Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > News In Short : અફઘાનિસ્તાન સાથેનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ નહીં કરે ક્લુઝનર

News In Short : અફઘાનિસ્તાન સાથેનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ નહીં કરે ક્લુઝનર

01 December, 2021 06:41 PM IST | Mumbai
Agency

ભારતમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી ટી૨૦ શ્રેણી અફઘાને ૨-૧થી જીતી લીધી હતી. એ પહેલાં, અફઘાનની ટીમે આયરલૅન્ડને બે સિરીઝમાં પરાજિત કર્યું હતું.

અફઘાનિસ્તાન સાથેનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ નહીં કરે ક્લુઝનર

અફઘાનિસ્તાન સાથેનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ નહીં કરે ક્લુઝનર


સાઉથ આફ્રિકાના શ્રેષ્ઠ ઑલરાઉન્ડરોમાં ગણાતા લાન્સ ક્લુઝનરે સપ્ટેમ્બર ૨૦૧૯માં અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને કોચિંગ આપવા માટે બે વર્ષનો જે કૉન્ટ્રૅક્ટ કર્યો હતો એ આગામી ૩૧ ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે અને ક્લુઝનર આ કરાર લંબાવશે નહીં. તેના કોચિંગમાં અફઘાનિસ્તાન ત્રણમાંથી એક ટેસ્ટ, છમાંથી ત્રણ વન-ડે અને ૧૪માંથી ૯ ટી૨૦ જીત્યું હતું. ભારતમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી ટી૨૦ શ્રેણી અફઘાને ૨-૧થી જીતી લીધી હતી. એ પહેલાં, અફઘાનની ટીમે આયરલૅન્ડને બે સિરીઝમાં પરાજિત કર્યું હતું.

હૉકી વર્લ્ડ કપની ક્વૉર્ટરમાં આજે ભારત વિરુદ્ધ બેલ્જિયમ



ઓડિશા રાજ્યના ભુવનશ્વરમાં આજે પુરુષોની જુનિયર હૉકી વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતનો મુકાબલો બેલ્જિયમની બળૂકી ટીમ સાથે થશે. વિવેક સાગર પ્રસાદના સુકાન હેઠળની ભારતીય ટીમની છાપ આક્રમક ખેલાડીઓ તરીકેની છે, જ્યારે બેલ્જિયમની ટીમ યુરોપની ટોચની ટીમોમાંની એક છે. ૨૦૧૬ના વર્લ્ડ કપમાં ભારતે હરેન્દ્ર સિંહના સુકાનમાં બેલ્જિયમને ફાઇનલમાં ૨-૧થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. પાકિસ્તાન આ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયું છે. બીજી ક્વૉર્ટર ફાઇનલ જર્મની-સ્પેન, નેધરલૅન્ડ્સ-આર્જેન્ટિના અને ફ્રાન્સ-મલેશિયા વચ્ચે રમાશે.


પાકિસ્તાન જીત્યું, શાકિબ બીજી ટેસ્ટમાં રમશે

પાકિસ્તાને ગઈ કાલે ચટગાંવમાં યજમાન બંગલા દેશને પ્રથમ ટેસ્ટમાં ૮ વિકેટે હરાવીને બે મૅચની સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી હતી. ૨૦૨નો લક્ષ્યાંક પાકિસ્તાને બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. ઓપનર આબિદ અલી ૯૧ રન પર અને સાથી ઓપનર અબદુલ્લા શફીક ૭૩ રને આઉટ થયો હતો. બન્ને વચ્ચે ૧૫૧ રનની ભાગીદારી થઈ હતી. હવે ચોથી ડિસેમ્બરથી રમાનારી બીજી ટેસ્ટથી બંગલા દેશનો ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન રમશે. તેણે ઈજાને લીધે છેલ્લી કેટલીક મૅચો ગુમાવી હતી.

થૅન્ક યુ બીસીસીઆઇઃ સાઉથ આફ્રિકા બોર્ડ

ઑમિક્રૉનના ભય છતાં ભારતીય ટીમ આવશે એ જાણીને યજમાનોએ કહ્યું, ‘અમે તમારા ખેલાડીઓને સલામત બાયો-બબલ પૂરું પાડીશું’

ભારતીય ક્રિકેટરો ૩ ડિસેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડ સામેની અંતિમ ટેસ્ટ પૂરી થયા પછી વિરાટ કોહલીના સુકાનમાં ખેલાડીઓ ૮મી કે ૯મી ડિસેમ્બરે ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી શરૂ કરીને જોહનિસબર્ગ પહોંચશે. સાઉથ આફ્રિકામાં ઑમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાતાં ભારતનો આ પ્રવાસ મુલતવી રહે એવી શક્યતા ચર્ચામાં છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને સ્પષ્ટ કહી દીધું છે કે ખેલાડીઓને સાઉથ આફ્રિકા મોકલતાં પહેલાં બોર્ડે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે.
જોકે બીસીસીઆઇના ખજાનચી અરુણ ધુમાલે ગઈ કાલે કહ્યું હતું કે સાઉથ આફ્રિકામાં પરિસ્થિતિ વધુ નહીં વણશે તો આ પ્રવાસ નિર્ધારિત સમયપત્રક મુજબ થશે.
જોહનિસબર્ગમાં પહેલી ટેસ્ટ ૧૭ ડિસેમ્બરે શરૂ થશે.
ઘણા દેશો માટે સાઉથ આફ્રિકા અત્યારે ‘ઍટ રિસ્ક’ના લિસ્ટમાં છે.
સલામતી સાથે કોઈ બાંધછોડ નહીં
બીસીસીઆઇના ખજાનચી ધુમાલે પી.ટી.આઇ.ને કહ્યું હતું કે ‘સાઉથ આફ્રિકા કોરોનાના નવા વેરિઅન્ટનો સામનો કરી રહ્યું છે એટલે અમને એના પ્રત્યે સહાનુભૂતિ છે, પરંતુ એક વાત નક્કી છે કે અમે ખેલાડીઓની સલામતી અને સ્વાસ્થ્ય બાબતે કોઈ બાંધછોડ નહીં કરીએ.’
સાઉથ આફ્રિકાની ખાતરી
સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે ગઈ કાલે ભારતને ખાતરી આપતાં કહ્યું કે ‘ભારતીય ટીમ અમારે ત્યાં આવશે ત્યારથી માંડીને તેમની ટૂરના અંત સુધી અમે તેમને પૂર્ણ સ્તરનું સલામત બાયો-બબલ પૂરું પાડીશું. નવા વેરિઅન્ટને લીધે વિશ્વભરનું અમારા દેશ સાથેનું વલણ બદલાયું છે, પરંતુ તમે તમારી ઇન્ડિયા ‘એ’ ટીમની ટૂર હજી પણ ચાલુ રાખી છે એ બદલ અમે તમારો આભાર માનવાની સાથે તમારા આ પગલાને વખાણીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2021 06:41 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK