ચાર વખતની ચૅમ્પિયન ટીમ જર્મની સામે ૨-૧થી જોરદાર જીત નોંધાવીને એક્વડૉરે સૌથી મોટો અપસેટ સર્જ્યો, એક્વડૉરના રાષ્ટ્રપતિએ દેશમાં રાષ્ટ્રીય રજા જાહેર કરી દીધી
ગોલની ઉજવણી કરતા એક્વડૉરના ફુટબૉલર્સ.
માત્ર ૪ વખત ફુટબૉલ વર્લ્ડ કપમાં રમનાર એક્વડૉરે ૪ વખતની ચૅમ્પિયન ટીમ જર્મનીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચમાં જર્મની સામે ૨-૧ની જીત સાથે ગ્રુપ Eમાં એક્વડૉરની ટીમ ત્રીજા સ્થાને રહી અને શ્રેષ્ઠ ત્રીજા સ્થાને રહેલી ટીમોમાંની એક તરીકે નૉકઆઉટ સ્ટેજમાં ક્વૉલિફાય કર્યું છે.
એક્વડૉરના રાષ્ટ્રપતિ ડૅનિયલ નોબોઆએ ટીમની આ ઐતિહાસિક જીત બાદ ૨૬ જૂનને રાષ્ટ્રીય રજા જાહેર કરી દીધી હતી. એક્વડૉરે અગાઉ ૨૦૦૬માં નૉકઆઉટ રાઉન્ડ સુધી પહોંચ્યું હતું. ગ્રુપ Eમાં જર્મની બે જીત અને એક હાર સાથે પહેલા ક્રમે છે. કુરાકાઓ ટીમને ૨-૦થી હરાવીને આઇવરી કોસ્ટની ટીમ આ ગ્રુપમાં બીજા ક્રમે રહીને નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે.
ફુટબૉલ વર્લ્ડ કપમાં હમણાં સુધીની સૌથી વધુ ભીડ અને ગોલ નોંધાયા
ફુટબૉલ વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ હાજરી અને ગોલવાળી આવૃત્તિ બની છે. વૈશ્વિક ફુટબૉલની સંચાલક સંસ્થા ફિફાએ બે અઠવાડિયાની રમત દરમ્યાન રેકૉર્ડ ૩૬, ૦૫, ૩૫૭ લોકોની હાજરીની જાહેરાત કરી છે. અમેરિકામાં ૧૯૯૪માં રમાયેલા વર્લ્ડ કપ દરમ્યાન નોંધાયેલા બે અઠવાડિયાના કુલ ૩૫, ૮૭, ૫૩૮ દર્શકોનો રેકૉર્ડ આખરે તૂટ્યો છે.
સૌથી વધુ ૪૮ ટીમો વચ્ચેના આ ફુટબૉલ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૧૭૭ ગોલ નોંધાયા છે. આ વર્લ્ડ કપમાં ૨.૯૫ની ઍવરેજથી ગોલ થઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૨ના વર્લ્ડ કપમાં ૩૮ ટીમો વચ્ચે ૧૭૨ ગોલ જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
અન્ય મૅચોનાં રિઝલ્ટ શું આવ્યાં?
ગ્રુપ Dમાં ચોથા ક્રમના ટર્કીએ ટીમે બે હાર બાદ યજમાન અમેરિકાને ૩-૨થી હરાવીને પોતાના વર્લ્ડ કપ અભિયાનનો અંત કર્યો. અમેરિકા આ ગ્રુપમાં બે જીત અને એક સાથે પહેલા ક્રમે છે.
ગ્રુપ Dની જ ટીમ ઑસ્ટ્રેલિયા સામે ૦-૦થી ડ્રૉ મૅચ રમીને પૅરાગ્વે ત્રીજા સ્થાને રહ્યું હતું. ઑસ્ટ્રેલિયા બીજા ક્રમે રહીને આગળના રાઉન્ડ માટે ક્વૉલિફાય થઈ ચૂક્યું છે.
ગ્રુપ Fની ટીમ ટ્યુનિશિયા સામે ૩-૧ની જીત સાથે નેધરલૅન્ડ્સ પહેલા ક્રમે રહ્યું.
ગ્રુપ Fની ટીમો જપાન અને સ્વીડન વચ્ચે ૧-૧થી ડ્રૉ મૅચ રમાઈ હતી. આ ગ્રુપમાં જપાન બીજા ક્રમે અને સ્વીડન ત્રીજા ક્રમે રહ્યું.
