Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સતત બીજી શાનદાર જીત સાથે ઇટલી ક્વૉર્ટર ફાઇનલમાં

સતત બીજી શાનદાર જીત સાથે ઇટલી ક્વૉર્ટર ફાઇનલમાં

18 June, 2021 03:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુરો કપમાં બુધવારે રાત્રે સ્વિટ્ઝરલૅન્ડને ૩-૦થી આપી મહાત, પહેલી મૅચમાં ટર્કીને પણ એટલા જ માર્જિનથી હરાવી હતી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ઇટલીએ એનું ફોર્મ જાળવી રાખતાં બુધવારે રાત્રે સ્વિટ્ઝરલૅન્ડને ૩-૦થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કરનાર એ પહેલી ટીમ બની ગઈ હતી. ઇટલીએ તેની ટર્કી સામેની પહેલી મૅચમાં પણ આવા જ શાનદાર પર્ફોર્મન્સ સાથે ૩-૦થી જીત મેળવી હતી. 

ટુર્નામેન્ટની શરૂઆતમાં ઇટલીને ચૅમ્પિયન બનવા માટે ફેવરિટ નહોતું ગણવામાં આવતું, પણ તેણે બે શાનદાર જીત સાથે બધાને વિચારતા કરી દીધા છે. 



ઇટલી વતી આ મૅચમાં મૅન્યુઅલ લોકૅતેલ્લીએ ૨૬ અને બાવનમી મિનિટે બે ગોલ કર્યા હતા, જ્યારે ત્રીજો ગોલ પહેલી મૅચના હીરો કિરો ઇમ્મોબીલે ૮૯મી મિનિટે કર્યો હતો. લોકૅતેલ્લીએ તેની ઇન્ટરનૅશનલ કરીઅરમાં પહેલી વાર એક મૅચમાં બે ગોલ કરવામાં સફળ થયો હતો. 
આ પહેલાં મૅચની ૧૯મી મિનિટે ઇટલીના કૅપ્ટન જ્યોર્જિયો ચૈલિનીએ એક શાનદાર ગોલ કર્યો હતો, પણ ત્યાર બાદ રિપ્લેમાં જોયા બાદ તેને હૅન્ડબૉલ ગણાવીને રદ કરી નાખવામાં આવ્યો હતો. 


આ જીત સાથે ઇટલીએ સ્વિટ્ઝરલૅન્ડ પર તેમનો દબદબો જાળવી રાખ્યો હતો. બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી ૫૮ મૅચ‍ રમાઈ છે જેમાંથી ઇટલીએ ૨૯મા જીત મેળવી છે અને સ્વિટ્ઝરલૅન્ડ સાત જ જીત મેળવી શક્યું છે. ૨૨ ટક્કર ડ્રો રહી છે. યુરો કપમાં બન્ને વચ્ચે આ સાતમી ટક્કર હતી જેમાં ઇટલીએ ચોથી મૅચ મેળવી હતી અને ત્રણ ડ્રો રહી છે. આમ યુરો કપમાં સ્વિટ્ઝરલૅન્ડ ક્યારેય ઇટલીને હરાવી શક્યું નથી. 
ઇટલીની લગાતાર આ છઠ્ઠી જીતી હતી. જ્યારે સ્વિટ્ઝરલૅન્ડ છેલ્લી સાત મૅચમાં પહેલી વાર હાર્યું છે. 

ટર્કીને હરાવી વેલ્સે જીતનું ખાતું ખોલ્યું 
બુધવારે રાત્રે ગ્રુપ ‘એ’ની એક મૅચમાં વેલ્સે ટર્કી સામે ૨-૦થી શાનદાર જીત મેળવી હતી. વેલ્સ અને સ્વિટ્ઝરલૅન્ડ સામેની પ્રથમ મૅચ ૧-૧થી ડ્રો રહી હતી. પહેલી મૅચમાં ઇટલી સામે હારનાર ટર્કીની આ સતત બીજી હાર હતી. વેલ્સ વતી પહેલા હાફમાં ૪૨મી મિનિટે ઍરોન રામોસે અને બીજા હાફમાં ઇન્જરી ટાઇમમાં ડિફેન્ડર કૉનોર રૉબટ્સે ગોલ કર્યા હતા. રૅમસે આ સાથે લગાતાર બે યુરો કપમાં ગોલ કરનાર વેલ્સનો પહેલો ખેલાડી બની ગયો હતો. વેલ્સની આ જીત વધુ શાનદાર હોત પણ કૅપ્ટન બેલે એક પૅનલ્ટીથી ગોલ કરવાનો આસાન મોકો ગુમાવી દીધો હતો. બીજા હાફમાં ૬૦મી મિનિટે વેલ્સને પૅનલ્ટી મળી હતી, જે કૅપ્ટન બેલે પોતે લેવાનું નક્કી કર્યું હતું, પણ ચૂકી ગયો હતો. 


