Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કતારની વસ્તી ૨૬ લાખ, ફિફા વર્લ્ડ કપ જોવા આવશે ૧૩ લાખ વિદેશીઓ

કતારની વસ્તી ૨૬ લાખ, ફિફા વર્લ્ડ કપ જોવા આવશે ૧૩ લાખ વિદેશીઓ

22 September, 2022 02:32 PM IST | Doha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પણ વ્યક્તિ વિદેશથી આલ્કોહૉલ નહીં લાવી શકે : ખેલાડીઓને અને અપરિણીત ફૅન્સને આરબ દેશ કતારમાં સેક્સની મનાઈ

ફિફા વર્લ્ડ કપમાં રમવા આવનાર ખેલાડીઓ અને તેમની પાર્ટનર્સ બનાના આઇલૅન્ડમાં આ સ્થળે રહેશે.

FIFA World Cup

ફિફા વર્લ્ડ કપમાં રમવા આવનાર ખેલાડીઓ અને તેમની પાર્ટનર્સ બનાના આઇલૅન્ડમાં આ સ્થળે રહેશે.


આરબ દેશમાં પહેલી જ વાર ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ યોજાવાનો છે અને એના યજમાન દેશ કતારમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલુ છે. ૩૨ દેશો વચ્ચેની સૉકરની આ સૌથી મોટી સ્પર્ધાને માંડ ૫૮ દિવસ બાકી છે ત્યારે આયોજનને લગતી કેટલીક બાબતો પ્રકાશમાં આવી છે. રણપ્રદેશ માટે જાણીતા કતારને આ સર્વોચ્ચ સ્પર્ધા યોજવાનું આમંત્રણ ૧૨ વર્ષ પહેલાં અપાયું હતું અને એણે ત્યારથી જ યોજનાઓ બનાવવાનું શરૂ કરી દીધું હતું. કતારમાં પાંચ લેનના કેટલાક હાઇવે તો બનાવાયા જ છે, ૩૬ અબજ ડૉલરના ખર્ચે મેટ્રો સિસ્ટમ પણ ઊભી કરવામાં આવી છે.

કતારની વસ્તી લગભગ ૨૬ લાખ છે અને એનાથી અડધા ભાગના એટલે કે ૧૪ લાખ જેટલા લોકો વિદેશોમાંથી કતારમાં વર્લ્ડ કપ જોવા આવશે. વર્લ્ડ કપની મૅચો જે સાત સ્ટેડિયમમાં યોજાવાની છે એમાંનાં કેટલાંક સ્ટેડિયમની બહાર માઇલો સુધી એકેય હોટેલ, દુકાન કે કૅફે નથી. ઈએસપીએનના અહેવાલ મુજબ દરેક સ્ટેડિયમમાં સૉકરપ્રેમીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. એમાં ફૅન ઝોન, ફૂડ-સ્ટૉલ્સ અને ફન ઍરિયાઝ હશે કે જેથી પ્રેક્ષકોને કોઈ પણ ચીજની અછત ન નડે.



જોકે ચાર અઠવાડિયાં સુધી ચાલનારા વર્લ્ડ કપ માટે બહારના દેશોમાંથી ૧૩ લાખ જેટલા લોકો આવવાના હોવાની સંભાવના છે, પરંતુ કતારમાં એ બધા માટે રહેવાની પૂરતી વ્યવસ્થા ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સામાન્ય રીતે ઑલિમ્પિક્સ અને ફિફા વર્લ્ડ કપ દરમ્યાન પ્લેયર્સ વિલેજમાં ખેલાડીઓને અગાઉથી કૉન્ડોમ વહેંચવામાં આવતા હોય છે અને એ પાછળનો આયોજકોનો હેતુ એચઆઇવી જેવી ગંભીર બીમારી વિશે જાગૃતિ લાવવાનો હોય છે. જોકે કતારમાં ખેલાડીઓ કે ફુટબૉલપ્રેમીઓ માટે ન તો એવી કોઈ વ્યવસ્થા રહેશે અને ન કોઈ પણ નિયમમાં છૂટ મુકાશે. ખેલાડીઓ અને અપરિણીત ફૅન્સને કતારમાં સેક્સ કરવાની મનાઈ રહેશે.


બિઅરનો ગ્લાસ ૧૩૦૦ રૂપિયાનો

વર્લ્ડ કપ માટે કતારમાં આવનાર કોઈને પણ કતારની બહારથી આલ્કોહૉલ લાવવાની છૂટ નહીં મળે. માત્ર સ્ટેડિયમમાં અને અમુક હોટેલના સ્પોર્ટ્સ બાર તથા પબમાં ઉપલબ્ધ થનારું આલ્કોહૉલ જ ખરીદી શકાશે. એક પિન્ટ બિઅર (બિઅરનો મોટો ગ્લાસ)નો ભાવ ૧૨થી ૧૪ પાઉન્ડ (૧૧૦૦થી ૧૩૦૦ રૂપિયા) રહેશે. કોઈ પણ વ્યક્તિને માત્ર મૅચ પહેલાં અને મૅચ પછી જ આલ્કોહૉલ મળી શકશે. મૅચ દરમ્યાન ન તો તેમને એ વેચાતું મળશે અને ન તેઓ પોતાની પાસેના આલ્કોહૉલનું મૅચ દરમ્યાન સેવન કરી શકશે. ખાસ બાબત એ છે કે વિદેશથી આવનારા કોઈ પણ વ્યક્તિને પોતાની સાથે આલ્કોહૉલ લાવવા નહીં દેવાય. જાહેરમાં આલ્કોહૉલનું સેવન કરનારને જેલની સજા થશે અથવા તેણે ૮૦૦ ડૉલરનો દંડ ભરવો પડશે. દરેક સ્ટેડિયમના સ્ટૅન્ડ્સમાં ઍર કન્ડિશન્સની મદદથી અનુકૂળ તાપમાન જાળવવામાં આવશે.


એકેએક વ્યક્તિ પર નજર

કતારની સરકારે નાસા-સ્ટાઇલનું કન્ટ્રોલ સેન્ટર ઊભું કર્યું છે, જેના દ્વારા સ્ટેડિયમના ખૂણેખૂણામાં કોણ શું કરી રહ્યું છે એ ઍસ્પાયર ઝોનમાંનો સ્ટાફ મૉનિટર પર જોઈ શકશે. આ પાછળનો હેતુ કોઈ પણ વ્યક્તિને ભાંગફોડની કોઈ પ્રવૃ‌િત્ત કે ફિક્સિંગ-હૅકિંગની પ્રવૃ‌િત્ત કરતી ટાળવાનો છે.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2022 02:32 PM IST | Doha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK