Wasim Jaffer on Rohit Sharma and Virat Kohli T20I Career: રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટી20માં કમબૅક કર્યું હતું.
વસીમ જાફર (ફાઈલ તસવીર)
ટી20 વર્લ્ડ કપ 2024 વચ્ચે વસીમ જાફરે રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. પૂર્વ ભારતીય બેટર જાફર કહે છે કે બન્ને સ્ટાર ક્રિકેટર ટૂર્નામેન્ટ બાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દેશે. જણાવવાનું કે રોહિત અને કોહલીએ જાન્યુઆરી 2024માં ટી20 ઈન્ટરનેશનલમાં કમબૅક કર્યું હતું. બન્ને ટી20 વર્લ્ડ કપ 2022 પૂરું થયા બાદ સૌથી નાના ફૉર્મેટથી દૂર રહ્યા હતા. જો કે, રોહિત અને વિરાટે ટી20 વર્લ્ડ કપ 2024ને જોતા આ ફૉર્મેટમાં કમબૅક કરવાનો નિર્ણય લીધો. બન્ને હાલ ટૂર્નામેન્ટમાં ખાસ ફૉર્મમાં જોવા મળ્યા નથી. રોહિતની બેટથી માત્ર એક હાફ સેન્ચુરી લાગી છે. કોહલીએ કોઈપણ હાફ સેન્ચુરી ફટકારી નથી.
જાફરે સોમવારે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું, "શક્ય છે કે બન્ને ખેલાડી હાલના વર્લ્ડ કપ બાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લે. આખરે, આ નિર્ણય તો રોહિત-કોહલી અને સિલેક્ટર્સે લેવાનો છે. પણ મને લાગે છે કે આ બન્નેનું છેલ્લું ટી20 વર્લ્ડ કપ હોઈ શકે છે. મારું માનવું છે કે આપણે છેલ્લી વાર ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમતા જોઈ રહ્યા છીએ. જો કે, રોહિત અને વિરાટ આઈપીએલમાં રમવાનું ચાલુ રાખશે." રોહિતે 2008માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યો હતો. તેણે આ ફૉર્મેટમાં 155 મેચમાંથી અત્યાર સુધી 4073 રન્સ કર્યા છે. તો, કોહલીએ 2010માં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો હતો. તેણે 122 મેચમાં 4103 રન્સ ફટકાર્યા છે.
ADVERTISEMENT
જાફરે વિરાટ કોહલીની 100મા આંતરરાષ્ટ્રીય શતકને લઈને પણ ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું, "મને એવું લાગે છે કે કોહલી 100 ઈન્ટરનેશનલ સેન્ચુરી કમ્પલીટ કરશે. તેની પાસે હજી ઘણો સમય છે. તે ખૂબ જ ફિટ છે. તે જે કન્સિસ્ટેન્સીથી રન્સ ફટકારે છે, હું સો ટકા આશા કરું છું કે 100 શતક પાર કરી જશે." કોહલીના નામે હાલ 80 આંતરરાષ્ટ્રીય શતક છે. જેણે વનડેમાં 50, ટેસ્ટમાં 29, અને ટી20 ઈન્ટરનેશનલમાં એક શતક ફટકાર્યો છે. કોહલી વનડેમાં સૌથી વધારે સેન્ચુરી ફટકારનારો ક્રિકેટર છે. તેણે ગયા વર્ષે વનડે વર્લ્ડ કપમાં સચિન તેંદૂલકર (49)નો રેકૉર્ડ તોડ્યો હતો. સચિન 100 ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે.
નોંધનીય છે કે સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં બંગલાદેશને ૫૦ રને હરાવીને ભારતીય ટીમ સેમી ફાઇનલની વધુ નજીક પહોંચી ગઈ છે. ભારતીય ટીમે પ્રથમ બૅટિંગ કરીને પાંચ વિકેટે ૧૯૬ રન બનાવ્યા હતા. જવાબમાં બંગલાદેશી ટીમે જડબાતોડ જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પણ ૮ વિકેટે ૧૪૬ રન બનાવી શકી હતી.
બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ આમ ત્રણેય વિભાગમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમના વાઇસ કૅપ્ટન હાર્દિક પંડ્યાને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. ૧ વિકેટ સાથે ૫૦ રન ફટકારનાર હાર્દિક પંડ્યાએ મોટો રેકૉર્ડ બનાવ્યો હતો. તે T20 વર્લ્ડ કપમાં ૩૦૦ પ્લસ રન અને ૨૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ઑલરાઉન્ડર બન્યો હતો. IPL 2024માં ટ્રોલિંગનો સામનો કરનાર હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

