Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત અને બોલ્ટની ટક્કર માટે છું ઉત્સાહી : સેહવાગ

રોહિત અને બોલ્ટની ટક્કર માટે છું ઉત્સાહી : સેહવાગ

13 June, 2021 02:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન કહે છે કે બોલ્ટના શરૂઆતના પડકારને જો રોહિતે પાર કરી લીધો તો તેને મેદાન ગજવવાથી કોઈ નહીં રોકી શકે

વીરેન્દર સેહવાગ

વીરેન્દર સેહવાગ


આઇપીએલમાં ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સના બે સુપરસ્ટાર રોહિત શર્મા અને ટ્રેન્ટ બોલ્ટ ૧૮થી ૨૨ જૂન દરમ્યાન સામસામા ટકરાવાના છે. સધમ્પ્ટનમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રોહિતના બૅટની ધાર અને બોલ્ટના સ્વિંગ થતા બૉલ વચ્ચેની ટક્કર જોવા ભારતનો સૌથી આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન વીરેન્દર સેહવાગ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ બૅટ્સમૅનની વ્યાખ્યા બદલી નાખનાર સેહવાગને લાગે છે કે રોહિત તેની ટૅલન્ટ અને ફૉર્મ વડે ફાઇનલ ઉપરાંત ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટેસ્ટની સિરીઝમાં ભારે સફળતા મેળવશે. આ વિશે સેહવાગે કહ્યું હતું કે ‘આ બાબતે કોઈ શંકા નથી કે ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉધીની જોડી ભારત માટે મોટો પડકાર બની રહેશે. તેઓ બન્ને બાજુ બૉલને સ્વિંગ કરાવી શકે છે અને બન્ને જોડીમાં જાનદાર હોય છે. આથી જ રોહિત શર્મા અને બોલ્ટ વચ્ચેની ટક્કરની હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. જો રોહિત બોલ્ટનો શરૂઆતનો સ્પેલ પાર કરી લેશે તો પછી તેને રમતો જોવો એક લહાવો બની રહેશે.’



રોહિતને ઇંગ્લૅન્ડમાં રમવાનો અનુભવ છે, એમ કહીને સેહવાગે કહ્યું હતું કે ‘રોહિત એક અદ્ભુત બૅટ્સમૅન છે અને ૨૦૧૪માં તે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ મૅચ રમી ચૂક્યો છે એથી મને લાગે છે કે તે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ એમ ફરી ટીમને સારી શરૂઆત અપાવશે. મને એ બાબતે કોઈ શંકા નથી કે આ વખતે ઇંગ્લૅન્ડમાં તે ભરપૂર રન બનાવશે. જોકે એક ઓપનર તરીકે તેણે શરૂઆતની ૧૦ ઓવર ખૂબ સાવધાની સાથે રમતાં નવા બૉલના પડકારને ખાળીને કન્ડિશનનો તાગ મેળવવો પડશે. ત્યાર બાદ તેને તેના મનપસંદ શૉટ્સ રમવા માટે ખુલ્લું મેદાન મળી જશે’
રોહિત સિવાય સેહવાગ જેવી ધમાલ મચાવી શકવાની ક્ષમતા બીજા કોઈમાં હોય તો એ રિષભ પંત છે. તે આજકાલ શાનદાર ફૉર્મમાં પણ છે. પંતે ૨૦૧૮ની ટૂર દરમ્યાન સેન્ચુરી પણ ફટકારી હતી. સેહવાગે સલાહકારોને વધુ ધ્યાન આપવાનું કહીને રિષભ વિશે કહ્યું કે ‘બીજા કોઈ કરતાં રિષભ પોતે તેની બૅટિંગ વિશે વધુ જાણે છે એથી તેણે ભૂતપૂર્વ ક્રિકેટરો, કૉમેન્ટેટરો અને મીડિયા શું કહે છે એના પર ધ્યાન આપવાને બદલે પોતે ટીમ માટે શું બેસ્ટ કરી શકે છે એના પર ધ્યાન આપવું જોઈએ. હવે તે ટીમમાં તેના રોલ વિશે વધુ જાગ્રત થઈ ગયો છે અને ટીમમાં છઠ્ઠા ક્રમાંકના બૅટ્સમૅન તરીકે એક મહત્ત્વપૂર્ણ પ્લેયર  બની ગયો છે. જો તે સેટ થઈ ગયો અને રન બનાવવા માંડ્યો તો તે મૅચનું પાસું પલટી શકે છે અને આપણે એ જોઈ પણ ચૂક્યા છીએ.’


અશ્વિન-જાડેજા સાથે મેદાનમાં ઊતરો
સેહવાગને લાગે છે કે ભારતે ચાર પેસ બોલરને બદલે બે સ્પિનરોને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા જોઈએ જેથી બૅટિંગ પણ થોડી મજબૂત થશે. સેહવાગ કહે છે કે ‘મને ખબર નથી ૧૮ જૂને વિકેટ કેવી હશે, પણ હું હંમેશાં માનું છું કે તમારે તમારી જે તાકાત હોય એની સાથે રમવું જોઈએ. જો ભારતીય ટીમ પાંચ મુખ્ય બોલર્સ સાથે રમવા ઊતરશે તો એ ખૂબ જ સારી બાબત હશે, કેમ કે મને લાગે છે કે બે સ્પિનરો ચોથા અને પાંચમા દિવસે ખૂબ ઉપયોગી થઈ પડશે. ટીમમાં બે સ્પિનરનો સમાવેશ યોગ્ય રહેશે. આ બન્ને ટીમમાં હશે ત્યારે તમારે છઠ્ઠા બૅટ્સમૅન વિશે વિચારવાની જરૂર જ નહીં પડે.’

મૉડર્ન ક્રિકેટમાં માઇન્ડ-સેટ જરૂરી
ક્રિકુરુ વેબસાઇટ સાથે તાજેતરમાં જોડાયેલા સેહવાગને લાગે છે કે યુવા ખેલાડીઓ માટે આજના આ મૉડર્ન ક્રિકેટમાં યોગ્ય માઇન્ડ-સેટ ખૂબ જરૂરી છે. આથી આજના જમાનામાં યોગ્ય માર્ગદર્શન મેળવવું જરૂરી છે. આથી સેહવાગે ક્રિકુરુ ઍપ ડેવલપ કરી છે જેમાં તેની સાથે ક્રિસ ગેઇલ, જૉન્ટી ર્‍હોડ્સ, મુથૈયા મુરલીધરન, હરભજન સિંહ જેવા આજકાલના ક્રિકેટ લેજન્ડ્સ દરેક પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો એ વિશે માર્ગદર્શન આપશે. સેહવાગ અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી અને બૅટિંગ-કોચ સંજય બાંગર સંયુક્ત રીતે આ ઍપ ડેવલપ કરી છે, જેનું લક્ષ્ય દુનિયાભરના ક્રિકેટરોના જ્ઞાન અને અનુભવ વડે યુવા ક્રિકેટરોને મદદરૂપ થવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2021 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK