Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ૨૦૩૬ની ઑલિમ્પિક્સ માટે ગુજરાતમાં અત્યારથી જ તૈયાર થઈ રહ્યા છે મેડલવીર

૨૦૩૬ની ઑલિમ્પિક્સ માટે ગુજરાતમાં અત્યારથી જ તૈયાર થઈ રહ્યા છે મેડલવીર

02 September, 2024 07:30 AM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

‘મિડ-ડે’એ સાપુતારા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સની મુલાકાત લઈને આ અભિયાન કઈ રીતે ચાલી રહ્યું છે એ જોયું 

સાપુતારા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સ અને એમાં આવેલાં રમતનાં મેદાનો

સાપુતારા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સ અને એમાં આવેલાં રમતનાં મેદાનો


ભારતમાં ૨૦૩૬માં ઑલિમ્પિક ગેમ્સ રમાડવાની ખેવના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાખી રહ્યા છે ત્યારે સ્પોર્ટ્‍‍સ ઑથો‌રિટી ઑફ ગુજરાતે એને ધ્યાનમાં રાખીને ૧૨ વર્ષ અગાઉથી જ ટકોરા મારીને ખેલાડીઓની પરખ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ૨૭ જેટલાં સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સમાં સ્કૂલકક્ષાએથી જ બાળકોને પોતાના છત્ર હેઠળ લઈને સરકાર તેમને મેડલ જીતવા માટે સજ્જ કરી રહી છે. ‘મિડ-ડે’એ સાપુતારા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સની મુલાકાત લઈને આ અભિયાન કઈ રીતે ચાલી રહ્યું છે એ જોયું 


દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના લીખવડ ગામમાં રહેતી નાનકડી હેતલ દડવીની ઇચ્છા છે કે તેને ઑલિમ્પિક ગેમ્સમાં તીરંદાજીની રમત રમવા જવું છે. તેના પિતા ખેતીકામ કરે છે એટલે સ્વાભાવિક રીતે પ્રશ્ન એ ઊઠે કે ગામડામાં રહેતી આ નાની દીકરી હેતલની ઑલિમ્પિક્સમાં રમવા જવાની ઇચ્છા કેવી રીતે પૂરી થઈ શકે? તેને તીરંદાજીની પ્રૅક્ટિસ કોણ કરાવશે? પ્રૅક્ટિસ કરવા જાય તો અભ્યાસ ક્યારે કરશે? ગામડાની દીકરીને ઑલિમ્પિક્સ લેવલની તૈયારી કોણ કરાવશે? તેની ડાયટનું શું? આવા તો ઘણા પ્રશ્નો મનમાં ઊઠે એ સ્વાભાવિક છે, પણ આશ્ચર્ય સાથે આનંદની વાત એ છે કે આ નાનકડી હેતલ તેનું સપનું પૂરું કરવા માટે હાલમાં ડાંગના સાપુતારામાં કુદરતના ખોળે નિષ્ણાત કોચિસના માર્ગદર્શનમાં સ્પોર્ટ્‍‍સ ઑથોરિટી ઑફ ગુજરાતના સાપુતારા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સમાં તાલીમ મેળવી રહી છે અને એ પણ એકેય રૂપિયાના ખર્ચ વગર. એમાં પણ તેને માટે રહેવાની, ડાયટની, સ્કૂલ જવા સહિતની તમામ સુવિધાઓ પણ ખરી. હવે તે નિશ્ચિંત થઈને દરરોજ મન લગાવીને ધૈર્ય સાથે તીરંદાજીની પ્રૅક્ટિસ કરી રહી છે. આ માત્ર હેતલની જ વાત નથી; હેતલની સાથે આયુષી, આરાધ્યા, ખુશી, વૈશાલી અને આયુષ પણ તીરંદાજીની પ્રૅક્ટિસ નિષ્ણાત કોચના માર્ગદર્શનમાં આત્મવિશ્વાસ સાથે કરી રહ્યાં છે.



નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન


પૅરિસમાં હમણાં જ ઑલિમ્પિક ગેમ્સનું સમાપન થયું અને હવે પૅરિસમાં જ પૅરાલિમ્પિક્સ શરૂ થઈ છે ત્યારે ચારે બાજુ ઑલિમ્પિક્સનો માહોલ છવાયો છે. બીજી તરફ આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખેવના છે કે ૨૦૩૬ના વર્ષની ઑલિમ્પિક ગેમ્સ ભારતમાં યોજાય અને એ માટેના પ્રયત્નો તેમણે શરૂ કર્યા છે અને તૈયારીઓ પણ આદરી છે. નરેન્દ્ર મોદીની આ તૈયારીઓના ભાગરૂપે ગુજરાત સરકારે ૨૦૩૬ની ઑલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને ઉત્તમ ખેલાડીઓ તૈયાર કરવા માટે ૧૨ વર્ષ અગાઉથી જ ટકોરા મારીને ખેલાડીઓની પરખ કરવાની કવાયત શરૂ કરી દીધી છે અને રાજ્યભરમાં ખેલાડીઓને પ્રૅક્ટિસ પણ કરાવવામાં આવી રહી છે.


