૨૦૧૦નું ચૅમ્પિયન સ્પેન આઉટ : મૉરોક્કો ક્વૉર્ટરમાં પહોંચનારો ચોથો આફ્રિકન દેશ

મંગળવારે પેનલ્ટી શૂટઆઉટમાં સ્પૅનિશ ખેલાડીઓની ત્રણેય કિકમાં બૉલ રોકનાર ગોલકીપર યાસીન બોનોઉને સાથી ખેલાડીઓએ જીત્યા બાદ ઊંચકી લીધો હતો.
૨૦૨૨માં બાવીસમા ફિફા વર્લ્ડ કપમાં અનેક અપસેટ થયા છે અને એમાંનો વધુ એક મંગળવારે થયો હતો, જેમાં વર્લ્ડ નંબર-સેવન અને ૨૦૧૦ની સાલના ચૅમ્પિયન સ્પેને બાવીસમા રૅન્કના મોરોક્કો સામેના પરાજયને પગલે વહેલી વિદાય લેવી પડી હતી. પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલામાં સ્પેન અને મોરોક્કો ૦-૦થી બરાબરીમાં રહ્યા પછી પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોએ ૩-૦થી વિજય મેળવતાં સ્પેનની ટીમ વર્લ્ડ કપની બહાર ફેંકાઈ ગઈ હતી. એક તરફ યુરોપના સ્પેનમાં સન્નાટો છવાઈ ગયો હતો ત્યાં બીજી બાજુ આફ્રિકન દેશ મોરોક્કોમાં જોરદાર સેલિબ્રેશન શરૂ થઈ ગયું હતું.
મોરોક્કો વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનારો ચોથો આફ્રિકન દેશ બન્યો છે. એની આ બીજી જ વર્લ્ડ કપ નૉકઆઉટ મૅચ હતી અને એમાં એણે સ્પેનને આંચકો આપ્યો.
૨૦૨૬ના વર્લ્ડ કપમાં ૩૨ને બદલે ૪૮ ટીમ
કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં ૩૨ ટીમો ક્વૉલિફાય થઈને રમવા આવી છે, પરંતુ હવે પછી ૨૦૨૬માં અમેરિકા, કૅનેડા, મેક્સિકોમાં સંયુક્ત રીતે જે વિશ્વકપ રમાશે એમાં સૌથી વધુ એટલે કે ૪૮ ટીમ ભાગ લેશે. પરિણામે અત્યાર સુધી ક્વૉલિફાય ન થઈ શકેલા ઘણા નાના દેશોને પોતપોતાના ખંડમાંથી ક્વૉલિફાય થઈને વર્લ્ડ કપ સુધી પહોંચવાનો મોકો મળશે.