° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


હવે પૅરાલિમ્પિક્સનો ગોલ્ડ પણ જીતવો છે : ભાવિના પટેલ

08 August, 2022 02:59 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉમનવેલ્થના ઐતિહાસિક સુવર્ણથી બેહદ ખુશ ટેબલ ટેનિસ ખેલાડી ૨૦૨૪ના પૅરિસના રમતોત્સવની રાહ જુએ છે

ગોલ્ડ મેડલિસ્ટ ભાવિના પટેલ (ડાબે) અને બ્રૉન્ઝ મેડલવિજેતા સોનલ પટેલ. તસવીર પી.ટી.આઇ. Commonwealth Games

ગોલ્ડ મેડલિસ્ટ ભાવિના પટેલ (ડાબે) અને બ્રૉન્ઝ મેડલવિજેતા સોનલ પટેલ. તસવીર પી.ટી.આઇ.

મહેસાણા જિલ્લાના વડનગરમાં જન્મેલી ૩૫ વર્ષની ભાવિના પટેલે બર્મિંગહૅમની કૉમનવેલ્થ ગેમ્સમાં દિવ્યાંગ ખેલાડીઓ માટેની પૅરા ટેબલ ટેનિસની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે. તે ઑલિમ્પિક્સ પછીની સૌથી મોટી અને ૭૨ દેશો વચ્ચે રમાતી કૉમનવેલ્થ ગેમ્સની પૅરા ટેબલ ટેનિસમાં ચૅમ્પિયન બનેલી પ્રથમ ભારતીય છે. વિરમગામની ૩૪ વર્ષની સોનલ પટેલ આ જ સ્પર્ધામાં ત્રીજા નંબરે આવતાં બ્રૉન્ઝ જીતી છે.

વ્હીલચૅર-સ્થિત ભાવિના પટેલના પિતાનું નામ હસમુખભાઈ છે. ભાવિનાએ શનિવારે મોડી રાત્રે રમાયેલી ક્લાસ ૩-૫ વર્ગની ફાઇનલમાં નાઇજિરિયાની આઇફેચુકવુડ ક્રિસ્ટિયાના ઇક્પેયોગીને સ્ટ્રેઇટ ગેમ્સમાં ૩-૦થી (૧૨-૧૦, ૧૧-૨, ૧૧-૯થી) હરાવી હતી. ભાવિનાએ ગોલ્ડ મેડલ જીત્યા પછી કહ્યું કે ‘૨૦૨૧ની ટોક્યો પૅરાલિમ્પિક્સમાં હું સિલ્વર મેડલ જીતી હતી અને ત્યારે ગોલ્ડ ચૂકી ગઈ એનાથી બહુ નિરાશ થઈ હતી. અહીં કૉમનવેલ્થમાં ગોલ્ડ જીતી એનો મને બેહદ આનંદ છે, પરંતુ ૨૦૨૪માં પૅરિસમાં રમાનારી સમર ઑલિમ્પિક્સ પછીની પૅરાલિમ્પિક્સમાં હું ગોલ્ડ જીતીને ગયા વર્ષની અધૂરી ઇચ્છા જરૂર પૂરી કરીશ. એ સુવર્ણચંદ્રક માટે હું વધુ તાલીમ લઈશ અને ખૂબ પ્રૅક્ટિસ કરીશ.’

‘ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો નથી જડતા’ ભાવિનાએ શનિવારે કૉમનવેલ્થનો ઐતિહાસિક ગોલ્ડ જીત્યા પછી કહ્યું કે ‘મને આનંદની જે લાગણીઓ થઈ રહી છે એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એવી સ્થિતિમાં નથી. અહીં હું અને સોનલબહેન મેડલ જીત્યાં ત્યારે ભારતીય તિરંગો લહેરાતો જોઈને અને રાષ્ટ્રગીત સાંભળીને અમારો આનંદ સમાતો નહોતો.’