સાપુતારાના મેદાનમાં ઍથ્લેટિક્સની પ્રૅક્ટિસ કરતા ખેલાડીઓ

ગુજરાતમાં જ્યાં ભવિષ્યના મેડલિસ્ટોને તાલીમ અપાઈ રહી છે એમાં સાપુતારા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સનો પણ સમાવેશ છે. ‘મિડ-ડે’એ આ કૉમ્પ્લેક્સની મુલાકાત લીધી ત્યારે ત્યાં તાલીમ લઈ રહેલા ખેલાડીઓ વિશે ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી અલકેશ પટેલ કહે છે, ‘અમારે ત્યાં તીરંદાજી, હૉકી, ઍથ્લેટિક્સ સહિતની રમત માટેનાં ઉચ્ચ કક્ષાનાં મેદાનો છે. હાલમાં અહીં ૮૪ ખેલાડીઓ રહે છે અને હૉકી, તીરંદાજી તેમ જ ઍથ્લેટિક્સની રમતમાં તાલીમ મેળવી રહ્યા છે. આ ખેલાડીઓ પૈકી હાલમાં ૨૮ બાળકો એવાં છે જેમને ૨૦૩૬માં રમાનારી ઑલિમ્પિક્સ ગેમ્સને ધ્યાનમાં રાખીને તાલીમ અપાઈ રહી છે. ગુજરાતના ખેલાડીઓ આ ઑલિમ્પિક્સમાં ભાગ લઈને દેશ માટે મેડલ જીતે એ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હૉકી, સ્વિમિંગ, આર્ચરી, ઍથ્લેટિક જેવી રમતોમાં આ બાળકોને વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અહીંના તમામ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે નિષ્ણાત કોચ છે. અહીં પ્રૅક્ટિસ કરીને ખેલાડીઓ રાજ્ય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જુદી-જુદી રમતોમાં મેડલ જીતી આવ્યા છે. ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતો મુરલી ગાવિત આ બિલ્ડિંગમાં રહીને તાલીમ લઈને ઇન્ટરનૅશનલ લેવલે દોડની સ્પર્ધામાં મેડલ જીત્યો છે. ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી સરિતા ગાયકવાડ ડાંગની છે અને તે ઇન્ટરનૅશનલ લેવલે મેડલ જીતી છે.’

સાપુતારા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સના ખેલાડીઓને કઈ સુવિધા અપાય છે એ વિશે વાત કરતાં અલકેશ પટેલ કહે છે, ‘વિવિધ રમતમાં તૈયાર થઈ રહેલાં ૪૦ છોકરાઓ અને ૪૪ છોકરીઓ સાપુતારામાં રહીને જ રમતની તાલીમ મેળવી રહ્યાં છે. અહીં બૉય્‍ઝ અને ગર્લ્સ માટે અલગ હૉસ્ટેલ છે. તેમને માટે સાપુતારાની જુદી-જુદી શાળામાં અભ્યાસની સુવિધા કરવામાં આવી છે. તેમને સ્કૂલમાંથી લાવવા-લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. નિષ્ણાત કોચ દ્વારા વૈજ્ઞાનિક રીતે અહીં તૈયાર કરાયેલાં ઇન્ટરનૅશનલ કક્ષાનાં મેદાનોમાં રમતની તાલીમ અપાઈ રહી છે. એ ઉપરાંત ફિઝિયો, ન્યુટ્રિશનિસ્ટ અને યોગ-એક્સપર્ટ સહિતનો સ્ટાફ તેમને માટે રખાયો છે જેથી તેઓ રમતમાં નિપુણ બને.’

