતી. આ સિવાય તીરંદાજી અને ટેબલ ટેનિસમાં ભારતને મેડલની આશા હતી, પરંતુ ભારત આ ઇવેન્ટ્સમાં પણ એક પણ મેડલ જીતી શક્યું નહોતું. ૧૧૭ની ભારતીય ટીમ પાંચ બ્રૉન્ઝ અને એક સિલ્વર સાથે મેડલ ટેલીમાં ૭૧મા ક્રમે રહી હતી.૪૭૦ કરોડના ખર્ચના આધારે પૅરિસ ઑલિમ્પિક્સનો એક મેડલ ભારતને ૭૮.૩૩ કરોડમાં પડ્યો છે.
કઈ સ્પોર્ટ્સની તૈયારી પાછળ કેટલો ખર્ચ? |
|
ઍથ્લેટિક્સ |
૯૬.૦૮ કરોડ |
બૅડ્મિન્ટન |
૭૨.૦૨ કરોડ |
બૉક્સિંગ |
૬૦.૯૩ કરોડ |
શૂટિંગ |
૬૦.૪૨ કરોડ |
હૉકી |
૪૧.૨૯ કરોડ |
તીરંદાજી |
૩૯.૧૮ કરોડ |
રેસલિંગ |
૩૭.૮૦ કરોડ |
વેઇટલિફ્ટિંગ |
૨૬.૯૬ કરોડ |
ટેબલ ટેનિસ |
૧૨.૯૨ કરોડ |
જુડો |
૬.૩૦ કરોડ |
સ્વિમિંગ |
૩.૯ કરોડ |
રોવિંગ |
૩.૮૯ કરોડ |
સેઇલિંગ |
૩.૭૮ કરોડ |
ગૉલ્ફ |
૧.૭૪ કરોડ |
ટેનિસ |
૧.૬૭ કરોડ |
ઘોડેસવારી |
૯૫.૪૨ લાખ |
કીર્તિ આઝાદે રાજ્યોના બજેટ પર ઉઠાવ્યા સવાલ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને મેમ્બર ઑફ પાર્લમેન્ટ કીર્તિ આઝાદે કેન્દ્ર સરકાર દ્વારા સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે દેશનાં તમામ રાજ્યોને ફાળવેલી રકમની વિગતો જાહેર કરીને સવાલો ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે સૌથી વધારે ૪૩૮.૨૭ કરોડની ફાળવણી ઉત્તર પ્રદેશને કરી હતી, જ્યારે ૪૨૬.૧૩ કરોડ સાથે ગુજરાત બીજા ક્રમે છે. હરિયાણાને માત્ર ૬૬.૫૯ કરોડ ફાળવાયા છે. ઑલિમ્પિક્સમાં સૌથી વધારે ૨૪ ઍથ્લીટ હરિયાણામાંથી જ હતા, જ્યારે પંજાબના ૧૯ ખેલાડી હતા. પૅરિસમાં ભારતે વ્યક્તિગત સ્પર્ધામાં જીતેલા ચારમાંથી ત્રણ મેડલ તો હરિયાણાના ખેલાડીઓએ જીત્યા છે. રમતગમતમાં સારું પર્ફોર્મ કરતાં રાજ્યોને ખૂબ ઓછું બજેટ ફાળવાયું હોવાથી નવો વિવાદ શરૂ થયો છે.