યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહે ફરી એક વાર કર્યો ચોંકાવનારો ખુલાસો...
યોગરાજ સિંહ, કપિલ દેવ
ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહ ફરી એક વાર વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમનો એક ઇન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેમણે પોતાના સાથી પ્લેયર કપિલ દેવ વિશે ચોંકાવનારાં નિવેદન આપ્યાં છે. ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને યુવરાજની કરીઅરને ખતમ કરવા માટે જવાબદાર માનતા યોગરાજ સિંહે આ ઇન્ટરવ્યુમાં ધોનીને ખૂબ જ પ્રેરક કૅપ્ટન ગણાવ્યો હતો.
૬૬ વર્ષના આ ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે કે ‘જ્યારે કપિલ દેવ નૉર્થ ઝોન અને ભારતનો કૅપ્ટન બન્યો ત્યારે તેણે મને કોઈ કારણ વગર ટીમમાંથી કાઢી મૂક્યો હતો. મારી પત્ની ઇચ્છતી હતી કે હું કપિલ પાસે એનું કારણ જાણું. મેં તેને કહ્યું કે હું આ માણસને પાઠ ભણાવીશ. મેં મારી પિસ્ટલ કાઢી અને સેક્ટર-નાઇનમાં કપિલના ઘરે ગયો. તે તેનાં મમ્મી સાથે બહાર આવ્યો. મેં તેને ખૂબ ગાળો આપી અને કહ્યું, તારા કારણે મેં એક મિત્ર ગુમાવ્યો છે. તે જે કર્યું છે એની કિંમત તારે ચૂકવવી પડશે. હું તારા માથામાં ગોળી મારવા માગું છું, પણ હું એવું નથી કરી રહ્યો, કારણ કે તારી મમ્મી, જે અહીં ઊભી છે. તેઓ ખૂબ જ સારી વ્યક્તિ છે. આ એ ઘટના હતી જ્યારે મેં નક્કી કર્યું કે હું ક્રિકેટ નહીં રમું, યુવી રમશે.’
ADVERTISEMENT
૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટને માગી હતી માફી?
૧૯૮૦-’૮૧માં ભારત માટે એક ટેસ્ટ-મૅચ અને ૬ વન-ડે મૅચ રમનાર યોગરાજ સિંહ આગળ કહે છે ‘૨૦૧૧માં જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે ફક્ત એક જ શખસ રડી રહ્યો હતો અને તે કપિલ દેવ હતો. મેં તેને પેપર-કટિંગ મોકલ્યું હતું કે મારા દીકરાએ વર્લ્ડ કપમાં તારા કરતાં સારું પ્રદર્શન કર્યું. કપિલે મારી માફી માગીને વૉટ્સઍપ પર મેસેજ મોકલ્યો કે આપણે આવતા જન્મમાં ભાઈઓ રહીશું. આવતા જન્મમાં આપણે એક જ માતાના પેટે જન્મીશું. તે મને મળવા માગતો હતો.’

