ઑલિમ્પિક્સમાં પણ કોઈ નથી અપાવી શક્યું જુડોનો મેડલ
કપિલ પરમાર
મધ્ય પ્રદેશના ૨૪ વર્ષના કપિલ પરમારે ગઈ કાલે પૅરા-જુડો ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઑલિમ્પિક્સ કે પૅરાલિમ્પિક્સ જુડોમાં ભારતનો આ પહેલો મેડલ છે. ૬૦ કિલોગ્રામ J1 કૅટેગરીમાં બ્રાઝિલના ખેલાડીને રેકૉર્ડ ૧૦-૦થી હરાવીને તેણે આ મેડલ જીત્યો છે. તેણે લગભગ ૩૩ સેકન્ડમાં મૅચ પર પ્રભુત્વ મેળવી લીધું હતું. જે ખેલાડીઓ જોઈ નથી શકતા અથવા ઓછી દૃષ્ટિ ધરાવે છે તેઓ પૅરા-જુડોમાં J1 કૅટેગરીમાં ભાગ લે છે.
કપિલ પરમારને બાળપણમાં વૉટર પમ્પને અડકવાથી વીજળીનો કરંટ લાગ્યો હતો. આ પછી તે લગભગ છ મહિના કોમામાં રહ્યો હતો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેની આંખોની રોશની ઘણી ઓછી થઈ ગઈ હતી. તે એકદમ નબળો પણ બની ગયો હતો. આ પછી તેનાં માતા-પિતાએ તેને રમવાની સલાહ આપી. આ સમય દરમ્યાન કોચ ભગવાન દાસની મદદથી તે બ્લાઇન્ડ જુડોમાં આગળ વધ્યો. કપિલ ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો છે. તેના પિતા ટેક્સી-ડ્રાઇવર છે અને માતા મજૂર તરીકે કામ કરે છે, જ્યારે એક ભાઈ ચાની દુકાન પર કામ કરતો હોવાથી ઘરનો ખર્ચ ચાલે છે.
ADVERTISEMENT
પૅરાલિમ્પિક્સમાં પચીસ મેડલ જીતવાનો ટાર્ગેટ પૂરો થયો
કપિલ પરમારના જુડોના બ્રૉન્ઝ મેડલ સાથે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં કુલ પચીસ મેડલ થયા છે. આ સમાચાર જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે ભારતે પાંચ ગોલ્ડ, નવ સિલ્વર અને ૧૧ બ્રૉન્ઝ સહિત કુલ પચીસ મેડલ જીત્યા છે. મેડલટૅલીમાં ૧૪મા ક્રમે પહોંચેલી ભારતીય ટીમ આગામી સમયમાં વધુ મેડલ જીતી શકે છે. પૅરિસમાં ભારતીય પૅરાલિમ્પિક્સ ટીમનું આ ઐતિહાસિક પ્રદર્શન છે.