ઑલિમ્પિકનો રમતોત્સવ રવિવારે જાહોજલાલી સાથે પૂરો થયો અને સૌ ઍથ્લીટ્સ પોતપોતાના ઘરે જવા નીકળ્યા છે.
લાઇફમસાલા
મનુ ભાકર અને નીરજ ચોપડા
પૅરિસ ઑલિમ્પિક 2024 અનેક વિક્રમો અને ‘ઇતિહાસમાં પહેલી વાર’ માટે યાદગાર રહી એવી જ રીતે વિનેશ ફોગાટ જેવા મુદ્દા માટે વિવાદમાં પણ રહી છે. ઑલિમ્પિકનો રમતોત્સવ રવિવારે જાહોજલાલી સાથે પૂરો થયો અને સૌ ઍથ્લીટ્સ પોતપોતાના ઘરે જવા નીકળ્યા છે ત્યારે ભારતને સળંગ ૩ કાંસ્ય ચંદ્રક અપાવનારી શૂટર મનુ ભાકર અને જૅવલિન થ્રોમાં રજત ચંદ્રક મેળવનાર ઍથ્લીટ નીરજ ચોપડાની મુલાકાતને કારણે સોશ્યલ મીડિયામાં મંગળગીતો ગવાઈ રહ્યાં છે. બન્યું છે એવું કે ઑલિમ્પિક વિલેજમાં મનુ અને નીરજ વાત કરતાં કૅમેરાની આંખે ચડી ગયાં. ઓછામાં પૂરું, મનુનાં મમ્મી સુમેધા ભાકર પણ નીરજ ચોપડા સાથે વાતોએ વળગ્યાં હતાં. આ તસવીરો વાઇરલ થતાંની સાથે જ નેટિઝન્સે શરણાઈ વગાડવાનું શરૂ કરી દીધું છે. એટલે કે બન્ને ઍથ્લીટનાં લગ્ન નક્કી થઈ ગયાં હોવાની ચર્ચાએ એટલું જોર પકડ્યું કે મનુના પપ્પા રામ કિશન ભાકરે સ્પષ્ટતા કરવી પડી કે ‘મનુ હજી બહુ નાની છે. અમે હજી સુધી તેનાં લગ્ન વિશે વિચાર્યું પણ નથી.’ સુમેધા ભાકર અને નીરજ વચ્ચેની વાતચીતનો પણ ફોડ પાડતાં તેમણે કહ્યું કે ‘મનુની મમ્મી નીરજને દીકરા જેવો ગણે છે. બન્ને રમત વિશે જ વાત કરતાં હશે.’ આ બાજુ નીરજ ચોપડાના કાકાએ પણ ચોખવટ કરવી પડી કે ‘નીરજ મેડલ લઈને આવ્યો, એ જે રીતે આખા દેશને ખબર પડી એ જ રીતે તેનાં લગ્નની પણ ખબર પડશે.’