Olympics News: આજે શૂટિંગમાં વધુ એક મેડલની આશા, હૉકી, બૉક્સિંગ અને તીરંદાજીમાં ભારત માટે ગુડ ન્યુઝ અને વધુ સમાચાર
શ્રીજા અકુલા
બર્થ-ડે ગર્લ શ્રીજા અકુલાએ ગઈ કાલે સિંગાપોરની ખેલાડીને ટેબલ ટેનિસની રાઉન્ડ ઑફ ૩૨ મૅચમાં હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલ (રાઉન્ડ ઑફ ૧૬)માં એન્ટ્રી મારી હતી. ૨૬ વર્ષની શ્રીજાએ પહેલી ગેમમાં હાર બાદ શાનદાર કમબૅક કર્યું હતું. ગયા મહિને પોતાની કરીઅરની સર્વશ્રેષ્ઠ ૨૪મી વર્લ્ડ રૅન્કિંગ પ્રાપ્ત કરનાર શ્રીજા મનિકાને પછાડીને ભારતની ટોચની મહિલા ખેલાડી બની હતી.
આજે શૂટિંગમાં વધુ એક મેડલની આશા: પુણેનો સ્વપ્નિલ કુસાળે પુરુષોની ૫૦ મીટર રાઇફલ ૩-પોઝિશનની ફાઇનલમાં
ADVERTISEMENT
પુણેનો શૂટર સ્વપ્નિલ કુસાળે ૨૦૧૨થી ઇન્ટરનૅશનલ ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યો છે, પણ ૧૨ વર્ષ બાદ પૅરિસમાં તેનું ઑલિમ્પિક્સ ડેબ્યુનું સ્વપ્ન પૂરું થયું છે. ગઈ કાલે તેણે પુરુષોની ૫૦ મીટર રાઇફલ ૩-પોઝિશનની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ૫૯૦નો સ્કોર કર્યો અને સાતમું સ્થાન મેળવ્યું. આજે બપોરે એક વાગ્યાથી તે મેડલ માટે મેદાનમાં ઊતરશે. આ ઇવેન્ટમાં શૂટર્સે ત્રણ પોઝિશન પર રહીને શૂટિંગ કરવાનું હોય છે. આમાં ખેલાડીએ બેસીને, સૂઈને અને ઊભા રહીને ટાર્ગેટ શૂટ કરવાનો હોય છે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આદર્શ માનનાર ૨૯ વર્ષનો સ્વપ્નિલ ૨૦૧૫થી સેન્ટ્રલ રેલવેમાં કામ કરે છે.
હૉકી, બૉક્સિંગ અને તીરંદાજીમાં ભારત માટે ગુડ ન્યુઝ
તીરંદાજ દીપિકા કુમારી
બૉક્સર લોવલિના બોર્ગોહેન
તીરંદાજ દીપિકા કુમારીએ સતત બે મૅચ જીતીને પૅરિસ ઑલિમ્પિક્સની મહિલાઓની વ્યક્તિગત ઇવેન્ટની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટોક્યો ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેન (૭૫ કિલોગ્રામ)એ પણ બૉક્સિંગ ઇવેન્ટમાં ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બેલ્જિયમ અને ઑસ્ટ્રેલિયા સામેની ગ્રુપ-સ્ટેજની મૅચ પહેલાં જ ભારતીય હૉકી ટીમ પણ ક્વૉર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગઈ છે.
લક્ષ્ય સેન અને પી. વી. સિંધુ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં
લક્ષ્ય સેન અને પી. વી. સિંધુ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચતાં પહેલાં ઍક્શનમાં
ભારતીય બૅડ્મિન્ટન સ્ટાર્સ લક્ષ્ય સેન અને પી. વી. સિંધુએ પૅરિસ ઑલિમ્પિક્સમાં શાનદાર અંદાજમાં પોતપોતાની મૅચ જીતીને સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુએ ઍસ્ટોનિયાની ખેલાડીને એકતરફી મૅચમાં ૩૩ મિનિટમાં હરાવી હતી. લક્ષ્ય સેને વિશ્વના ચોથા નંબરના ખેલાડી ઇન્ડોનેશિયાના જૉનાથન ક્રિસ્ટીને સીધી ગેમમાં હરાવ્યો હતો. બન્નેની નજર ગોલ્ડ મેડલ પર છે, પણ લક્ષ્ય સેન પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સાથી ખેલાડી એચ. એસ. પ્રણયનો સામનો કરે એવી શક્યતા છે જે છેલ્લી ગ્રુપ મૅચમાં વિયેતનામના ખેલાડી સામે રમશે. પી.વી. સિંધુએ ટોક્યો ઑલિમ્પિક્સમાં ચીનની હી બિંગજિયાઓને હરાવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો, પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં તેની ટક્કર એ જ ખેલાડી સામે થશે.
મનિકા બત્રા હારી ગઈ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં
ભારતની મનિકા બત્રા ગઈ કાલે જપાનની મિયુ હિરાનો સામે ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ૧-૪થી હારી ગઈ હતી. જપાનની ખેલાડી સામે ૪૭ મિનિટ સુધી ચાલેલી આ મૅચમાં મનિકા બત્રાને ૧૧-૬, ૧૧-૯, ૧૨-૧૪, ૧૧-૮, ૧૧-૬થી હારનો સામનો કરવો પડ્યો હતો.