યુરો કપમાં વેલ્સની આ સીઝનની પહેલી અને ઓવરઑલ પાંચમી જીત હતી. વેલ્સ યુરો કપમાં અત્યાર સુધી આઠ મૅચ રમ્યું છે જેમાંથી પાંચમા જીત, બેમા હાર અને એક મૅચ ડ્રો રહી હતી. 

વેલ્સ હવે રવિવારે તેની ફાઇનલ 
ગ્રુપ મૅચ ઇન ફોર્મ ઇટલી સામે રમશે, જ્યારે ટર્કી મસ્ટ વિન મૅચમાં સ્વિટ્ઝરલૅન્ડ સામે ટકરાશે.  

એરિકસનને બેલ્જિયમનું ટ્રિબ્યુટ
ડેન્માર્કનો ક્રિસ્ટિયાનો એરિકસન પહેલી મૅચમાં મૅચ દરમ્યાન હાર્ટ અટૅકને કારણે મેદાનમાં ઢળી પડ્યો હતો. ઍરિકસનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હવે તેની તબિયત સારી છે. ગઈ કાલે રાત્રે ડેન્માર્ક તેની બીજી મૅચ રમવા બેલ્જિયમ સામે મેદાનમાં ઊતર્યું હતું. બેલ્જિયમ ટીમે એરિકસનને ટ્રિબ્યુટ આપતાં મૅચની ૧૦મી મિનિટે બૉલને મેદાનની બહાર મોકલી આપ્યો હતો. ૧૦મી મિનિટે એટલા માટે કે એરિકસન ૧૦ નંબરની જર્સી પહેરે છે. બેલ્જિયમના સ્ટાર ખેલાડી રોમેલુ લુકાકુએ પણ પહેલી મૅચમાં રશિયા સામે કરેલા ગોલને એરિકસનને અર્પણ કર્યો હતો. ગોલ બાદ લુકાકુ જોર-જોરથી ‘ક્રિસ, ક્રિસ, આઇ લવ યુ’ પણ બોલ્યો હતો. લુકાકુ અને એરિક્સન વર્ષોથી ઇન્ટર મિલાન ક્લબમાં સાથે રમે છે. 

પોગ્બાએ રોનાલ્ડોવાળી કરી તો ભાવ વધી ગયા
મંગળવારે રોનાલ્ડોએ એક પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન ટેબલ પર મૂકેલી કોકા કોલાની બૉટલ હટાવીને લોકોને પાણી પીવાની સલાહ આપતાં કોકા કોલા કંપનીના માર્કેટ વૅલ્યુમાં ૨૯.૩૪ હજાર કરોડનું ગાબડું પડી ગયું હતું. જોકે એના બીજા દિવસે ફ્રાન્સના સ્ટાર ફુટબૉલર પૉલ પોગ્બાની એવી જ હરકત સ્પોન્સર કંપનીને લાભ કરાવી ગઈ હતી. એક પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન પોગ્બાએ ટેબલ સામે સ્પોન્સર કંપનીએ મૂકેલી હેનિકેન કંપનીની નૉન-આલ્કોહોલિક બિયરની બૉટલને હટાવી દીધી હતી. કોકા કોલાની બૉટલો પણ ટેબલ પર હતી, પણ પોગ્બાએ એને હાથ નહોતો લગાવ્યો. પોગ્બાની હરકત બાદ હેનિકેન કંપનીના શૅર ઘટવાને બદલે ૧.૭ ટકા વધી ગયા હતા. સ્પોન્સર કંપનીઓએ રોનાલ્ડો અને પોગ્બાની હરકટને બન્ને ખેલાડીઓની પર્સનલ પસંદગી ગણાવી હતી અને કહ્યું હતું કે અમે તેનું સન્માન કરીએ છીએ.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2021 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK