૪૦૦૦થી વધુ ખેલાડીઓ સાથે હવે પૅરિસમાં રમાશે દિવ્યાંગજનોની પૅરા-આૅલિમ્પિક્સ
રંગારંગ ક્લોઝિંગ સેરેમની
૮૧,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતા વિશાળ સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં રંગારંગ ક્લોઝિંગ સેરેમની સાથે દુનિયાના સૌથી મોટા ખેલમહાકુંભનો રોમાંચ સમાપ્ત થયો હતો. સેન નદી પર લગભગ ચાર કલાક સુધી ચાલેલી ઓપનિંગ સેરેમનીની જેમ ક્લોઝિંગ સેરેમની પણ મંત્રમુગ્ધ કરનારી હતી. હૉલીવુડના ઍક્ટર ટૉમ ક્રૂઝ સહિત અન્ય ઘણા સ્ટાર્સની હાજરીએ એને વધુ જીવંત બનાવી હતી.
ADVERTISEMENT
પૅરિસમાં સ્કાયડાઇવિંગ કરી રહેલો ટૉમ ક્રૂઝ
ટૉમ ક્રૂઝે ‘મિશન ઇમ્પૉસિબલ’ના થીમ-સૉન્ગ સાથે મેદાનમાં એરિયલ એન્ટ્રી મારી હતી. લૉસ ઍન્જલસના મેયરને જ્યારે ઑલિમ્પિક્સનો ધ્વજ સોંપવામાં આવ્યો ત્યારે અમેરિકાનું રાષ્ટ્રગીત પણ સ્ટેડિયમમાં ગૂંજ્યું હતું. ટૉમ ક્રૂઝ આ ધ્વજને લઈને પૅરિસની શેરીઓમાં બાઇકસવારી કરીને ફિલ્મી-સ્ટાઇલમાં લૉસ ઍન્જલસ જવા માટે તૈયાર કાર્ગો પ્લેનમાં પહોંચ્યો હતો. ત્યાર બાદ પહેલાંથી શૂટ કરવામાં આવેલાં લૉસ ઍન્જલસનાં દૃશ્યો આખી દુનિયાને જોવા મળ્યાં હતાં જેમાં ટૉમ ક્રૂઝ સ્કાયડાઇવિંગ કરીને અમેરિકાની ધરતી પર પહોંચે છે, જ્યાં ૨૦૨૮ના ઑલિમ્પિક્સની તૈયારી અને ઉજવણી હમણાંથી જ શરૂ થઈ ગઈ હતી.
ગર્વ સે કહો હમ હિન્દુસ્તાની: પૅરિસ ઑલિમ્પિક્સના સમાપન સમારોહમાં ભારતનાં ફ્લૅગબેરર્સ હતાં હૉકી ટીમનો ગોલકીપર પી. આર. શ્રીજેશ અને શૂટર મનુ ભાકર
ક્લોઝિંગ સેરેમનીમાં ભારત તરફથી શ્રીજેશ અને મનુ ભાકર રાષ્ટ્રધ્વજ સાથે ભારતીય ટીમનું નેતૃત્વ કરતાં જોવા મળ્યાં હતાં. હવે પૅરિસમાં ૪૦૦૦થી વધુ દિવ્યાંગ ખેલાડીઓ સાથે ૨૮ ઑગસ્ટથી પૅરા-ઑલિમ્પિક્સની શરૂઆત થશે. બાવીસ રમતોનો આ મહાકુંભ ૮ સપ્ટેમ્બર સુધી ચાલશે.