સાપુતારામાં ઇન્ડોર મેદાનમાં તીરંદાજીની પ્રૅક્ટિસ કરતાં બાળકો

સ્પોર્ટ્‍‍સ ઑથોરિટી ઑફ ગુજરાતના ડિરેક્ટર જનરલ આર. એસ. નિનામા આ આખી પ્રક્રિયા વિશે ‘મિડ-ડે’ને કહે છે, ‘આ વર્ષે અમે ટેસ્ટ લઈને ૨૦૦૦ બાળકોને સિલેક્ટ કર્યાં છે. આ બાળકો ૯ અને ૧૧ વર્ષનાં છે એમાંથી અમે બેસ્ટ પર્ફોર્મરને આઇડેન્ટિફાય કરીશું. ૬ મહિના પછી નક્કી થશે કે આ બાળક કઈ ગેમમાં ફિટ બેસે છે. આ બાળકોને ગુજરાતની વિવિધ ૪૦ સ્કૂલોમાં અભ્યાસ કરાવી રહ્યા છીએ. આ સ્કૂલોમાં જુદી-જુદી રમતના કોચ છે જેઓ તેમને ૬ મહિના સુધી રમતા જોશે. આ બાળકો એક મહિનો એક રમતના કોચ પાસે, બીજા મહિને બીજી રમતના કોચ પાસે એમ કબડ્ડી, ખોખો, વૉલીબૉલ, બાસ્કેટબૉલ સહિતની રમતોમાં તેઓ રમે અને પછી કોચ નક્કી કરશે કે આ ખેલાડી આ રમતમાં ચાલશે. એ નક્કી થઈ ગયા પછી એ ખેલાડીનો પર્ફોર્મન્સ જોવામાં આવશે. બહુ એક્સલન્ટ અને એક્સ્ટ્રાઑર્ડિનરી પર્ફોર્મન્સ હશે તો એવા ખેલાડીઓને ગુજરાતના ૧૦ જિલ્લાઓની સ્પોર્ટ્‍‍સ ઍકૅડેમીમાં શિફ્ટ કરવામાં આવશે અને ત્યાં તેમને એક્સપર્ટના કોચિંગ સાથે તાલીમ અપાશે. ૨૦૩૬માં જ્યારે ઑલિમ્પિક્સ રમાશે ત્યારે આ બાળકો ૨૧ વર્ષથી મોટાં હશે એટલે તેમના પર્ફોર્મન્સનો પીક પિરિયડ હશે. આ રીતે આખું સ્પોર્ટ્‍‍સનું કલ્ચર ડેવલપ થાય અને વાતાવરણ સ્પોર્ટ્‍‍સમય બને એવું આયોજન છે.’

સાપુતારા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સમાં હૉકીની પ્રૅક્ટિસ કરતા ખેલાડીઓ

સ્પોર્ટ્‍‍સ ઑથોરિટી ઑફ ગુજરાતે જે ખેલાડીઓને પસંદ કર્યા છે તેમના વાલીઓ પર ખર્ચનો બોજ પડશે નહીં એ વિશે વાત કરતાં આર. એસ.  નિનામા કહે છે, ‘હાલમાં ગુજરાતમાં અમદાવાદ સહિત ૧૦ જિલ્લાઓમાં આવેલાં સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સમાં ૭૦૦થી વધુ ખેલાડીઓને જુદી-જુદી ૨૧ રમતોમાં સાયન્ટિફિકલી તાલીમ આપી રહ્યા છીએ. ખેલાડી એક ખેલાડી પાછળ ડાયટ, રેસિડેન્સ, હૉસ્ટેલ, સ્કૂલ-ફી, શૂઝ, ટ્રૅક-સૂટ, યુનિફૉર્મ, કોચિંગ સહિતનો ખર્ચ અંદાજે ૧,૭૦,૦૦૦ રૂપિયા જેટલો થાય છે. સ્પોર્ટ્‍‍સ ઑથોરિટી ઑફ ગુજરાત જે બાળકને સિલેક્ટ કરે તેના અભ્યાસથી લઈને તાલીમ સહિતનો ખર્ચ સંસ્થા ઉઠાવે છે એટલે વાલીઓને એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી.’

મારે ઑલિમ્પિક ગેમ્સ રમવી છે : હેતલ દડવી

સાપુતારા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સના ઇન્ડોર મેદાનમાં તીરંદાજીની પ્રૅક્ટિસ કરી રહેલી ૧૩ વર્ષની હેતલ દડવી ‘મિડ-ડે’ને કહે છે, ‘તીરંદાજીની રમત મને ગમે છે. મને એમાં રસ છે એટલે હું તીરંદાજી શીખવા માટે અહીં આવી છું. અહીં અભ્યાસ કરવાની સાથે અમને દરરોજ અમારા કોચ તીરંદાજીની પ્રૅક્ટિસ કરાવે છે. કેવી રીતે નિશાન તાકવાનું, તમે જ્યારે નિશાન તાકો છો ત્યારે તમારી હાથની અને ઊભા રહેવાની પોઝિશન કેવી રીતે રાખવી, નિશાન તાક્યા પછી કેવી રીતે પોઝિશનમાં રહેવું એના સહિતની બાબતોનું માર્ગદર્શન કોચ આપે છે. આ રમત મને સારી લાગે છે અને મારે નૅશનલ ગેમ્સમાં રમીને તીરંદાજીની રમતમાં મારું લક્ષ્ય ઑલિમ્પિક ગેમ્સ રમવા જવાનું અને મેડલ જીતવાનું છે.’