પતિ અને સમગ્ર પરિવારની આભારી

ભાવિના પટેલે પોતાના પરિવારનો અને ખાસ કરીને પતિનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાવિનાએ કહ્યું કે ‘આ ઇન્ડિવિજ્યુઅલ ગેમ હોવા છતાં આમાં ટીમવર્ક જરૂરી હોય છે, કારણ કે બધેથી સારો સપોર્ટ મળતો હોય તો શ્રેષ્ઠ ક્ષમતાથી રમવાનો જોશ અને આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય અને બેસ્ટ પર્ફોર્મ કરવાનું આસાન થઈ જાય. મારી ફૅમિલીએ મને સતત સપોર્ટ કર્યો છે. ખાસ કરીને મારા પેરન્ટ્સ અને મારા પતિનો મને આ રમતોત્સવમાં મેડલની મંઝિલ સુધી પહોંચવામાં પૂરો સાથ મળ્યો છે. ઘરમાં શેફ છે એટલે ઘરમાં મારા પર કોઈ બોજ નથી હોતો. એટલે જ હું પૂરતી પ્રૅક્ટિસ કરી શકું છું. મારા કોચ લાલન દોશી મને તાલીમ આપવાની બાબતને અગ્રતા આપતા હોય છે એટલે હું તેમની પણ આભારી છું.’
૨૦૧૭માં ભાવિના બીજિંગની એશિયન પૅરા ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

સોનલ પટેલ જીતી બ્રૉન્ઝ
સોનલ મનુભાઈ પટેલે કૉમનવેલ્થની વ્હીલચૅર ક્લાસ થ્રી પૅરા ટેબલ ટેનિસમાં ત્રીજા સ્થાન માટેની મૅચમાં ઇંગ્લૅન્ડની સ્યુ બેઇલીને ૩-૦થી (૧૧-૫, ૧૧-૨, ૧૧-૩થી) હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. સોનલ માત્ર ૬ મહિનાની હતી ત્યારે પોલિયોનો શિકાર બની હતી.

પતિ નિકુલ પટેલ ક્રિકેટ વર્લ્ડ કપ માટે શૉર્ટલિસ્ટ થયો હતો!
ભાવિના પટેલનો પતિ નિકુલ પટેલ ક્રિકેટર છે. ૨૦૦૨માં જ્યારે અન્ડર-19 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ શૉટલિસ્ટ થઈ હતી ત્યારે એમાં નિકુલ પટેલનું પણ નામ હતું. ત્યારની ભારતીય અન્ડર-19 ટીમમાં કૅપ્ટન પાર્થિવ પટેલ સાથે ઇરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની વગેરે જાણીતા ખેલાડીઓનો સમાવેશ હતો.
નિકુલ પટેલ રાજ્ય સ્તરનો ભૂતપૂર્વ ક્રિકેટર છે. કહેવાય છે કે ઓછી તક મળવાને કારણે અને ફૅમિલી બિઝનેસ સંભાળવાને કારણે તેણે ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું.

નરેન્દ્ર મોદીનાં અભિનંદન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉમનવેલ્થમાં પ્રતિષ્ઠિત ચંદ્રક જીતવા બદલ ભાવિના પટેલ અને સોનલ પટેલને અભિનંદન પાઠવ્યાં છે. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે તેમની આ સિદ્ધિ દેશના યુવા વર્ગને ટેબલ ટેનિસની રમતમાં આગળ વધવા જરૂર પ્રેરિત કરશે. મોદીએ સંદેશમાં કહ્યું કે ‘જ્યારે ટૅલન્ટ, ટેમ્પરામેન્ટ અને દૃઢતા ભેગાં થાય ત્યારે કંઈ જ અશક્ય નથી હોતું અને આ વિજેતા મહિલાઓએ આ ગુણ બતાવ્યા છે.’

08 August, 2022 02:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ગુજરાતના સ્વિમર આર્યન નહેરા એ સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીત્યો

રાજકોટ ખાતે ચાલી રહેલ 36મી નેશનલ ગેમ્સમાં આર્યન નેહરા એ ગુજરાતને સ્વિમિંગમાં સિલ્વર અપાવ્યો

06 October, 2022 08:21 IST | Gujarat | Partnered Content
અન્ય સ્પોર્ટ્સ

News In Short : સવિતા, શ્રીજેશ ફરી એફઆઇએચનાં બેસ્ટ ગોલકીપર

તેઓ સતત બીજી વાર આ પુરસ્કાર જીત્યાં છે. શ્રીજેશની કરીઅરનું ૧૬મું વર્ષ છે

06 October, 2022 11:46 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ભારત પહેલી વાર રમશે અન્ડર-૧૭ વિમેન્સ વર્લ્ડ કપ : ૧૧મીથી ભારતમાં આરંભ

૧૧ ઑક્ટોબરે ભારતની પ્રથમ મૅચ અમેરિકા સામે છે

06 October, 2022 11:38 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK