મંગળવારે જુડોમાં એલ. સુશીલા દેવી અને વિજયકુમાર અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ જીત્યાં હતાં.

તુલિકા માન
ભારતની તુલિકા જુડોની ફાઇનલમાં: મેડલ પાકો
ચાર વખત નૅશનલ ચૅમ્પિયન બનેલી ભારતની તુલિકા માન નામની બાવીસ વર્ષીય જુડોકા ગઈ કાલે કૉમનવેલ્થ ગેમ્સમાં વીમેન્સ ૭૮ કિલો વર્ગની ફાઇનલમાં પહોંચી જતાં તેણે મેડલ પાકો કર્યો હતો. તેણે સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડની સિડની ઍન્ડ્રયુઝને હરાવી દીધી હતી. મંગળવારે જુડોમાં એલ. સુશીલા દેવી અને વિજયકુમાર અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ જીત્યાં હતાં.
બૉક્સર નીતુ, હુસામુદ્દીને મેડલ પાકા કર્યા
કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે બૉક્સિંગમાં ૨૧ વર્ષની નીતુ ગંઘાસ અને ૨૮ વર્ષનો નિઝામાબાદનો હુસામુદ્દીન મોહમ્મદ પોતપોતાના વર્ગની સેમી ફાઇનલમાં પહોંચી જતાં તેમણે ભારત માટે મેડલ પાકો કરી આપ્યો હતો. ૪૮ કિલો વર્ગમાં નીતુએ ક્વૉર્ટરમાં નૉર્ધર્ન આયરલૅન્ડની નિકૉલ ક્લાઇડને હરાવી હતી. ૫૭ કિલો કૅટેગરીમાં હુસામુદ્દીને નામિબિયાના ટ્રાયઅગેઇન મૉર્નિંગને ૪-૧થી હરાવ્યો હતો.
મહિલા ફુટબૉલ મૅચની ૬૫,૦૦૦ ટિકિટ તરત વેચાઈ
આગામી ઑક્ટોબરે લંડનના વેમ્બ્લી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ અને અમેરિકાની મહિલા ફુટબૉલરો વચ્ચે જે મૅચ રમાવાની છે એની ટિકિટો ખરીદવામાં લોકોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો છે. એ મૅચની ૬૫,૦૦૦ ટિકિટ ફક્ત ૨૪ કલાકની અંદર વેચાઈ હતી. પબ્લિક ડિમાન્ડનો અતિરેક થતાં ટિકિટિંગ વેબસાઇટ થોડા સમય સુધી ક્રેશ થઈ હતી. ઇંગ્લૅન્ડની મહિલા ફુટબૉલરો યુરોપિયન ચૅમ્પિયન અને અમેરિકાની મહિલાઓ વર્લ્ડ ચૅમ્પિયન છે.
ભારત મહિલા હૉકીમાં કૅનેડાને હરાવી સેમીમાં
કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે ભારતીય મહિલા ટીમ હૉકીમાં કૅનેડાને ૩-૨થી હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ગોલકીપર સવિતાના નેતૃત્વવાળા ભારત વતી સલીમા ટેટે (૩જી મિનિટમાં), નવનીત કૌર (૨૨) અને લાલરેમસિયામી (૫૧)એ ગોલ કર્યો હતો. આ જીત સાથે ભારત હૉકીમાં મેડલ જીતવાની તૈયારીમાં છે એમ કહી જ શકાય. ગઈ કાલે સાંજે ઑસ્ટ્રેલિયા ૪૨ ગોલ્ડ સહિત કુલ ૧૦૬ મેડલ સાથે મોખરે હતું. ભારત પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર, ચાર બ્રૉન્ઝ સહિત કુલ ૯ મેડલ સાથે છઠ્ઠા નંબર પર હતું.