મારે હૉકીમાં આગળ વધવું છેઃ  આયુષ વાઢુ

સાપુતારામાં આવેલા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સના હૉકીના ઍસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડમાં એકસાથે કેટલાંય છોકરા-છોકરી પ્રૅક્ટિસ કરી રહ્યાં હતાં. મેદાનમાં એક સાઇડમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો આયુષ વાઢુ તેમ જ ૧૪ વર્ષનો ગવળી મયંક અને ભાવસાર વશી હાથમાં હૉકી-સ્ટિક લઈને ડિફેન્સની પ્રૅક્ટિસ કરી રહ્યા હતા. આહવા તાલુકાના વિહીર આંબા ગામે રહેતા આયુષ વાઢુએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘હું બધાને હૉકી રમતાં જોતો એટલે મને પણ હૉકીની રમતમાં રસ પડ્યો. અહીં આવ્યે મને બહુ સમય થયો નથી, પરંતુ મને હૉકીની રમત ગમે છે અને એમાં મારે આગળ વધવું છે. અમને બધાને કોચ શીખવાડે છે એ પ્રમાણે હું હૉકીની રમત શીખી રહ્યો છું.’ 

આ સ્થળોએ છે સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સ જ્યાં જુદી-જુદી રમતની અપાય છે તાલીમ

ભાવનગર સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સમાં સ્વિમિંગ, ટેબલ ટેનિસ, બાસ્કેટબૉલ, ઍથ્લેટિક્સ, જુડો અને લોન ટેનિસની તાલીમ અપાય છે.

હિંમતનગર સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સ ખાતે આર્ચરી, ઍથ્લેટિક્સ, ફેન્સિંગ, ખો ખો અને સ્વિમિંગની તાલીમ અપાય છે.

ડાંગ (સાપુતારા) સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સ ખાતે આર્ચરી, ઍથ્લેટિક્સ અને હૉકીની તાલીમ અપાય છે.

દેવગઢ બારિયા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સ ખાતે આર્ચરી, ઍથ્લેટિક્સ, જુડો, કુસ્તી, હૉકી અને સ્વિમિંગની તાલીમ અપાય છે.

પાટણ સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સમાં ઍથ્લેટિક્સ અને વૉલીબૉલની તાલીમ અપાય છે.

નડિયાદ સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સમાં આર્ચરી, ઍથ્લેટિક્સ, તાએ ક્વાન ડો, વૉલીબૉલ, કુસ્તી અને જુડોની તાલીમ અપાય છે.

અમદાવાદ સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સમાં ફુટબૉલ અને બૉક્સિંગની તાલીમ અપાય છે.

વડોદરા સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સમાં શૂટિંગ અને હૉકીની તાલીમ અપાય છે.

રાજપીપળા ખાતે જિમ્નૅસ્ટિક્સની તાલીમ અપાય છે.

મહેસાણા ખાતે જિમ્નૅસ્ટિક્સની તાલીમ અપાય છે.

ગાંધીનગરમાં હૅન્ડબૉલની તાલીમ અપાય છે.

આ ઉપરાંત મોડાસા, સુરેન્દ્રનગર, કચ્છ અને નવસારીમાં પણ વિવિધ રમતની તાલીમ અપાય છે.

ગુજરાતમાં બીજાં ૩૫ નવાં સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સ બનશે

ગુજરાતમાં સ્પોર્ટ્‍‍સ ઑથોરિટી ઑફ ગુજરાતમાં હાલમાં જિલ્લા કક્ષાનાં ૨૪ અને તાલુકા કક્ષાનાં ૩ મળીને કુલ ૨૭ સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સ છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાનાં બીજાં ૧૩ અને તાલુકા કક્ષાનાં ૨૨ મળીને બીજાં કુલ ૩૫ નવાં સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સ બનશે.

સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સ અને હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં કોચ દ્વારા વૉલીબૉલ, ઍથ્લેટિક્સ, સ્વિમિંગ, આર્ચરી, રેસલિંગ, કબડ્ડી, જુડો, બાસ્કેટબૉલ, ટેબલ-ટેનિસ, બૅડ્મિન્ટન, ફુટબૉલ, હૉકી, ખોખો સહિતની રમતોની તાલીમ અપાય છે.

આ ઉપરાંત ખેલાડીઓ માટે સ્પોર્ટ્‍‍સ કૉમ્પ્લેક્સમાં સાયકોલૉજી રૂમ, સ્ટીમ સૉના રૂમ, હાઈ પર્ફોર્મન્સ જિમ, જકૂઝી, ઇન્ડોર-આઉટડોર સ્પોર્ટ્‍‍સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 07:30 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK