પહેલી T20માં પાકિસ્તાનના ૧૭૯ રનના ટાર્ગેટ સામે ૧૬૪ રન જ બનાવતાં ૧૪ રને મળી હાર, યજમાન ટીમે પાંચ ઓવરમાં ૩૮ રનની અંદર સાત વિકેટ ગુમાવી દીધી
૫૭ રન ફટકારવાની સાથે બે વિકેટ લેનાર સૈમ અયુબ બન્યો પ્લેયર ઑફ ધ મૅચ
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પોતાનું પ્રભુત્વ ગુમાવી રહી છે. પાકિસ્તાન સામેની ઘરઆંગણે T20 સિરીઝની પહેલી જ મૅચમાં કૅરિબિયન ટીમને ૧૪ રને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ૬ વિકેટે ૧૭૮ રન કર્યા હતા અને જવાબમાં યજમાન ટીમ સાત વિકેટે ૧૬૪ રન કરી શકી હતી.
જુલાઈ ૨૦૨૫માં વેસ્ટ ઇન્ડીઝની આ સતત છઠ્ઠી T20 હાર હતી. તેમણે પોતાની સતત સૌથી વધુ T20 મૅચ હારવાના વર્ષ ૨૦૧૯ અને ડિસેમ્બર ૨૦૨૪થી જૂન ૨૦૨૫ના સતત છ મૅચ હારવાના રેકૉર્ડની બરાબરી કરી હતી. છેલ્લી ૧૯ T20 મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને માત્ર બે જીત મળી છે.
પાકિસ્તાન માટે પાંચ ફોર અને બે સિક્સર ફટકારનાર ઓપનર સૈમ અયુબ (૩૮ બૉલમાં ૫૭ રન)એ અને ફખર ઝમાન (૨૪ બૉલમાં ૨૮ રન)એ બીજી વિકેટ માટે ૫૧ બૉલમાં ૮૧ રનની ભાગીદારી કરીને મોટો સ્કોર ઊભો કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર શમર જોસેફ (૩૦ રનમાં ત્રણ વિકેટ)એ આ ફૉર્મેટમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.
યજમાન ટીમના ઓપનર્સ જૉન્સન ચાર્લ્સ (૩૬ બૉલમાં ૩૫ રન) અને જ્વેલ ઍન્ડ્ર્યુ (૩૩ બૉલમાં ૩૫ રન)ની ૭૨ રનની ભાગીદારી તૂટી ત્યારથી આ ટીમે પાંચ ઓવરની અંદર ૩૮ રન ફટકારીને સાત વિકેટ ગુમાવી દીધી હતી. જેસન હોલ્ડર (૧૨ બૉલમાં ૩૦ રન) અને શમર જોસેફ (૧૨ બૉલમાં ૨૧ રન)એ અંતિમ ચાર ઓવરમાં ટીમની બાજી સંભાળી, પણ જીત અપાવી શક્યા નહોતા. સ્પિનર મોહમ્મદ નવાઝ (૨૩ રનમાં ૩ વિકેટ) અને સૈમ અયુબે (૨૦ રનમાં બે વિકેટ) પાકિસ્તાન તરફથી તરખાટ મચાવીને વેસ્ટ ઇન્ડીઝ ટૂરમાં વિજયી શરૂઆત અપાવી હતી.


