વર્લ્ડ નંબર-વન બ્રાઝિલે પ્રી-ક્વૉર્ટરમાં સાઉથ કોરિયાને ૪-૧થી હરાવ્યુંઃ ક્રોએશિયાનો પેનલ્ટી શૂટઆઉટમાં જપાન સામે ૩-૧થી વિજય

સોમવારે વર્લ્ડ કપમાં સાઉથ કોરિયા સામેની મૅચમાં પહેલો ગોલ કર્યા પછી નેમારે (જમણે) ડાન્સ કરવાનું શરૂ કર્યું અને સાથીઓ તેની સાથે જોડાયા હતા. બ્રાઝિલના પ્લેયર્સ આ વિશ્વકપ માટે ડાન્સનાં કુલ ૧૦ સ્ટેપ્સ શીખીને કતાર આવ્યા છે.
સૌથી વધુ પાંચ વખત ફિફા વર્લ્ડ કપ જીતી ચૂકેલા બ્રાઝિલે સોમવારે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સાઉથ કોરિયાને ૪-૧થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. એ પહેલાં, જાયન્ટ-કિલર તરીકે જાણીતા જપાનને ૨૦૧૮ના ગયા વિશ્વકપના રનર-અપ ક્રોએશિયાએ ૧-૧ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૧થી પરાજિત કરીને લાસ્ટ-એઇટમાં સ્થાન મેળવ્યું હતું. યોગાનુયોગ, સોમવારના બન્ને વિજેતા બ્રાઝિલ અને ક્રોએશિયા હવે શુક્રવાર, ૯ ડિસેમ્બરે સ્પર્ધાની પહેલી ક્વૉર્ટર ફાઇનલમાં ટકરાશે.
૪૫ મિનિટ સુધી બ્રાઝિલ સર્વોત્તમ
સોમવારની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં બ્રાઝિલે શરૂઆતથી છેક સુધી સાઉથ કોરિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું, પરંતુ ખાસ કરીને ફર્સ્ટ-હાફની પૂરી ૪૫ મિનિટ દરમ્યાન બ્રાઝિલના ખેલાડીઓએ જ વર્ચસ જમાવ્યું અને જે રીતે પર્ફોર્મ કર્યું એ અપ્રતિમ હતું અને આ વખતના વર્લ્ડ કપમાં ફર્સ્ટ-હાફમાં ક્યારેય કોઈ ટીમે હરીફ સામે આ રીતે હાવી નહોતું થયું. બ્રાઝિલે મૅચમાં જે ચાર ગોલ કર્યા એ ચારેય પહેલી ૪૫ મિનિટમાં જ કર્યા હતા. પગની ઘૂંટીની ગંભીર ઈજામાંથી મુક્ત થઈને પાછા રમવા આવેલા નેમાર જુનિયરે ૭મી મિનિટે સુંદર પાસિંગમાં વિનિસિયસ જુનિયરને મૅચનો પ્રથમ ગોલ કરવા માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો.
વિનિસિયસના એ ગોલથી બ્રાઝિલને ૧-૦થી સરસાઈ મળી હતી. ત્યાર બાદ ખુદ નેમારે ૧૩મી મિનિટમાં પેનલ્ટીમાં ગોલ કર્યો હતો, ૨૯મી મિનિટે રિચર્લિસને કૅપ્ટન ટિએગો સિલ્વાના પાસિંગની મદદથી ટીમને ત્રીજો ગોલ અપાવ્યો હતો અને ૩૬મી મિનિટે લુકાસ પાકેટાએ ટીમની સરસાઈને ૪-૦ ઉપર પહોંચાડી હતી. સેકન્ડ-હાફમાં ફરી બ્રાઝિલનું વર્ચસ શરૂ થયું હતું. માત્ર થોડી મિનિટ માટે કોરિયન ટીમે થોડી આક્રમકતા દેખાડી હતી, જેમાં ૭૬મી મિનિટે પાઇક સેઉન્ગ-હોએ તક ઝડપીને ગોલ કર્યો હતો.
જાયન્ટ-કિલર જપાન આઉટ
આ વખતના વર્લ્ડ કપમાં જર્મની અને સ્પેન જેવી મોટી ટીમોને આંચકો આપનાર જપાન સોમવારે જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવાની તૈયારીમાં જ હતું, પરંતુ ક્રોએશિયાએ ફુલ ટાઇમની ૧-૧ની બરાબરી પછી પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૧થી વિજય મેળવ્યો હતો અને જપાનની યાદગાર સફર પૂરી થઈ હતી.
ગોલકીપરે કરી રેકૉર્ડની બરાબરી
શૂટઆઉટમાં ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવાકોવિચે જપાનના તાકુમી, મિતોમા અને કૅપ્ટન યોશિદાની કિકમાં બૉલ સેવ કરી લીધો હતો અને એકમાત્ર તાકુમા જ ગોલ કરી શક્યો હતો. ડોમિનિક વિશ્વનો એવો ત્રીજો ગોલકીપર છે જેણે વર્લ્ડ કપમાં એક મૅચના પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગોલ થતા રોક્યા છે. ત્રણ સેવનો આ રેકૉર્ર્ડ પોર્ટુગલના રિકાર્ડોના નામે (વર્ષ ૨૦૦૬) અને પોર્ટુગલના જ ડૅનિયેલ સુબાસિચ (વર્ષ ૨૦૧૮)ના નામે છે.
76
નેમારના બ્રાઝિલ વતી આટલા ગોલ થયા છે. તે પોતાના દેશના લેજન્ડ પેલેના ૭૭ ગોલથી એક જ ડગલું દૂર છે.
નેમાર
ખરું કહું તો આ મૅચમાં રમવા આવતા હું ડરતો હતો. પગની ઈજા બાદ આખી રાત હું રડ્યો હતો. જોકે ફિઝિયોથેરપીને લીધે હું ફરી દોડતો થયો અને અમે કોરિયાને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચીને રહ્યા.
બ્રાઝિલ સામે સેમીમાં કોણ આવી શકે?
શુક્રવારે જો ક્રોએશિયા સામે બ્રાઝિલ ક્વૉર્ટર ફાઇનલ જીતી જશે તો ૧૩ ડિસેમ્બરની સેમી ફાઇનલમાં એની ટક્કર આર્જેન્ટિના અથવા નેધરલૅન્ડ્સ સામે થશે.